ટેક્સ પ્લાનિંગઃ એચયૂએફ માટે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 26, 2015 પર 13:21  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે આપણે વાત કરીશું હિન્દુ અવિભક્ત કુટુંબ એટલેકે એચયૂએફ. એચયૂએફ અંગે ચર્ચા કરીશું અને એચયૂએફના લાભ શું હોય છે, આવકવેરા આયોજન તેમાં કઈ રીતે કરવું અને આ સાથે જ આ અંગેની કેટલીક ગેર સમજણો છે તેને પણ દૂર કરવાનો પ્રયત્ન કરીશુ અને આ અગં વધુ માહિતી મેળવીશું વરિષ્ઠ ટેક્સ વિશેષજ્ઞ મૂકેશ પટેલ સાથે.

મૂકેશ પટેલના મતે સંયુક્ત કુંટુંબને આપણા આવકવેરા કાયદા હેઠળ એક વિશિષ્ટ સ્ટેટ્સ આપવામાં આવ્યું છે. હિન્દુ લૉ હેઠળ હિન્દુ અવિભક્ત કુંટુંબ સમાવિષ્ટ છે. લગ્ન બાદ પતિ-પત્નીનું હિન્દુ અવિભક્ત કુંટુંબ શરૂ થયું ગણાય છે. પરંતુ પતિ-પત્ની તેમના જન્મ સમયે જે એચયૂએફના સભ્ય હતા તેને બિગર એચયૂએફ તરીકે ગણવામાં આવે છે. કોઇપણ વ્યક્તિ તેના લગ્ન બાદ જે એચયૂએફની રચના કરે તેને સ્મોલર એચયૂએફ તરીકે ગણવામાં આવે છે. જેમાં તેમના સંતાનોના જન્મ બાદ તેમનો સમાવેશ પણ એચયૂએફના સભ્ય તરીકે થાય છે. ઉલ્લેખનીય છે કે એચયૂએફના સભ્યમાં પુત્રીનો પણ હવે સમાવેશ થાય છે.

એચયૂએફને અલગ એકમ તરીકે ગણવામાં આવે છે. જેમ વ્યક્તિગતના કેસમાં આવકવેરા કાયદા અંતર્ગત જે કર કપાતનો લાભ મળે છે તે તમામ લાભ એચયૂએફને પણ છે. વ્યક્તિગત એન્ટેટી અને એચયૂએફ એન્ટીટી અલગ અલગ ગણાય છે તેથી અહીં કરવેરા આયોજન વધારે સારી રીતે કરી શકો છો. ખાસ કરીને પગારદાર વર્ગ માટે કરવેરા આયોજનની સારી તક બની રહી છે. જેમાં પગારદાર તરીકે મળતી પગારની આવક અને વ્યવસાયિક તરીકે મળતી આવક તમારી પોતાની જ આવક ગણાય. આ સંદર્ભમાં તમે કપાતના લાભ લઇ શકો પણ તેને તમે ટ્રાન્સફર ન કરી શકો. તેથી તમારી પગાર કે વ્યવસાયની આવક ચોક્કસ રાખો પણ તમારી બચત કે રોકાણની આવકને એચયૂએફ એન્ટીટીમાં લઇને કર બચતનો લાભ લઇ શકો.

એચયૂએફની રચના લગ્ન થયા બાદ જ અસિ્ત્તત્વમાં આવી જાય છે. એચયૂએફને શરૂ કરવા માટે શરૂઆતી મૂડી હોવી જરૂરી છે. એચયૂએફની શરૂઆતી મૂડી માટે બક્ષિસનો માર્ગ સારો રહેશે. જો તમે તમારા પોતાના એચયૂએફમાં કોઇ બક્ષિસ આપો છો તો તેમાંથી ઉદ્દભવતી આવક તમારી આવકમાં ઉમેરાશે. તેથી એચયૂએફમાં લેવામાં આવતી બક્ષિસ તમે તમારા એચયૂએફની બહારના સભ્ય પાસેથી લેશે તો એ સલાહભર્યુ રહેશે. એ ખ્યાલમાં રાખશો કે રૂપિયા 50 હજારથી વધુની બક્ષિસ આપવામાં આવે તો તેને આવકના સંદર્ભમાં ગણવામાં આવશે. સાથે જ રૂપિયા 50 હજારથી વધુની આવક એચયૂએફમાં થાય તો તેના પર નિયત મર્યાદા આધારે કરવેરાની જવાબદારી પણ આવી શકે છે

એચયૂએફ અંતર્ગત જો રૂપિયા 50 હજારથી વધુની બક્ષિસ મળતી હોય તો પણ કરવેરા આયોજન શક્ય છે. ધારો કે એચયૂએફની બહારના સભ્ય દ્વારા રૂપિયા 4 લાખની બક્ષિસ મળે છે તો તેવા કિસ્સામાં કલમ 56 હેઠળ અન્ય સ્ત્રોતની આવક ગણવામાં આવે છે. પરંતુ એ આવકમાંથી તમે કલમ 80સી હેઠળ રૂપિયા 1.5 લાખનું રોકાણ કરી શકો છો. બાકી બચેલી રકમ અઢી લાખ ઉપર કોઇ કરવેરો ભરવાનો થતો નથી.


પગારદાર કે વ્યવસાયિક પોતાની કુલ આવકમાંથી કેટલીક બચત થાય છે. તો તે બચતની રકમની તમારા એચયૂએફને વગર વ્યાજની લોન આપી શકો છો. તમારી અંગત બચતને એચયૂએફમાં લોન સ્વરૂપે આપીને કરવેરા બચત કરી શકો છો. એચયૂએફ લોન દ્વારા મળેલી રકમનું રોકાણ કરી શકો અને તેના દ્વારા આવક કરી શકે છે. આ લોનની રકમને એચયૂએફ શેર, મકાન-મિલ્કત કે ધંધામાં રોકીને આવક ઉપજાવી શકે છે.

પાર્ટીશન એટલે કે એચયૂએફનું વિભાજન. કોઇ એક સંયુક્ત કુંટુંબ પાસે અનેક મિલ્કત છે જેમાં એચયૂએફના સભ્ય મિલ્કતમાં પોતાનો અલગ હિસ્સો માંગે છે. ત્યારે આવા કિસ્સામાં એચયૂએફના દરેક સભ્યનો એચયૂએફની મૂડી-મિલ્કતમાં હિસ્સો રહે છે. આ પાર્ટીશન એક સમાન કે અસમાન પણ કરી શકાય. કરવેરા આયોજનની દ્રષ્ટ્રીએ પાર્ટીશન બાદ મળતી મિલ્કત ઉપર ટ્રાન્સફર ગણવામાં નથી આવતી.

મલ્ટીપલ પાર્ટીશનનો ઉદ્દભવ ગુજરાતી કરદાતા દ્વારા જ શોધવામાં આવ્યો છે. પાર્ટીશન દ્વારા એક કરતાં વધુ એચયૂએફની રચના કરવામાં આવી શકે છે જે મલ્ટીપલ પાર્ટીશન ગણવામાં આવે છે. એના માટે સરકારે આવકવેરા કાયદાની કલમ 171 હેઠળ સુધારો કરીને તેને રોકવાનો પ્રયાસ કર્યો છે. જે એચયૂએફ નિયમિત રીતે ટેક્સ એસેસમેન્ટ નથી થતું તેમના દ્વારા હજુ પણ મલ્ટીપલ પાર્ટીશન કરવામાં આવી રહ્યું છે..

ફેમિલી અરેન્જમેન્ટ કરવેરા આયોજનનું અલગ પ્રકારનું સાધન છે. મિલ્કતોની વહેંચણી વત્તે-ઓછે અંશે કરવી હોય તે ફેમિલી અરેન્જમેન્ટ અંતર્ગત કરવામાં આવે છે. આ વહેંચણી ઉપર બક્ષિસ વેરો કે ટ્રાન્સફર અંગેના કરવેરા લાગતાં નથી. લગ્ન થયા બાદ આપને હિન્દુ અવિભક્ત કુંટુંબની રચના થઇ જાય છે. જેમાં આપને પુત્ર હોય કે પુત્રી આપ એચયૂએફની રચના કરી શકો છો.