ટૅક્સ પ્લાનિંગઃ કરવેરા આયોજન પ્રશ્નોત્તરી

ના રોજ પ્રકાશિત Sat, 03, 2015 પર 13:03  |  સ્ત્રોત : Moneycontrol.com

સવાલઃ શ્રીધર અમીન, આણંદ રૂપિયા 25 લાખની હાઉસિંગ લોન લીધેલી છે તો વ્યાજદરમાં ઘટાડો આવી રહ્યો છે તો હું મારી લોન ઓછા વ્યાજદરની લોન ઉપર સ્વીચ કરૂ તો કરવેરા આયોજનમાં કોઇ મુશ્કેલી રહે કે નહીં?

જવાબઃ શ્રીધરભાઇનો પ્રશ્ન હાલની સ્થિતિ પ્રમાણે પ્રસ્ત્તુત છે. તાજેતરમાં આરબીઆઇ ગર્વનરે હાઉસિંગ લોન ધારકો માટે સારા સમાચાર આપ્યા છે. શ્રીધરભાઇએ 10 ટકાની હાઉસિંગ લોન લીધી હતી. હાઉસિંગ લોન બે પ્રકારે આપવામાં આવે છે. જેમાં ફિક્સ્ડ રેટની લોનમાં વ્યાજદર ફિક્સ રહે છે.

જ્યારે બીજો પ્રકાર ફ્લોટિંગ રેટનો ઓપ્શન જેમાં વ્યાજદરના વધારા-ઘટાડાની અસર થાય છે. જૂની હાઉસિંગ લોનને ચૂકવવા માટે નવી લોન લો છો તો તે હાઉસિંગ લોન ગણાશે. આવકવેરા કાયદાની કલમ 24 હેઠળ રૂપિયા 2 લાખની કપાત મર્યાદા છે તે અંતર્ગત બાદ મળશે. આ મુદ્દે 28મી ઓગષ્ટ 1969માં સીબીડીટીએ સર્કયુલર 28માં સ્પષ્ટતાં કરી છે કે ઉપરોક્ત લાભ લઇ મળવાપાત્ર રહે છે.

સવાલઃ ભીખુભાઇ પટેલ, અમદાવાદ એચયુએફની રચના કરવા માટે શું કાર્યવાહી કરવાની રહેશે? એચયુએફની રચના માટે કોઇ સ્ટેમ્પ પેપર પર લખાણ કરવાની જરૂર રહેશે?

જવાબઃ એચયુએફ ની રચના કોઇપણ વ્યક્તિનું લગ્ન થતાં કુંટુંબ બને ત્યારે જ અસ્તિત્ત્વમાં આવે છે. આ એચયુએફની રચના માટેઆપને સંતાન હોવું જરૂરી નથી. અને પુત્ર સંતાન જ હોવું પણ જરૂરી નથી. આવકવેરાના કાયદાના હેતુસર એચયુએફ નું એકમ ઉભું કરીને તેમાં આવક ઉભી કરીને તેનું આવકવેરા આયોજન કરવાનું રહેશે.


સૌપ્રથમ તમારે બેન્ક એકાઉન્ટ ખોલાવવું પડશે, જેમાં એચયુએફ ના સભ્ય અંગેની કેવાયસી આપને આપવી પડશે. બેન્કમાં તમારે એચયુએફ તમારૂ છે તે અંગેનું એક સોગંદનામું આપવાનું રહેશે જે તમે રૂપિયા 100 સ્ટેમ્પ પેપર ઉપર આપો તો સારૂ રહેશે. જેમાં આપને એચયુએફ ઉદ્દભવની તારીખ આપવાની રહેશે, એચયુએફ ના કર્તાની વિગત અને સભ્યોના નામ તેમજ ઉંમરની વિગત આપવાની રહેશે.

આ ઉપરાંત એચયુએફ ની શરૂઆતની મૂડી તમને તમારા સગા-સંબંધી તરફથી મળી છે. તેની વિગત આપવાની રહેશે. બેન્ક એકાઉન્ટ ખોલવાની સાથે આપે પાન કાર્ડ લેવા માટેની અરજી કરી શકો છો. એચયુએફ ની ઉદ્દભવની તારીખ એટલે કે આપના લગ્નની તારીખ ગણાય. એચયુએફ નું બેન્ક એકાઉન્ટ કે પાન કાર્ડ તમે ગમે ત્યારે શરૂ કરાવો પરંતુ એચયુએફ ની ઉદ્દભવની તારીખ આપના લગ્નની તારીખ રહેશે. બેન્ક ખાતુ અને પાન કાર્ડ મળી ગયા બાદ એચયુએફ થકી કરવેરા આયોજન માટે આગળ વધી શકો છો.

સવાલઃ ભાર્ગવ જોશી શું એચયુએફ ફોર્મ નંબર 15 એચ/જી બેન્કના વ્યાજ માટે ભરી શકે?

જવાબઃ ફોર્મ નંબર 15 એચ ફક્ત સિનિયર સિટિઝન માટે છે એટલે એચયુએફ તેનો ઉપયોગ કરી ન શકે. જો વ્યાજની આવક રૂપિયા 10 હજારથી વધુ વ્યાજની આવક મળવાની હોય તો તેના પર 10 ટકાનો ટીડીએસ કરવામાં આવે છે.


હવે જો આપની આવક રૂપિયા 2.5 લાખની નિયત મર્યાદા કરતાં ઓછી છે તેના સંદર્ભમાં આપ ઇચ્છો કે ટીડીએસ કરવામાં ન આવે તેના માટે આપ ફોર્મ નંબર 15 જી ભરીને આપી શકો છો. વ્યક્તિ, એચયુએફ ફોર્મ નંબર 15 જી આપી શકે જ્યારે કંપની, ભાગીદારી પેઢી કે એલએલપી સિવાયના એકમ પણ ફોર્મ નંબર 15 જી આપી શકે.

સવાલઃ લક્ષ્મણસિંહ પરમાર, બોટાદ મારા પત્નીના ઉચ્ચ અભ્યાસ માટે જો હું એજ્યુકેશન લોન લઉં છું તો તેની ચૂકવણી ઉપર મને કર કપાતનો લાભ મળી શકે કે નહીં?

જવાબઃ આવકવેરાના કાયદાની કલમ 80ઈ હેઠળ શૈક્ષણિક લોન લેવામાં આવી હોય તો તેના ઉપર વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે તો તેના પર કર કપાતનો લાભ મળી શકે છે. આ લોન અંગેના વ્યાજની ચૂકવણીમાં કર કપાત માટે કોઇ મર્યાદા નથી. ઉલ્લેખનીય છે કે આપને આ શૈક્ષણિક લોન માન્ય નાણાંકીય સંસ્થા, ટ્રસ્ટ કે બેન્કમાંથી લીધી હશે તો જ કર કપાતનો લાભ મળશે.

આકારણી વર્ષ 2007-08 સુધી એવો નિયમ હતો કે વ્યક્તિએ પોતાના માટે શૈક્ષણિક માટે લોન લીધી હોય તો જ કર કપાતનો લાભ મળતો હતો. આ અંગે વારંવાર રજૂઆત થઇ હતી ત્યારબાદના નાણાંકીય વર્ષમાં કલમ 80ઈની ઉદાર બનાવવામાં આવી હતી. જે અંતર્ગત વ્યક્તિ તેના સંતાન કે પત્ની માટે શૈક્ષણિક લોન લેશે તો તેના ઉપર વ્યાજની ચૂકવણી કરવામાં આવશે તો કર કપાતનો લાભ મળશે.

સવાલઃ નિલેશ પટેલ આઈસીઆઈસીઆઈ બેન્કમાં પીપીએફ એકાઉન્ટ છે અને જો હું બીજી એપ્રિલે જ રૂપિયા 1.5 લાખ મારા પીપીએફ એકાઉન્ટમાં જમા કરાવું તો સમગ્ર વર્ષ માટેના વ્યાજની કમાણીનો લાભ મળે?

જવાબઃ નિલેશભાઇ આપ પીપીએફ ની રકમ બીજી નહીં પરંતુ પહેલી એપ્રિલે પણ નાણાંનું રોકાણ કરી શકો છો. આ રોકાણ બાદ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર કપાતનો લાભ મળી શકે છે. અગાઉ એવી જોગવાઇ હતી કે પીપીએફમાં રોકાણ ફક્ત તમે તમારી કરપાત્ર આવકમાંથી જ કર્યો હોય તો જ કરવેરા કપાતનો લાભ મળતો હતો.


પરંતુ ત્યારબાદ આ જોગવાઇમાં ફેરફાર કરીને કર પાત્ર આવકમાંથી રોકાણ કરવાની વાતને કાઢી નાખી છે. હવે તમે બક્ષિસ સ્વરૂપે કે કોઇની પાસેથી લઇને કે તમારી બચતમાંથી નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ પીપીએફમાં રોકાણ કરી શકો છો. પહેલીથી પાંચમી તારીખની વચ્ચે આપની પીપીએફની રકમ ખાતામાં રીઅલાઇઝેશન થાય તો સંપૂર્ણ મહિનાના વ્યાજનો લાભ મળી શકે છે.

સવાલઃ નિરંજન ભટ્ટજો પીપીએફ એકાઉન્ટમાં એક વર્ષ માટે ચૂકવણી કરવાનું ચૂકી જવાય તો બીજા વર્ષથી પીપીએફ એકાઉન્ટ ફરી કંન્ટીન્યુ કરી શકાય?

જવાબઃ પીપીએફ એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે ઓછામાં ઓછા રૂપિયા 500 થી રૂપિયા 1.5 લાખ વાર્ષિક ચૂકવવા પડે છે. જો તમે એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે નાણાં ડિપોઝિટ નથી કરાવતાં તો તેવા કિસ્સામાં આપનું એકાઉન્ટ ડોરમન્ટ કે ડિએક્ટિવ થાય છે.

પીપીએફ ના નિયમ અનુસાર બે કે ત્રણ વર્ષ પછી પણ જે રૂપિયા 500 ચૂકવવાના ભૂલી ગયા છો તો એ વર્ષના રૂપિયા 500 ચૂકવી દો છો અને રૂપિયા 50ની પેનલ્ટી ચૂકવી દો એટલે તમારૂ ખાતુ એક્ટિવ થઇ જશે. સાથે જ એ વર્ષનું વ્યાજ પણ આપને મળી રહેશે અને આપનું એકાઉન્ટ ફરી એક્ટિવ અને કંન્ટીન્યુ કરી શકશો.