ટેક્સ પ્લાનિંગઃ કરવેરાને લગતા દર્શકોના સવાલ

ના રોજ પ્રકાશિત Sat, 10, 2015 પર 12:58  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે આપણે દર્શકોના તમામ સવાલનું સમાધાન કરીશું અને દર્શકોના સવાલોનું સમાધાન કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ ટેક્સ વિશેષજ્ઞ મૂકેશ પટેલ.


પ્ર-1 હિમાંશુ ક્ષત્રિય, 30 વર્ષ પીપીએફનું એકાઉન્ટ ચાલુ રાખ્યું છે હવે આ નાણાં સાથેનું કરવેરા આયોજન કેવી રીતે કરવું?

જવાબઃ જો આપને નાણાની જરૂર ન હોય તો પીપીએફનું એકાઉન્ટ ચાલુ રાખો. પંદર વર્ષ બાદ આગામી 15 વર્ષ માટે નહીં પરંતુ 5 વર્ષના ગાળાનું પીપીએફનું ખાતુ ખોલાવી શકો છો. ત્યારબાદ દર 5 વર્ષે તમારા પીપીએફ એકાઉન્ટ રિન્યુ કરાવી શકો છો. જો હું મારી પોતાની વાત કરૂં તો છેલ્લાં 40 વર્ષથી મારૂં પીપીએફ એકાઉન્ટ ચાલુ રાખી રહ્યો છું અને દર 5 વર્ષે તેને રિન્યુ કરાવું છું. તેથી જો હિમાંશુભાઇ આપને નાણાની જરૂર ન હોય તો તેવા સંજોગોમાં આપ 30 વર્ષ બાદ પણ પીપીએફ એકાઉન્ટ ચાલુ રાખી શકો છો.

પ્ર-2 પી.આર. પટેલ, ગ્રેચ્યુઇટી અને પીએફના નાણાના ઉપાડ વખતે કરપાત્રતા શું રહે છે?

જવાબઃ પગારદાર વર્ગને નિવ્ત્તિ સમયે મળતાં નાણા જેવા કે ગ્રેચ્યુઇટી, પીએફ અને લીવ એન્કેશનમેન્ટ જેવા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી હતી. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ માન્ય કે સરકારી પીએફ હોય તો નિવ્ત્તિ સમયે સંપૂર્ણ રીતે કરમુક્ત છે. આવકવેરા કાયદાની કલમ 10 હેઠળની જોગવાઇ અનુસાર માન્ય કે સરકારી પીએફની આવક સંપૂર્ણ કરમુક્ત રહેશે. ગ્રેચ્યુઇટીની મહત્તમ કરમુક્તિ મર્યાદા રૂપિયા 10 લાખ સુધીની છે. ગ્રેચ્યુઇટીની છૂટ આવકવેરા કાયદાની કલમ 10ની પેટાકલમ 10 અંતર્ગત આપવામાં આવી છે. તમે જેટલા વર્ષની નોકરી પૂરી કરી હોય તેના દરેક મહિનાના અડધા મહિનાનો પગારની રકમ અને ગ્રેચ્યુઇટીની રકમ બેમાંથી જે ઓછી હશે તે કરમુક્ત ગણાશે. આ નિયમ પ્રાઇવેટ-ખાનગી કંપનીના કર્મચારીઓ માટે રહે છે. ઉલ્લેખનીય છે કે આ મર્યાદા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે છે સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની સંપૂર્ણ રકમ કરમુક્ત રહે છે.

પ્ર-3. એચયુએફની આવકના આયોજન માટે વ્યક્તિ પોતાના નાણાં એચયુએફને લોન તરીકે આપે અને તેના ઉપર જો વ્યાજ કમાય છે તો આકારણી અધિકારી આ અંગે કોઇ વાંધો લઇ શકે?

જવાબઃ આ મુદે દર્શકમિત્રો કોઇ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આપની વધારાની મૂડી એચયુએફને લોન આપી એચયુએફમાં આવક ઉભી કરવી હોય તો તે માન્ય છે. સુપ્રીમ કોર્ટે ગોધરા ઇલેક્ટ્રીસિટીના કેસમાં સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે કોઇપણ કરદાતાના કેસમાં તેની વાસ્તવિક થતી હોય તે જ તેની આવક ગણી શકાય. જો તેણે પોતાના નાણા વગર વ્યાજે આપ્યા હોય તો તે આવક મેળવનારની આવક ગણી શકાય પરંતુ લોન આપનારની નહીં. એ. રમણ એન્ડ કંપનીના કેસમાં કોર્ટે ઠરાવ્યું છે કે કોઇપણ વ્યક્તિ કાયદામાં રહીને પોતાની આવકનું એવી રીતે આયોજન કરી શકે જેમાં તેની કર જવાબદારી ઓછી થાય. આ ચૂકવણી આપે લોન સ્વરૂપે કરી છે જો બક્ષિસ સ્વરૂપે કરવામાં આવી હોય તો ક્લબિંગ ઓફ ઇન્કમ લાગુ પડે શકે. તેથી આવા કિસ્સામાં આવકવેરની જવાબદારી બની શકે નહીં.

પ્ર-4 એચયુએફ તરફથી વગર વ્યાજે લોન લીધી હોય તો તેના પર કાલ્પનિક વ્યાજ વસુલવાની જોગવાઇ ખરી?

જવાબઃ ગૌહતી હાઇકોર્ટના બે મહત્ત્વના ચુકાદા આ અંગે આપવામાં આવ્યા છે. ધારો કે રૂપિયા 10 લાખની વગર વ્યાજની લોન આપી છે તો આવા કિસ્સામાં આકારણી અધિકારી તેને કાલ્પનિક આવક તરીકે ગણી શકે નહીં. કોર્ટે તેની સમક્ષ આવેલા આ પ્રકારના બંને કેસમાં સ્પષ્ટ કર્યું કે કાલ્પનિક વ્યાજ વસુલવાની કોઇ જોગવાઇ આવકવેરાના કાયદામાં નથી. તેથી જો આવક થઇ હોય તો જ તેના પર કરપાત્રતા બની શકે છે. જો તમે એચયુએફમાં આપેલી મૂડી ઉપર વ્યાજ નથી લેતાં તો એચયુએફમાંથી લીધેલી લોન ઉપર વ્યાજની ચૂકવણી મજરે પણ મેળવી શકતાં નથી. જો તમે પોતાની મૂડીમાંથી આયોજન કર્યુ હોય તો જ આ પ્રકારનું આયોજન કરી શકો.

પ્ર-5 અમીબહેન દેસાઇ, હું સુરતની રહેવાસી છું, હું મારા પિતાની સાથે રહું છું અને જો હું એમને ભાડું ચૂકવું તો તેના પર એચઆરએ એક્ઝપ્શન મળે કે નહીં અને જો હું આ ભાડું ચૂકવું છું તો તે મારા પિતા જે સિનિયર સિટીઝન છે તેમની કરપાત્રતા શું રહેશે?

જવાબઃ તમને તમારી કંપની હાઉસ રેન્ટ એલાઉન્સ આપે છે. પગારદાર વર્ગ માટે આવકવેરા કાયદાની કલમ 10ની પેટા કલમ 13એ હેઠળ માલિક દ્વારા ચૂકવાતું એચઆરએ નિયત નિયમોને આધીન કરમુક્ત રહે છે. બેઝિક અને ડીએના 10 ટકાથી વધુ માત્રામાં ભાડું ચૂકવતાં હોય તે લેવાનું હોય અને એચઆરએ તરીકે ખરેખર મળેલ રકમ હોય અને સુરત જેવા શહેરોમાં 40 ટકા અને મેટ્રોમાં રહેતાં હોય તો 50 ટકા રકમ. પગારના ચાલીસ ટકા, તમને ખરેખર મળેલ ઘરભથ્થું અથવા તમે ચૂકવેલ ભાડું છે એ જેમાં આપના પગાર-ડીએના 10 ટકાથી વધુ રકમ થતી હોય એ આપને કરમુક્ત રહેશે. આવકવેરાના કાયદા હેઠળ એવો કોઇ નિર્દેશ નથી કે જેમાં ઘરભાડું બહારની વ્યક્તિને જ આપો તે માન્ય રહે એવું નથી. ઘર માલિક કે જે તમારા પિતા, માતા કે પતિ હોય તો તેમને પણ તમે વ્યાજબી ભાડું ચૂકવી શકો છો. આ ભાડા પર તમને કરમુક્તિનો લાભ મળી શકે છે. તમારા પિતા સિનિયર સિટિઝન છે અને સુપર સિનિયર સિટીઝન હોય તો તેમની કરમુક્તિ મર્યાદા આપના કરતાં વધારે રહેશે. તેથી આપના કેસમાં વિન-વિન સ્થિતિ આપના માટે રહે છે.