ટેક્સ પ્લાનિંગઃ ટીડીએસની કપાત પર સલાહ

ના રોજ પ્રકાશિત Sat, 24, 2015 પર 14:01  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે ટેક્સ પ્લાનિંગમાં આપણે વાત કરીશું ટીડીએસ અને ટેક્સ પ્લાનિંગ, ટીડીએસની કપાત પર સલાહ, કઈ રીતે કપાય ટીડીએસ, સરકારની કમાણીનો મોટો હિસ્સો, શું છે ટીડીએસની ફિલોસોફી અને વ્યાજ પર કઈ રીતે કપાય ટીડીએસ આ બધી તમામ વાતો પર ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે વરિષ્ઠ ટેક્સ વિશેષજ્ઞ મૂકેશ પટેલ.

ટીડીએસ અને કપાત
સરકારના આવકવેરા કલેક્શનનું સૌથી મોટું સાધન ટીડીએસ છે. સરકારને વ્યક્તિગત આવકવેરાની લગભગ 60% આવક ટીડીએસમાંથી આવે છે. ગત વર્ષ દરમિયાન સરકારને લગભગ રૂપિયા 2.5 લાખ કરોડની કમાણી થઈ. ટીડીએસની ફિલોસોફી જેમ જેમ કમાઓ એમ ટેક્સ ભરો જેવી છે. ચૂકવણી પર ટીડીએસ પગાર, વ્યાજ ભાડું, કોન્ટ્રેક્ટ રિસિપ્ટ, કમિશન, વ્યાવસાયિક ફી. તમામ ચૂકવણી માટે નિયત મર્યાદા છે, એનાથી વધુ ચૂકવણી પર નિયત દરે ટીડીએસ લાગે.

વ્યાજ ઉપર 10%નો ટીડીએસ લાગે. સૌથી વ્યાપક ટીડીએસની જોગવાઈ વ્યાજની ચૂકવણી હેઠળ છે. વ્યાજની ચૂકવણી માટે કલમ 193 અને 194-એ લાગુ પડે. કલમ 193 હેઠળની જોગવાઈમાં બોન્ડ્સ પરના વ્યાજની કવણી 10 હજારથી વધુ હોય તો 10%ના દરે કપાત થાય. પબ્લિક કંપનીના ડિબેન્ચર માટે 5 હજાર રૂપિયાની મર્યાદા છે. કલમ 194-એ હેઠળ બેન્ક દ્વારા વાર્ષિક 10 હજારથી વધુ વ્યાજની ચૂકવણી કરાય તો 10%ના દરે ટીડીએસ કપાય. બેન્ક સિવાયની ડિપોઝિટ પરની મર્યાદા રૂપિયા 5000 છે. 5 કે 10 હજારની મર્યાદાથી વધુ વ્યાજ મળતું હોય તો પેન ખૂબ જરૂરી છે. પેન ન હોય એવા કિસ્સામાં 20%ના દરે ટીડીએસની કપાત કરવામાં આવે છે.

ટીડીએસના સર્ટિફિકેટ -
ટીડીએસ માટે બે પ્રકારના ટેક્સ ક્રેડિટ સર્ટિફિકેટ છે. પગારદારને ફોર્મ-16 આપવામાં આવે છે, એમાં પગારની ચૂકવણી અને એના પરના ટીડીએસની માહિતીનો સમાવેશ થાય. પગાર સિવાયની અન્ય ચૂકવણી માટે 16-એ સર્ટિફિકેટ છે.

સવાલ ડૉ. અતુલ પરિખ, તલોદ - ગાયનેક ડૉક્ટર તરીકે ખાનગી પ્રેક્ટિસ કરૂં છું. પોસ્ટ ઑફિસમાં રૂપિયા 1 લાખનું રોકાણ છે અને એના પર 10%ના દરે ટીડીએસની કપાત છે. 2013-14 માટે ટીડીએસનું સર્ટિફિકેટ નથી મળ્યું. આથી 2014-15નું રિટર્ન નથી ભર્યું. માર્ગદર્શન આપશો.

અતુલભાઈને સલાહ - તમારે મૂંઝાવાની જરૂર નથી, વેબસાઇટ પર ઇ-ફાઇલિંગ કરી શકો છો. નવા ફોર્મેટમાં ઇ-ફાઇલિંગ કે પેપર રિટર્નના વિકલ્પ છે, એમાં કોઈ અટેચમેન્ટની જરૂર નથી. રિટર્નની અંદર જ કપાતની વિગત દર્શાવાની હોય છે, જેના આધારે ટેક્સ ક્રેડિટ મળે. પહેલાં અટેચમેન્ટને લીધે સમસ્યા સર્જાતી હતી. તમારા ખાતામાં ટેક્સની ક્રેડિટ જમા થાય છે કે નહીં એ જોવા માટે incometaxindiaefiling.gov.in વેબસાઇટમાં ફોર્મ 26-એએસની વિન્ડો ખોલી રજિસ્ટ્રેશન કરી શકો. રજિસ્ટ્રેશનમાં પાસવર્ડ, પેન અને જન્મતારીખ નોંધાવવાની હોય છે. 26-એએસમાં આખા નાણાંકીય વર્ષની કેટલી ટેક્સ ક્રેડિટ છે એ વર્ષવાર જોઈ શકાય છે. પોસ્ટ ઑફિસમાં રોકાણ પરના ટીડીએસની માહિતી 26-એએસમાં ન હોય તો તમે પોસ્ટ ઑફિસમાં રજૂઆત કરી શકો છો.

ફોર્મ 26-એએસ
દરેક પેન હોલ્ડરના ટીડીએસ કે એડવાન્સ ટેક્સ જેવી તમામ રકમની ચૂકવણી આ ફોર્મની મદદથી જોઈ શકાય છે. 26-એએસ ઘણી પારદર્શક વ્યવસ્થા છે. વેબસાઇટ- incometaxindiaefiling.gov.in રજિસ્ટર કરી શકો.

ટીડીએસ અને કપાત મુક્તિ
વ્યાજમાંથી ટીડીએસ માટે 10%નો ટેક્સ રેટ નિયત કરવામાં આવ્યો છે. એક સમયે રૂપિયા 1 લાખની આવક હોય તો પણ સરેરાશ 10%થી વધુ ટેક્સ લાગતો હોય છે. મહત્તમ કપાત દરની મર્યાદા હવે રૂપિયા 10 લાખ છે, રૂપિયા 5 લાખ સુધી સરેરાશ 10%થી ઓછો દર લાગે. જેની આવક રૂપિયા 2.5 લાખની પણ નથી. એમને વ્યાજની ચૂકવણી પર ટીડીએસ કપાતા સમસ્યા સર્જાઈ શકે છે. રૂપિયા 2.5 લાખ કે સીનિયર સિટિઝન માટે રૂપિયા 3 લાખથી ઓછી આવક હોય ત્યારે ટીડીએસ કપાતના હલ માટે વિશેષ જોગવાઈ છે.

ટીડીએસ કપાતનો હલ
60 વર્ષથી ઓછી વયના કોઈ પણ રહિશ કરદાતા ફોર્મ 15-જી ભરી શકે. 60 વર્ષથી વધુ વયના રહીશ કરદાતા 15-એચ ભરી શકે. 15-જી અને 15-એચમાં રજૂઆત કરી શકાય કે કરપાત્ર આવક પર કોઈ વેરો ભરવાનો થતો નથી.

સવાલ સુમીબેન પટેલ - હું સીનિયર સિટિઝન હાઉસવાઇફ છું. આવકનો એકમાત્ર સ્ત્રોત રૂપિયા 35 લાખની એફડીના વ્યાજની આવક છે. આ વ્યાજની આવક પર ચૂકવવા પાત્ર વેરા પર રૂપિયા 1 લાખની ટેક્સ સેવિંગ સ્કીમનો લાભ પણ લીધો છે. આ સંજોગોમાં પણ બેન્કે 15-જી સ્વીકારવાની ના પાડી છે કારણ કે વ્યાજની આવક રૂપિયા 2.5 લાખથી વધુ છે. આ કારણે રિટર્ન ભરવુ પડે છે. કપાત મુક્તિનો લાભ કઈ રીતે લઈ શકાય?

સુમીબેનને સલાહ - સીનિયર સિટિઝનના કેસમાં 15-જી નહીં, 15-એચ ફોર્મ ભરવું જોઈએ. સીનિયર સિટિઝન ન હોય એવા રહિશ માટે વ્યાજની ચૂકવણી કરમૂક્તિ મર્યાદા એટલે કે રૂપિયા 2.50 લાખથી ઓછી હોય તો જ 15-જી માન્ય રાખવામાં આવે છે. 15-એચમાં સીનિયર સિટિઝન માટે ઉદાર અભિગમ અપનાવવામાં આવ્યો છે. સીનિયર સિટિઝનની ટેક્સેબલ લિમિટથી વધારે રકમનું વ્યાજ મેળવો તો પણ 15-એચ ભરી શકો છો, જો અન્ય કપાતનો લાભ લેતાં આવકવેરો ભરવાનો થતો ન હોય તો કુલ ગ્રોસ આવકમાંથી કપાતનો લાભ લીધા પછી કરપાત્ર આવક રૂપિયા 3 લાખ કે સુપર સીનિયર સિટિઝનના કેસમાં રૂપિયા 5 લાખથી વધુ થતી ન હોવી જોઈએ.

સવાલ-2 અવિનાશ મહેતા, વડોદરા મારી ઑફિસના કર્મચારીઓનું વેલ્ફેર અસોસિએશન છે. તેમના નામે બેન્કમાં એફડીથી વ્યાજની આવક છે. અસોસિએશનનું પેન કાર્ડ પણ છે. બેન્ક 15-જી સ્વીકારવા તૈયાર નથી. અસોસિએશનને કપાતનો લાભ લેવો હોય તો કઈ રીતે લઈ શકે?

અવિનાશને સલાહ - બેન્કમાં મૅનેજરને રૂબરૂ મળી 194-એ હેઠળની જોગવાઈ વિશે ચર્ચા કરો. 15-જીનું ફોર્મ ભાગીદારી પેઢી કે લિમિટેડ કંપની સિવાય કોઈ પણ રજૂ કરી શકે. વ્યક્તિ કે એચયૂએફના કેસમાં જ 15-જી સ્વીકારી શકાય એવો બેન્કનો વિચાર ખોટો છે. વ્યક્તિ, એચયૂએફ સિવાય ટ્રસ્ટ, અસોસિએશન ઑફ પર્સન્સનો પણ સમાવેશ થાય. અસોસિએશન ઑફ પર્સનના કેસમાં રૂપિયા 2.5 લાખની મર્યાદા છે.

15-જી અને 15-એચમાં પેન
અસોસિએશનના નામે પેન હોવું ખૂબ જરૂરી છે. જો અસોસિએશન પાસે પેન નંબર ન હોય તો 15-જી કે 15-એચ સ્વીકારવામાં આવશે નહીં. જ્યારે આ જોગવાઇ નહોતી ત્યારે સરકારને રિટર્ન ભરવાને પાત્ર સંસ્થાની જાણકારી લેવી ઘણી અઘરી હતી. પેન ન હોય તો 20%ના દર પર ટેક્સ કાપવામાં આવે છે.

ટીડીએસ અને કપાત
જે આવકવેરો ભરવાને પાત્ર નથી એને 15-જી/15-એચ હેઠળ લાભ મળે. ચેરિટેબલ ટ્રસ્ટ 15-G આપી ન શકે અને જો એમને લાભ લેવો હોય તો એ લોકો શું કરી શકે. સરેરાશ દર 2% થતો હોય અને કપાત 10%ની થાય ત્યારે કોઈ રસ્તો ખરો. આ પ્રકારના કિસ્સા માટે ફોર્મ-13 ભરી અધિકારીને બધી જરૂરી વિગત સાથે તમારા કેસ માટે શુન્ય કે ઓછી કપાત માટેનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી શકો છો.