ટેક્સ પ્લાનિંગઃ દિવાળી સ્પેશલ બનો શેર બજારનાં બાદશાહ

આજે આપણા દર્શકોના પ્રશ્નોના જવાબ આપવા જોડાયા છે વરિષ્ઠ ટેક્સ વિશેષજ્ઞ મુકેશ પટેલ.
ના રોજ પ્રકાશિત Fri, 06, 2015 પર 17:23  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે આપણા રોકાણકારોના પ્રશ્નોના નિવારણ કરવા અને તેમના પ્રશ્નોના જવાબ આપવા આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ ટેક્સ વિશેષજ્ઞ મુકેશ પટેલ.

હેમંત શાહ- ટેક્સ પ્લાનિંગના સંદર્ભમાં ઇક્વિટી લિન્ક સેવિંગ્સ સ્કીમમાં રોકાણ ખૂબ લોકપ્રિય બન્યું છે. આ અંગેની વિગત આપશો?

જવાબઃ ઇક્વિટી લિન્ક સેવિંગ સ્કીમ જેને આપણે ઈએલએસએસ તરીકે પણ ઓળખીએ છીએ. ઈએલએસએસમાં છેલ્લાં થોડાં વર્ષોનો સારો અનુભવ રહ્યો છે કારણ કે આ સ્કીમમાં 25 ટકા સુધીના રિટર્ન રોકાણકારોને મળ્યા છે. જો તમે કલમ 80સી હેઠળનું આયોજન કરતા હોય તો તમારા એચયુએફમાં પણ 80સી હેઠળનું આયોજન કરી શકો છો. એચયૂએફમાં પીપીએફ અને પીએફનું આયોજન કરી શકતાં નથી તેથી એચયૂએફમાં તમને ઈએલએસએસનું આયોજન કરવું ફાયદાકારક રહેશે. ઈએલએસએસમાં તમે રૂપિયા 100નું રોકાણ આયોજન કરો છો અને આપ આવકવેરાના 30%ના સ્લેબમાં આવો છો તો તમારૂં રોકાણ રૂપિયા 70નું જ થશે. અર્થાત 30%ના સ્લેબમાં આપને મળતો લાભ અને ઈએલએસએસમાં રોકાણ કર્યા બાદ મળતું વાર્ષિક રિટર્નની જો ગણતરી કરો તો આ એક પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ બની શકે છે.

જૈની ગોરધનદાસ- મૂકેશભાઇ કેપિટલ માર્કેટમાં ડિવિડન્ડ સ્ટ્રીપિંગ તેમજ બોનસ સ્ટ્રીપિંગ દ્વારા મળી શકતાં ટેક્સ બેનિફિટ ઉપર ઇન્કમટેક્સ દ્વારા કેટલાંક અંકુશ લાદવામાં આવ્યા છે તો તેના અંગેની સમજ આપશો?

જવાબઃ આવકવેરાના કાયદાની કલમ 94(7) હેઠળ એવી જોગવાઇ કરવામાં આવી છે કે ડિવિડન્ડની રેકોર્ડ ડેટના 3 મહિના પહેલાં કોઇ રોકાણ કર્યું હોય અને તેના નવ મહિનાના સમયની અંદર વેચાણ કરો તો જે કરમુક્ત ડિવિડન્ડ મેળવ્યું હોય તેટલા ડિવિડન્ડ સુધીના નુકસાનની રકમ ઇગ્નોર કરવામાં આવશે. આવકવેરા કાયદાની કલમ 94(7)માં યુનિટ્સ અને સિક્યોરિટીનો સમાવેશ કર્યો છે. જ્યારે કલમ 94(8)માં બોનસ યુનિટ્સ માટે 3 મહિના અને 9 મહિનાના સમયગાળામાં થયેલા નુકસાનનું સેટઓફ ઇગ્નોર કરવામાં આવશે.

સમીરભાઇ વોરા- તમે બોનસ સ્ટ્રીપિંગની વાત કરી તો સેક્શન 94(8)ની જોગવાઇ અનુસાર બોનસ શેર્સ ઉપર તે અમલી નથી તો હું બોનસ શેર્સમાં ટેક્સ પ્લાનિંગનો લાભ લઇ શકું?

જવાબઃ મૂડી બજારની વાત કરૂં તો બોનસની રેકોર્ડ ડેટ પહેલાં શેરની ખરીદી કરી હોય. બોનસ બાદ શેરની કિંમત અડધી થઇ જાય છે ત્યારે તમે આ શેરનું વેચાણ કરો તો તે નુકસાન તરીકે બુક કરી શકો. પરિણામે આપને મૂડી બજારમાં થયેલાં શોર્ટ ટર્મ ગેઇન સામે આ પ્રકારે શોર્ટ ટર્મ લોસને બુક કરીને કરવેરા આયોજન કરી શકો. એમાં પણ જો તમે હોશિયાર છો તો બોનસમાં મળેલા શેર્સ કે જેની કોસ્ટ ઓફ એક્વિઝિશન શૂન્ય ગણાય છે. ત્યાં 12 મહિના પસાર થવા દો અને ત્યારબાદ તમે જો તેનું વેચાણ કરો છો તો તે નફાની આવક આવકવેરા કાયદાની કલમ 10(38) હેઠળ સંપૂર્ણ કરમુક્ત ગણાશે.

શ્વેતા મહેતા- મૂકેશભાઇ કેપિટલ માર્કેટમાં ફ્યુચર એન્ડ ઓપ્શન તેમજ ડેરિવેટીવ્ઝ ટ્રેડિંગ કરવામાં આવે છે તેમાં શેર્સની ડિલેવરી થતી નથી તો આની આવકને સ્પેક્યુલેશન ઇન્કમ ગણાશે?

જવાબઃ આ મુદ્દાની પૂર્વભૂમિકા આપું તો આવકવેરા કાયદાની કલમ 43(5) હેઠળ એમ કહેવામાં આવ્યું છે કે સટ્ટાકીય વ્યવહાર અર્થાત ડિલેવરી લીધા વગરના લોસનો ફાયદો એજ પ્રકારના સટ્ટાકીય વ્યવહારના ગેઇન સામે જ સેટઓફ કરી શકાશે. પરંતુ ત્યારબાદ ફ્યુચર એન્ડ ઓપ્શન તેમજ ડેરિવેટિવ્ઝ માર્કેટને બૂસ્ટ મળે તેના માટે અપવાદ તરીકે તેને રેગ્યુલર બિઝનેસ આવક ગણવાની જોગવાઇ કરવામાં આવી છે. જે ફ્યુચર એન્ડ ઓપ્શન કરતાં હોય અને શોર્ટ ટર્મ લોસ હોય તો 30.9 ટકા ઇફેક્ટીવ બેનેફિટ સેટઓફનો લઇ શકે. આ બિઝનેસ લોસ તમારે જે નાણાંકીય વર્ષમાં થાય છે તે આપની પગાર સિવાયની અન્ય કોઇપણ આવક સાથે સેટઓફ કરી શકો છો.

સમીરભાઇ વોરા- શેર ટ્રેડિંગ તેમજ ફ્યુચર એન્ડ ઓપ્શનની ધંધાકીય આવકના સંદર્ભમાં ઇન્કમટેક્સ એક્ટની કલમ 44એબી હેઠળ ટેક્સ ઓડિટની જોગવાઇ શું છે? અને એફએન્ડઓમાં ટર્ન ઓવરની લિમિટ કેવી રીતે નક્કી થાય?

જવાબઃ જો રૂપિયા 1 કરોડથી વધુ આપનું ટર્નઓવર હોય તો આપને કલમ 44એબી હેઠળ ટેક્સ ઓડિટ કરાવવું જરૂરી છે. ડિલીવરી આધારિત ટ્રાન્ઝેક્શનમાં આપના વેચાણનું ટર્નઓવર રૂપિયા 1 કરોડથી વધુ હોય ટર્નઓવર હોય તો ટેક્સ ઓડિટ કરાવવું પડે. જ્યારે એફએન્ડઓમાં ખરીદ-વેચાણની વેલ્યુને ટર્નઓવરમાં નથી ગણવાની પરંતુ નેટ ચૂકવવાની કે મેળવવાની જે રકમ છે તેને ટર્નઓવરમાં ગણાય છે. અર્થાત જો આપની પ્રોફિટ કે લોસની જે નેટ રકમ હોય એ જો રૂપિયા 1 કરોડથી વધુ થાય છે.તો તેના ઉપર ટેક્સ ઓડિટ કરાવવું પડે

જૈની ગોરધનદાસ- મૂકેશભાઇ મેં ઘણીવાર જોયું છે કે શેરટ્રેડિંગની જે ઇન્કમ છે તેને બિઝનેસ ઇન્કમ તરીકે ડિપાર્ટમેન્ટ ગણે છે તે સંદર્ભે વિગત આપશો?

જવાબઃ એફઆઈઆઈ કે એફપીઆઈના બિલિયન ટ્રિલિયન રૂપિયાના નફાને પણ મૂડીનફો જ ગણાય છે અને તેના ઉપર તેમને મૂડીનફાનો જ કરવેરો ભરવાનો થાય છે. પરંતુ કોઇ પેન્શનરને પણ લાંબાગાળાનો મોટી રકમનો મૂડીનફો થયો હોય તો તેવા કિસ્સામાં આવકવેરા અધિકારી તેને બિઝનેસ ઇન્કમ તરીકે ગણે છે. જો કે આના સંદર્ભમાં ટ્રિબ્યુનલમાં મોટાંભાગના ચૂકાદા કરદાતાની તરફેણમાં જ આવે છે.

શ્વેતા મહેતા- શેરના કેપિટલ ગેઇનની આવક સામે રોકાણકાર કયા પ્રકારના ખર્ચની આવક બાદ માંગી શકે?

જવાબઃ સેક્શન 48 અનુસાર મૂડીનફાની ગણતરીના સંદર્ભમાં ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન ઉપરાંત ટ્રાન્સફર માટે જરૂરી એવા ખર્ચને તમે ખર્ચ તરીકે બાદ લઇ શકો છો. આમાં એસટીટી મજરે મળી શકશે નહીં બીજું બ્રોકરેજનો ખર્ચ તમે બાદ લઇ શકો છો. તાજેતરમાં પીએમએસનું આયોજન પ્રચલિત થયું છે તેમાં પણ આપને ચૂકવવાની ફીનો ખર્ચ પણ બાદ લેવા માટે અત્યારે ચુકાદો પેન્ડિંગ છે. જેમાં પૂના ટ્રિબ્યુનલ કહે છે કે ખર્ચ બાદ મળે મુંબઇ ટ્રિબ્યુનલ કહે છે કે ખર્ચ બાદ નહીં મળે એટલે આ સંદર્ભે સ્પષ્ટ ચુકાદો આવવાનો બાકી છે. પરંતુ દર્શકમિત્રો આપને પીએમએસ તરીકે વધારે રકમનો ખર્ચ બાદ લેવાનો થતો હોય તો ક્લેઇમ કરી રાખો ચુકાદો જો તરફેણમાં આવે તો તેનો બેનિફિટ તમે લઇ શકો. અન્યથા જો મોટી રકમ પીએમએસની મેનેજમેન્ટ ફી તરીકે ન ચૂકવતાં હોય તો આ વિવાદમાં પડવાની જરૂર નથી.

હેમંતભાઇ શાહ- ડિવિડન્ડ તેમજ લોંગ ટર્મ કેપિટલ ગેઇનની આવક કરમુ્ક્ત હોઇ, એના સંબંધિત ખર્ચને ઇન્કમટેક્સ ઓફિસરો સેક્શન 14એ હેઠળ બાદ નથી આપતાં તો કોઇ શેર ટ્રેડિંગનો ધંધો કરતો હોય તો તેને ડિસએલાઉન્સ કરી શકાય?

જવાબઃ જ્યાં તમે શેર ટ્રેડિંગ કરો છો તેમાં બે હાઇકોર્ટે મહત્ત્વના ચુકાદા આપ્યા છે તેમાં કહ્યું છે કે જ્યારે તમે ધંધો કરો છો ત્યારે બિઝનેસ ઇન્કમમાં ડિવિડન્ડ મળ્યું હોય તો તેને 14એ હેઠળ ડિસએલાઉન્સ ન કરી શકાય. જો તમે બજારમાં મોટાપાયે કામ કરતાં હોય તો ડ્યુઅલ પોર્ટફોલિયો રાખજો. તમારો વધુ ફાયદો છે તે કેપિટલ ગેઇન અંતર્ગત રાખજો અને થોડો ભાગ બિઝનેસ ઇન્કમ તરીકે રાખજો જેથી તમને બિઝનેસ ખર્ચ તરીકે પણ ખર્ચ બાદ મળી શકે.