ટેક્સ પ્લાનિંગઃ કરવેરા અંગે મહત્વપૂર્ણ માહિતી

ના રોજ પ્રકાશિત Mon, 18, 2016 પર 09:20  |  સ્ત્રોત : Moneycontrol.com

કરવેરા આયોજન કરવું હોય તો કેવી રીતે કરવું અને કેમ કરવું આ અંગે માહિતી મેળવીશું વરિષ્ઠ ટેક્સ વિશેષજ્ઞ મૂકેશ પટેલ પાસેથી.

વર્ષ 1974-75માં ભારત વિશ્વમાં સૌથી વધુ કર ધરાવતો દેશ હતો. 1974-75માં આવકવેરાનો મહત્તમ દર 97.5 ટકા હતો. તે સમયે સંપત્તિ વેરાનો મહત્તમ દર 5 ટકા હતો. બક્ષિસ વેરો પણ હતો તેનો 55 %નો ફ્લેટ દર હતો. આ ઉપરાંત તે સમયે વારસા વેરો પણ હતો જેનો દર 85 % હતો. આ વારસા વેરાની મહત્તમ મર્યાદા રૂપિયા 20 લાખ હતી જો કે તે સમયે રૂપિયા 20 લાખની વેલ્યુ ઘણી વધારે હતી. આ એ સમય હતો.


જ્યારે કરદાતા આવકવેરા વિભાગ માટે પ્રાર્થના કરતો કે મારી બધી આવક લઇને પરંતુ મારો વેરો પાછો આપી દે. વર્ષો વર્ષ આવકવેરા દરમાં ઘટાડો થતો આવ્યો હતો અને તેના માટેનું મહત્ત્વનું વર્ષ 1985નું રહ્યું હતું. વર્ષ 1985માં આવકવેરાનો મહત્તમ દર 50% નક્કી કરવામાં આવ્યો. અને વારસા વેરાને નાબુદ કરવામાં આવ્યો હતો.


ત્યારબાદ વર્ષ 1991માં તત્કાલીન નાણામંત્રી ડૉ. મનમોહનસિંગે આવકવેરાનો મહત્તમ દર 40% કર્યો હતો છેલ્લે વર્ષ 1997માં તત્કાલીન નાણામંત્રી પી. ચિદ્દમબરમે આવકવેરાનો મહત્તમ દર 30% કર્યો હતો. જ્યારે હવે આગામી વર્ષથી વધુ એક મહત્ત્વનો સુધારો આવકવેરા કાયદામાં આવશે તે છે સંપત્તિવેરામાં નાબુદીનો રહેશે.

તમારી આવકને વિભાજીત કરો અને તમારા કરવેરાનું ભારણ ઘટાડો. ભારતમાં ટેક્સ સ્લેબ હોવાથી કરવેરા આયોજન કરવું શક્ય રહે છે. સિંગાપોર જેવા દેશમાં ફ્લેટ કરવેરા હોય ત્યાં કરવેરા આયોજનનો અર્થ રહેતો નથી. વર્ષ 2004-05માં આપની રૂપિયા 1.5 લાખથી વધુની આવક હોય તો તેના ઉપર આપને 30.9 ટકાનો ટેક્સ ભરવાનો રહેતો હતો. જ્યારે હાલ રૂપિયા 2.5 લાખ સુધી તો કોઇ ટેક્સ રહેતો નથી. કરવેરા


આયોજનની દ્રષ્ટ્રીએ તમારી રૂપિયા 30 લાખની આવક હોય પરંતુ તેને જો રૂપિયા 10 લાખના 3 હિસ્સામાં વિભાજીત કરશો તો તેનાથી ટેક્સ સ્લેબ ઘટાડી શકો છો. પરિણામે પરિવારના સભ્ય જેમકે પત્ની, સંતાનો અને સગીર સંતાન સાથે તમારી આવક વહેંચીને તમારો આવકવેરાનો અસરકારક દર નીચે લાવી શકો છો. બીજો માર્ગ કપાતોનું આયોજન કરવાનું રહેશે. જેમ કે કલમ 80સી હેઠળ રૂપિયા 1.5 લાખનું, કલમ 80ડીમાં મેડિક્લેઇમનું અને કલમ 80ઇ હેઠળ બાળકોની ટ્યુશન ફીનું આયોજન કરી શકો છો.


કરદાતાઓમાં ટેક્સ ફ્રી બોન્ડ લોકપ્રિય છે તેનું મુખ્ય કારણ મહત્તમ ટેક્સ સ્લેબમાં આવતાં કરદાતાને મોટો ફાયદો કરાવી આપે છે. આવકવેરાના કાયદામાં રહેલી કપાતનો લાભ લઇ શકો છો. ડિવિડન્ડની આવક અને લાંબા ગાળાનો મૂડી નફાની આવક કરમુક્ત રહે છે તો તેના માટેનું આયોજન કરવું જોઇએ.

આવકવેરા કાયદાની કલમ 64માં ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇ છે. આવકવેરા કાયદા અનુસાર તમે તમારા લગ્નસાથીની કોઇ રકમ કે મિલક્ત બક્ષિસ કે અવેજ વગર આપો છો અને તેમાંથી જો કોઇ આવક ઉભી થાય છે તે વ્યક્તિની આવકમાં જ ઉમેરવામાં આવે છે. પરંતુ જો તમે તમારી પત્નીને બક્ષિસના બદલે લોન સ્વરૂપે રકમ આપો છો તો તેમાંથી ઉદ્દભવતી આવક તમારા પત્નીની આવક ગણાશે.


સગીરના કિસ્સામાં તો બક્ષિસ આપો તો તેમાંથી ઉદ્દભવતી આવક તો તમારા આવકમાં જ ઉમેરાશે. તેથી મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપી, પીપીએફ કે સુકન્યા સમ્દ્ધિ યોજનામાં વ્યાજ તો કરમુક્ત રહે છે સાથે તેમાં કરેલ રોકાણ પણ કલમ 80સી હેઠળ બાદ મેળવી શકો છો.