ટેક્સ પ્લાનિંગ: ધંધા વ્યવસાય આવક આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 02, 2016 પર 17:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદાની કલમ 2(13) અનુસાર ઉત્પાદન, વેપાર અને સેવાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રોફેશ્નલ સેવાઓ આપવામાં આવતી હોય જેમ કે ડોકટર, એન્જિનિયર અને આર્કિટેક્ટની સેવાઓ વ્યવસાયિક આવકમાં સમાવેશ કરવામાં આવે છે.

એકમની પસંદગી મહત્ત્વનું પરિબળ રહે છે. પ્રોપરાઇટરી, ભાગીદારી પેઢી, એલએલપી અને પ્રાઇવેટ કે પબ્લિક લિમિટેડ કંપનીના એકમ રહે છે. નાનો ઘંધો કે વ્યવસાય કરવો છે ત્યારે પ્રોપરાઇટરી સરળ રહે છે. વ્યક્તિગત કે એચયુએફના કિસ્સામાં મળતાં કરવેરા આયોજનના લાભ પ્રોપરાઇટરની આવકમાં લઇ શકાય છે.


જ્યારે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે મળીને ઘંધો કરવો હોય ત્યારે ભાગીદારી પેઢી બનાવવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારોને તેની મૂડી ઉપર વ્યાજ આપવાની જોગવાઇ છે. ભાગીદારી પેઢીમાં અન્ય કોઇ પ્રાથમિક કરમુક્તિનો લાભ મળતો નથી ભાગીદારી પેઢીમાં પ્રથમ આવકથી જ કરવેરા અમલી બને છે. ભાગીદારી પેઢી અને લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપના તફાવતની વાત કરીએ તો ભાગીદારોની જવાબદારી લિમિટેડ રહે છે.


જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી અંત સુધી રહે છે તેમાં જવાબદારીની કોઇ મર્યાદા રહેતી નથી. એલએલપી પહેલાં ભાગીદારો જવાબદારી મર્યાદિત રાખવા માટે પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પસંદગી કરતાં હતા. કંપનીના કેસમાં આવક ઉપર પ્રથમ કંપનીને ટેક્સ ભરવાનો રહે છે ત્યારબાદ કંપનીના ડિરેક્ટરો કે માલિકોને મળતી ડિવિડન્ડ સહિતની આવક ઉપર તેમને ટેક્સ ભરવાનો રહે છે. જ્યારે ભાગીદારી પેઢી કે એલએલપીમાં નફા ઉપર કરવેરો ભર્યા બાદ ભાગીદારોને ટેક્સ ભરવાનો રહેતો નથી.

ઘંધા વ્યવસાયની આવકમાં કઇ આવકનો સમાવેશ થાય તેની આવકવેરા કાયદાની કલમ 28 હેઠળ જોગવાઇ કરવામાં આવી છે. કલમ 29થી કલમ 37 સુધીની કલમ છે તેમાં ઘંધાકીય કપાતોની વિગતોની જોગવાઇ કરવામાં આવી છે. ઘંધા કે વ્યવસાયની આવક કમાવવા માટે જરૂરી હોય તેવા તમામ ખર્ચ જેવા કે ભાડું, સમારકામ કે ઘસારાના ખર્ચને બાદ કરીને ઘંધાના નેટ પ્રોફિટ ઉપર ટેક્સની ગણતરી કરવામાં આવે છે.

હિસાબોના સંદર્ભમાં આવકવેરા કાયદાની કલમ 44 AA હેઠળ જોગવાઇ કરવામાં આવી છે. આ કલમ અનુસાર કોઇપણ વ્યક્તિની વાર્ષિક રૂપિયા 1.20 લાખથી વધુ આવક હોય કે જેના ધંધા-વ્યવસાયની કુલ રિસિપ્ટ રૂપિયા 10 લાખથી વધુ છે તો તેને હિસાબો રાખવા ફરજિયાત છે. આવકવેરા કાયદાની કલમ 44AD હેઠળ અંદાજિત આવકની જોગવાઇ લાવવામાં આવી છે.


પ્રવર્તમાન જોગવાઇ અનુસાર 1 કરોડ રૂપિયા સુધીનો વકરો હોય અને તેના ઉપર નફો 8 ટકા કે તેથી વધુ દર્શાવવામાં આવે તો હિસાબો રાખવામાં મુક્તિ આપવામાં આવી છે. ચાલુ નાણાંકીય વર્ષથી આ જોગવાઇમાં સુધારો કરીને 1 કરોડ રૂપિયાના વકરાની મર્યાદા વધારીને 2 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ વર્ષે વ્યવસાયિક આવકના સંદર્ભમાં પણ જોગવાઇ લાવ્યા છે જે અનુસાર 50 લાખ રૂપિયાની ગ્રોસ રિસિપ્ટમાં 50 ટકા નફો દર્શાવતાં હોય તો તેમને પણ બૂક્સ ઓફ એકાઉન્ટમાંથી મુક્તિ મળશે.

આવકવેરા કાયદાની કલમ 44AB હેઠળ ફરજિયાત ટેક્સ ઓડિટ કરવાનું રહેશે. પ્રોપરાઇટરી અને ભાગીદારી પેઢીમાં નિયત મર્યાદાથી વધુનો વકરો કે નફો હોય તો ઓડિટ અને ટેક્સ ઓડિટ લાગુ પડશે. નાણાંકીય વર્ષ 2015-16 સુધીની મર્યાદા અનુસાર ઘંધાકીય આવક માટે 1 કરોડ રૂપિયા અને


વ્યવસાયિકો માટે 25 લાખ રૂપિયાથી વધુનો વકરો થાય તો ઓડિટ અને ટેક્સ ઓડિટ ફરજિયાત છે. નાણાંકીય વર્ષ 2016-17થી વ્યવસાયિકો માટે ઓડિટ અને ટેક્સ ઓડિટ માટેની મર્યાદા 25 લાખથી વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી છે. જો એક કરોડ રૂપિયાથી ઓછો વકરો હોય અને 8 ટકાથી ઓછો નફો હોય તો ટેક્સ ઓડિટ ફરજિયાત રહશે.

સવાલ: મારો પોતાનો ઘંધો છે અને હિસાબોના ચોપડા પણ લખું છું તો આ હિસાબોના ચોપડા કેટલાં વર્ષ સુધી સાચવી રાખવાના રહેશે?


જવાબ: પ્રભુદાસ સંઘવીને સલાહ છે કે આવકવેરા કાયદા અનુસાર સંબંધિત આકારણી વર્ષના અંતથી 6 વર્ષ માટેનાચોપડા સાચવી રાખવાના રહેશે. જો કે અપવાદ એ રહેશે કે જૂના કોઇ કેસ ચાલુ હોય તો તે સંદર્ભના ચોપડા સાચવી રાખવાના રહેશે.

બે સૌથી વધુ પ્રચલિત હિસાબી પદ્ધતિ છે એક છે વેપારી પદ્ધતિ અને બીજી છે રોકડ પદ્ધતિ. વેપારી પદ્ધતિમાં વેચાણ કર્યુ બિલ બનાવ્યું પરંતુ નાણાં નથી આવ્યા તેમ છતાં તેને આવક તરીકે ગણો છો અને ખર્ચમાં નાણાં ચૂકવ્યા નથી પરંતુ તેને ખર્ચ તરીકે ઉધારો છો. જ્યારે રોકડ પદ્ધતિમાં રોકડની આવક કે જાવક થયા બાદ તેની ગણતરી કરવામાં આવે છે. આવકવેરા કાયદાની વિશેષ કલમ 43B હેઠળ અમુક ખર્ચ વેપારી પદ્ધતિ હિસાબ હોય તો પણ ખરેખર ચૂકવણી ન કરી હોય તો તે બાદ મળી શકશે નહીં.

જે કોઇ માલનું ઉત્પાદન કે ખરીદી સંપૂર્ણપણે પૂર્ણ થઇ જાય તે જરૂરી છે. ક્લોઝિંગ સ્ટોક નવા વર્ષનું ઓપનિંગ સ્ટોક તરીકે ગણવામાં આવે છે. આવકવેરા કાયદાની કલમ 145Aના આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સ્ટોકનું મૂલ્યાંકન તમારી ખરીદ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય તેના આધારે ગણતરી કરવામાં આવે છે. કલમ 145A અનુસાર સ્ટોકનું મૂલ્યાંકન ખરીદી કે ઉત્પાદન સમયના ટેક્સ સહિત કરવાનું રહેશે.