બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

એસઆઇપી સારી કે એકસામટું રોકાણ સારું?

ભારતમાં એસઆઇપીનો કોન્સેપ્ટ દાખલ કર્યાને દોઢ દાયકા કરતાં વધારે સમય થઈ ગયો હોવા છતાં આપણને હજી આ પ્રશ્નો સાંભળવા મળે છે કે "એસઆઇપી કરવી સારી કે પછી એકસામટા પૈસા રોકવા સારા?" અને "ભવિષ્યમાં આમાંથી કઈ રીતે વધારે વળતર મળે?"
ના રોજ પ્રકાશિત Fri, 07, 2014 પર 12:24  |  સ્ત્રોત : Moneycontrol.com

કેટલાક સવાલોની ખાસિયત જ એવી હોય છે કે તે વારંવાર પુછાયા કરતા હોય. ફ્રેન્કલિન ટેમ્પલ્ટને ભારતમાં એસઆઇપીનો કોન્સેપ્ટ દાખલ કર્યાને દોઢ દાયકા કરતાં વધારે સમય થઈ ગયો હોવા છતાં આપણને હજી આ પ્રશ્નો સાંભળવા મળે છે કે "એસઆઇપી કરવી સારી કે પછી એકસામટા પૈસા રોકવા સારા?" અને "ભવિષ્યમાં આમાંથી કઈ રીતે વધારે વળતર મળે?"

હવે મારો સવાલ એ છે કે શું એસઆઇપી અને એકસામટા રોકાણની તુલના કરી શકાય ખરી? તમે આવી સરખામણી કરતા એક કરતાં વધારે લેખ વાંચ્યા હોવાની શક્યતા છે. કોઈકે એસઆઇપીના વખાણ કર્યાં હોય તો કોઈએ એકસામટા રોકાણની સલાહને યોગ્ય માની હોય એવું પણ શક્ય છે.

ચાલો, આપણે એક ડગલું આગળ જઈને વાત કરીએ કે આ તુલના કરવાનું શું યોગ્ય કહેવાય?
સૌથી પહેલો મુદ્દો તો એ છે કે બન્ને પ્રકારમાં પૈસા જમા કરવાની રીત અલગ અલગ છે. એકમાં થોડા થોડા કરીને પૈસાનું રોકાણ થાય છે અને બીજીમાં એક સાથે પૈસા રોકી દેવાય છે. જેની પાસે આજની તારીખે મોટી રકમ હાથમાં હોય તે એકસામટું રોકાણ કરે અને જેને ભવિષ્યમાં પોતાની થોડી થોડી બચતનું રોકાણ કરવું હોય તે માણસ એસઆઇપી કરે. બસ, આટલી સીધી વાત છે. જેની પાસે આજની તારીખે મોટી રકમ ન હોય એ માણસ એકસામટું રોકાણ કરે ખરો? આ જ રીતે જેની ભાવિ આવક અને બચતનાં ઠેકાણાં ન હોય તે માણસ એસઆઇપી ન કરી શકે.

બન્નેની તુલના કરવાનું અયોગ્ય છે એમ કહેવા માટે બીજું પણ એક કારણ છે. બન્નેમાં અલગ અલગ તબક્કે રોકાણ કરવામાં આવે છે. આ બાબતને વિસ્તારપૂર્વક સમજીએઃ

= શ્રી નવીનભાઈએ વાર્ષિક 8 ટકા વ્યાજે પાંચ વર્ષ માટે રૂ।. 5 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ રાખી છે. પાંચ વર્ષના અંતે તેમને રૂ।. 7.35 લાખ મળે છે.

= શ્રી પુરુષોત્તમભાઈને 9 ટકાનું વાર્ષિક વ્યાજ આપતી રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવાની તક મળી ગઈ. તેમણે પાંચ વર્ષ માટે દર વર્ષે 1 લાખ રૂપિયા રિકરિંગ ડિપોઝિટમાં જમા થાય એવી વ્યવસ્થા કરી. તેમને ઊંચો વ્યાજદર મળ્યો, પરંતુ પાંચ વર્ષે તેમને ફક્ત રૂ।. 5.98 લાખ મળ્યા.

વ્યાજની ટકાવારીની દૃષ્ટિએ શ્રી પુરુષોત્તમભાઈને વધુ વ્યાજ મળ્યું, પરંતુ વધુ પૈસા શ્રી નવીનભાઈને મળ્યા.

આમ થવાનું કારણ એ હતું કે નવીનભાઈએ સંપૂર્ણ રકમ પાંચ વર્ષ માટે રોકી હતી, જ્યારે પુરુષોત્તમભાઈએ ટુકડે ટુકડે પૈસા જમા કરાવ્યા હતા.

આમ, આ સરખામણીનો કોઈ અર્થ નથી. તેની ચર્ચા કરવામાં સમય બગાડાય નહીં. માણસ પાસે પૈસાની જેવી સગવડ હોય તેવી રીતે તે રોકાણ કરે. આમ છતાં આ ચર્ચા ચાલ્યે જ રાખે છે. વ્યાજદર વધારે હોય તો રોકાણ વધારે સારું એવી સામાન્ય છાપ પણ લોકોમાં પ્રવર્તે છે.

હવે તમે માધ્યમિક શાળામાં શીખેલું એક સૂત્ર યાદ કરો. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવામાં આવતી. આ સૂત્ર છેઃ

FV = PV * (1 + r) ^ n
અહીં -
FV = જમા થયેલી રકમ
PV = રોકાણની રકમ
r = વ્યાજદર
n = ચક્રવૃદ્ધિનો ગાળો (આ ગાળો વર્ષ, મહિનો કે કોઈપણ સમયખંડ હોઈ શકે છે)

તમે રોકાણ જેટલા વધારે સમય માટે રાખો તેટલી જ વધારે રકમ જમા થાય, કારણકે ચક્રવૃદ્ધિની ક્ષમતા સમયની સાથે વધતી જાય છે.

નવીનભાઈ અને પુરુષોત્તમભાઈના ઉદાહરણમાં નવીનભાઈની ફિક્સ્ડ ડિપોઝિટનું આખેઆખું રોકાણ પાંચ વર્ષ માટે રોકાયેલું હતું, જ્યારે પુરુષોત્તમભાઈની રિકરિંગ ડિપોઝિટમાં ફક્ત પ્રથમ હપ્તો પૂર્ણ પાંચ વર્ષ માટે જમા હતો. ત્યાર બાદના દરેક હપ્તા સાથે પાંચ વર્ષમાંથી એક-એક મહિનો ઓછો થતો ગયો હતો.

આથી જ કોઈપણ રોકાણ કરતી વખતે રોકાણની રકમ, રોકાણનો સમયગાળો અને તેનો વ્યાજદર એ તમામ ઘટકોને ધ્યાનમાં લેવાના હોય છે. વાર્ષિક એક ટકાનું વધુ વ્યાજ મેળવવા માટે બિનજરૂરી જોખમ લેવું તેના કરતાં રોકાણ થોડા વધારે વખત માટે રાખી મૂકવું વધારે સારું કહેવાય.
સૌ રોકાણકારોને મારી શુભેચ્છા.

લેખકઃ અમિત ત્રિવેદી
અમિત ત્રિવેદી કર્મયોગ નોલેજ એકેડેમીના સ્થાપક છે. તેમણે અહીં પોતાનાં અંગત મંતવ્યો રજૂ કર્યાં છે. સંપર્ક માટેનો ઈ-મેઇલઃ amit@karmayog-knowledge.com