બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

કોઈ છેતરી ન જાય એટલી સાવચેતી જરૂર રાખવી

ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકનનું સુપ્રસિદ્ધ વાક્ય છેઃ "તમે અમુક લોકોને હંમેશાં છેતરી શકો અને બધા લોકોને અમુક વખત છેતરી શકો, પરંતુ બધા જ લોકોને હંમેશાં છેતરી બનાવી શકો નહીં."
ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 10:18  |  સ્ત્રોત : Moneycontrol.com

ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકનનું સુપ્રસિદ્ધ વાક્ય છેઃ "તમે અમુક લોકોને હંમેશાં છેતરી શકો અને બધા લોકોને અમુક વખત છેતરી શકો, પરંતુ બધા જ લોકોને હંમેશાં છેતરી બનાવી શકો નહીં." તેમના આ વાક્યનો ભાવાર્થ એવો પણ થાય કે મોટાભાગના લોકોને લાંબા સમય સુધી છેતરવાનું શક્ય છે! કરોડો લોકોને છેતરવાનું કામ ઘણા લોકોએ કર્યું છે અને તે સદીઓથી ચાલતું આવ્યું છે.

આપણે જે નવું વાક્ય બનાવ્યું છે તે બનાવવા માટેનાં નવાં ઉદાહરણ પણ આપણી નજરની સામે છે. ટીક પ્લાન્ટેશન, ઈમુ ફાર્મિંગ, લિમોઝિન સ્કીમ, મલ્ટી લેવલ માર્કેટિંગ, વગેરે વગેરે. આ બધી યોજનાઓમાં નીચે જણાવ્યા પ્રમાણેનાં સમાન લક્ષણો જોવા મળ્યાં છે:

•    તેઓ મનુષ્યની લાલચનો ઉપયોગ કરીને એવા વળતરનાં વચન આપે છે જે સામાન્ય સંજોગોમાં ક્યાંયથી મળે નહીં.
•    "અમારી સ્કીમ ફક્ત તમારા માટે જ છે" એવું કહીને મનુષ્યના અહમને સંતોષવાનું કામ તેઓ કરતા હોય છે.
•    કોઈ નિયમનકારી સત્તા હેઠળ આવે નહીં એ રીતનું તેમનું કામકાજ હોય છે. આ રીતે તેઓ કાયદાની છટકબારીનો ઉપયોગ કરતા હોય છે.

આપણે ઉપરના ત્રીજા મુદ્દા વિશે વિસ્તારથી વાત કરીએ. ભારતમાં નાણાકીય સેવાઓનું નિયમન કરવા માટે પાંચ નિયમનકારો છે.

ભારતીય રિઝર્વ બૅન્કઃ સરકારી અને ખાનગી ક્ષેત્રની બૅન્કોનાં ખાતાંમાં રખાયેલી તમારી ડિપોઝિટ તથા નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી)માં રખાયેલી ફિક્સ્ડ ડિપોઝિટને લગતી બાબતોનું નિયમન આ કેન્દ્રીય બૅન્ક કરે છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી): સિક્યોરિટીઝ માર્કેટને લગતી બાબતોનું નિયમન કરે છે. સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટેડ થયેલા સ્ટોક અને તેમનાં ડેરિવેટિવ્ઝ સાધનો તથા અન્ય પ્રોડક્ટોનું નિયમન સેબી કરે છે. તેમાં ઈક્વિટી શેર, બોન્ડ અને ડિબેન્ચર, વોરંટ, ઇન્ડેક્ષ ઓપ્શન્સ, ઇન્ડેક્ષ ફ્યુચર્સ, સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ, વગેરેનો સમાવેશ થાય છે. અત્રે નોંધવું ઘટે કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ જેવી ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટોનો ઉપયોગ રોકાણ સિવાયનાં ઉદ્દેશ્યો માટે કરવામાં આવે છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓ, પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસીસ અને રેટિંગ એજન્સીઓનું નિયમન પણ સેબી કરે છે.

ઇન્સ્યોરન્સ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (આઇઆરડીએ): વીમા ઉદ્યોગને લગતી બાબતોનું નિયમન કરવા માટે આઇઆરડીએની સ્થાપના કરવામાં આવી છે. આપણો આજનો વિષય રોકાણનો હોવાથી આપણી ચર્ચાને વીમા ક્ષેત્રે રોકાણ માટેની પ્રોડક્ટો સુધી જ સીમિત રાખશું. આ પ્રોડક્ટમાં યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન, પરંપરાગત પ્લાન જેમાં વીમાધારકને મુદત પૂરી થયે રકમ મળે અથવા વીમાધારકનું અવસાન થયે તેમના વારસદારોને રકમ મળે તથા પેન્શન પ્લાન અને એન્યુઇટી પ્લાનનો સમાવેશ થાય છે.   

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (પીએફઆરડીએ): ન્યૂ પેન્શન સિસ્ટમને લગતી બાબતોનું નિયમન કરે છે.

કંપનીસંબંધી બાબતોનું મંત્રાલયઃ એનબીએફસી સિવાયની કંપનીઓમાં રખાયેલી ફિક્સ્ડ ડિપોઝિટને લગતી બાબતોનું નિયમન કરે છે.

દેશમાં આટલી બધી નિયમનકારી સંસ્થાઓ છે, છતાં નાણાકીય પ્રોડક્ટના વિતરકો અને નાણાકીય ક્ષેત્રના સલાહકારોને આવરી લેનારી નિયમનકારી સંસ્થાની સ્થાપના થઈ નથી. તેનો અર્થ એવો થયો કે બૅન્કમાં રખાયેલી તમારી ડિપોઝિટનું રક્ષણ કરવા માટેનાં પૂરતાં નિયમો છે, પરંતુ બૅન્ક કોઈ રોકાણની કે વીમાની પ્રોડક્ટ તમને વેચે તો આ નિયમો તેમાં લાગુ પડતા નથી. જો કે, હવે સારા સમાચાર આવ્યા છે કે નિયમનકારો આવાં નિયમનો બાબતે પુનઃ વિચાર કરી રહ્યા છે અને ટૂંક સમયમાં રોકાણકારોનું રક્ષણ થાય એવું નિયમનનું નવું માળખું રચવામાં આવશે.

રોકાણ કરવા માટે મોટાભાગના લોકો રોકાણની પ્રોડક્ટના વિતરક કે સલાહકાર પર આધાર રાખે છે. તેમના નિયમનનો અભાવ હોવાથી રોકાણકારોએ પોતે જ સાવધાન રહેવું પડે એવી સ્થિતિ છે. બધા જ આર્થિક સલાહકારો લોકોને છેતરવા બેઠા છે એવું કહેવાનો આશય નથી, આપણે તો એટલું જ જાણવાનું કે નિયમનના અભાવે રોકાણકારોએ સહન કરવાનું આવે છે. સામાન્ય રીતે તમને જેની જરૂર ન હોય એવી પ્રોડક્ટ તમને વેચવામાં આવે એ સ્થિતિ અયોગ્ય કહેવાય. આવા પ્રકારનું અયોગ્ય વેચાણ બંધ થાય એવા સંજોગો નિર્માણ થવા જોઈએ.

આથી જ રોકાણકારોએ પોતાની મહેનતની કમાણીનું રોકાણ કરતાં પહેલાં તમામ નિયમોની જાણકારી મેળવી લેવી જોઈએ. નિયમનકારી સંસ્થા હોય તો તે નુકસાન થતું  અટકાવી શકે છે, જ્યારે નિયમન વગરની સ્થિતિમાં નુકસાન થતું અટકાવવાનું અને નુકસાન થયા બાદ તે ભરપાઈ કરાવવાનું ઘણું મુશ્કેલ હોય છે. લોકોને છેતરનારી યોજનાઓ ઘડનારાઓ કોઈને જવાબદાર હોતા નથી. તેઓ મનફાવે તેમ વર્તી શકે છે અને તેમનાં કૃત્યોને કારણે રોકાણકારોને નુકસાન થઈ શકે છે.

નિયમનકારો રોકાણના ક્ષેત્રના સહભાગીઓની તથા તેમની પ્રોડક્ટની નોંધણી કરાવતા હોય છે. આથી તેમના નોંધણી ક્રમાંકના આધારે રોકાણકાર બધી વિગતો પ્રાપ્ત કરી શકે છે. નોંધાયેલા લોકોની જાણકારી નિયમનકારની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ હોય છે.

નિયમન થતું ન હોય એવા કામકાજમાં લોકો છેતરાયા બાદ પોલીસમાં કે અદાલતમાં ફરિયાદ કરી શકે છે, પરંતુ આ સ્થિતિમાં નુકસાન પહેલાં જ થઈ ચૂક્યું હોય છે. આપણા કાયદાતંત્રમાં આગોતરા જામીનની જોગવાઈ છે, પણ આગોતરી ફરિયાદની જોગવાઈ નથી!

ટૂંકમાં, દરેક રોકાણકારે રોકાણ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. રોકાણ પર વળતર મળે એ મહત્ત્વનું છે, પણ સાથે સાથે એ પણ એટલું જ અગત્યનું છે કે રોકાણ પાછું મળે. કોઈ તમને છેતરી ન જાય એટલી સાવચેતી તો હોવી જ જોઈએ.

નોંધઃ કોમોડિટી બજારોનું નિયમન ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી) કરે છે, પરંતુ નિયમનકારોની ઉક્ત યાદીમાં તેનું નામ લખવામાં આવ્યું નથી, કારણ કે કોમોડિટી નાણાકીય સાધન નહીં, ભૌતિક વસ્તુ છે. અમુક ધાતુઓને બાદ કરતાં મોટાભાગની કોમોડિટીમાં ફક્ત ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ ઉપલબ્ધ હોય છે અને તેનો હેતુ રોકાણનો નહીં, જોખમ વ્યવસ્થાપન, સટ્ટો અને ટ્રેડિંગનો હોય છે.

લેખકઃ અમિત ત્રિવેદી
અમિત ત્રિવેદી કર્મયોગ નોલેજ એકેડેમીના સ્થાપક છે. તેમણે અહીં પોતાનાં અંગત મંતવ્યો રજૂ કર્યાં છે. સંપર્ક માટેનો ઈ-મેઇલઃ amit@karmayog-knowledge.com