બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

રોકાણનાં લક્ષ્યો પ્રાપ્ત કરવાના માર્ગ પર અડગ કેવી રીતે રહેવું?

લક્ષ્યોના માર્ગ પર અવિચલિત રહેવા માટે શું કરવું જોઈએ એ પ્રશ્ન અગત્યનો છે. આ વિષય પર આજે પ્રકાશ પાડું છું.
ના રોજ પ્રકાશિત Thu, 04, 2014 પર 16:13  |  સ્ત્રોત : Moneycontrol.com

દરેક વ્યક્તિએ રોકાણનાં લક્ષ્યો નિશ્ચિત કરવાં આવશ્યક હોય છે. તેના અભાવે માણસની આર્થિક સ્થિતિ ડામાડોળ થવાનો ભય રહે છે. લક્ષ્યો નક્કી થયા બાદ તેમની પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે અને પછી તે પ્રમાણે તેમનો અમલ કરવાનો હોય છે. આટલી વાત ઘણાને ખબર પણ હોય છે, પરંતુ જ્યારે અમલની વાત આવે ત્યારે ઘણાને કેટલીક તકલીફો નડતી હોય છે. લક્ષ્યોના માર્ગ પર અવિચલિત રહેવા માટે શું કરવું જોઈએ એ પ્રશ્ન અગત્યનો છે. આ વિષય પર આજે પ્રકાશ પાડું છું.

સૌથી પહેલાં એ કહી દેવું ઘટે કે લક્ષ્યો ભવિષ્યના કોઈ સમયગાળા માટેનાં હોય છે. આપણે શું હાંસલ કરવા ઈચ્છીએ છીએ એ નિશ્ચિત હોવા છતાં ભવિષ્ય અનિશ્ચિત હોય છે અને આ જ કારણે આપણી ધારણા મુજબ આગળ વધવાનું શક્ય બને નહીં એવી શક્યતા હોય છે. એકાદ અણધારી ઘટના બને તો આપણાં સમીકરણો બદલાવાની કે ગણતરીઓ ઊંધી પડવાની શક્યતા ઊભી થાય છે.

અહીં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરી લેવી જરૂરી છેઃ


A = P * (1 + r/100) ^ n
અહીં -
A = મુદત પૂરી થયે જમા રકમ
P = રોકવામાં આવેલી મુદ્દલ
r = વ્યાજદર
n = ચક્રવૃદ્ધિની મુદત

આપણને મુદતના અંતે જમા થયેલી રકમ વધુમાં વધુ હોય એ વાતમાં જ મુખ્ય રસ હોય છે. તે રકમને વધારવા માટે મુદ્દલ, વ્યાજદર અથવા તો મુદત એ ત્રણમાંથી કોઈ એકમાં વધારો થવો આવશ્યક હોય છે. વ્યાજદર આપણા હાથની વાત નહીં હોવાથી આપણી પાસે મુદ્દલ અને મુદત એ બે વસ્તુઓ જ બાકી રહે છે.

મુદતની વાત કરીએ તો આપણે લક્ષ્યોને ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનાં એમ બે ભાગમાં વિભાજિત કરવાં જોઈએ.


દશ વર્ષ પછી દીકરા/દીકરીના શિક્ષણ માટે/લગ્ન માટે 20 લાખ રૂપિયા જોઈશે, 25 વર્ષ પછી નિવૃત્તિ વખતે 2 કરોડ રૂપિયાનું ભંડોળ જોઈશે એવાં લક્ષ્યો લાંબા ગાળાનાં હોય છે, જ્યારે ટૂંકા ગાળામાં પૈસા એકઠા કરવા, તેનું રોકાણ કરવું અને નાણાકીય સ્થિતિની નિયમિત રીતે સમીક્ષા કરવી, જેવાં કાર્યો કરવાનાં હોય છે.    

રોકાણના આયોજનને સફળ બનાવવું હોય તો આ કાર્યોને મહત્ત્વપૂર્ણ ગણવાની જરૂર હોય છે. એ મહત્ત્વ સ્વીકારી લીધા બાદ બે અન્ય બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. લાંબા ગાળાનાં લક્ષ્યો એ પરિણામ છે અને તે પ્રાપ્ત કરવા માટેનાં કાર્યો એટલે ટૂંકા ગાળાનાં લક્ષ્યો. આપણે અમુક બાબતોને નિયંત્રણમાં રાખી શકીએ છીએ અને અમુકને રાખી શકતા નથી.

નિયંત્રણમાં હેઠળની બાબતોઃ

જે કાર્યો કરવા માટે આપણે સંમત થયા હોઈએ તે કાર્યો એટલે નિયંત્રણ હેઠળની બાબતો.

•    લક્ષ્યો નક્કી કરવાં અને પ્રાથમિકતા નક્કી કરવી
•    લક્ષ્યો હાંસલ કરવા માટેનું આયોજન કરવું
•    નિશ્ચિત આયોજન મુજબ નિયમિતપણે રોકાણ કરવું
•    ગભરાવું નહીં. સલાહકારની મદદ લેવી. જરૂર વર્તાય તો એક કરતાં વધારે અભિપ્રાય લઈ લેવા

•    અનિવાર્ય કારણ વગર રોકાણ પાછું લઈ લેવું નહીં. રોકાણ પાછું ખેંચ્યું હોય તો તેની પાછળનાં કારણોની નોંધ કરવી અને તેનાથી મૂળ આયોજનમાં ફરક પડે છે કે કેમ તેની પણ નોંધ કરવી.

નિયંત્રણ બહારની બાબતોઃ અણધાર્યાં જોખમોની પોર્ટફોલિયો પર થતી અસર

તમારી અંગત નાણાકીય સ્થિતિ સામેનાં જોખમોને સમજી લેવાં.

•    તમે વધુમાં વધુ કેટલું જોખમ ઊઠાવી શકો છો તેની મર્યાદા નક્કી કરવી
•    લાંબા ગાળાનાં લક્ષ્યો માટેનું આયોજન હોય તો વોલેટિલિટી (ચંચળતા)ના જોખમને પણ ધ્યાનમાં લેવી
•    લાંબા ગાળાનું આયોજન કરતી વખતે ફુગાવાના જોખમને દૂર રાખવા માટેની જોગવાઈ કરવી

તમે લક્ષ્યોની નજીક પહોંચી જાઓ ત્યારે


•    વોલેટિલિટીનું જોખમ શક્ય તેટલું ઓછું થાય એવી વ્યવસ્થા કરવી. વોલેટિલિટી લાગુ પડતી હોય એ પ્રકારનાં રોકાણોને પાછાં ખેંચી લેવાં
•    ઓછી પ્રવાહિતા હોય એવાં, દા.ત. રિયલ એસ્ટેટ રોકાણોને પાછાં ખેંચી લેવાં.
ઉક્ત બાબતોનું પાલન કરવામાં આવે તો તમે વિચલિત થાઓ એવી શક્યતા ઘટીને પોતાનાં લક્ષ્યો સુધી પહોંચવાની શક્યતા વધી જાય છે.
 
લેખકઃ અમિત ત્રિવેદી
અમિત ત્રિવેદી કર્મયોગ નોલેજ એકેડેમીના સ્થાપક છે. તેમણે અહીં પોતાનાં અંગત મંતવ્યો રજૂ કર્યાં છે. સંપર્ક માટેનો ઈ-મેઇલઃ amit@karmayog-knowledge.com