Budget 2023- આ વખતે સરકાર બજેટમાં નવા પ્રકારની ટ્રેનને લઈને મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હાઈડ્રોજન ટ્રેનની જાહેરાત થઈ શકે છે અને પહેલી ટ્રેન પણ આ વર્ષના અંત સુધીમાં દોડાવવામાં આવી શકે છે. હાઇડ્રોજન પર ચાલતી આ ટ્રેન પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણ મુક્ત હશે. આ સમાચાર પર વધુ વિગતો આપતા, CNBC-આવાઝના દીપાલી નંદાએ જણાવ્યું કે, રેલવે બોર્ડે પહેલાથી જ અલગ-અલગ ઝોનલ રેલવેને લગભગ 20 ટ્રેનો બનાવવાની સૂચના આપી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેનોનું નિર્માણ "મેક ઇન ઇન્ડિયા યોજના" હેઠળ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું છે કે ટ્રેન બનાવનાર કંપનીને પણ મેક ઇન ઇન્ડિયા સ્કીમ હેઠળ છૂટ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટ્રેનની સ્પીડ 140kmph સુધીની હોઈ શકે છે. દીપાલી નંદાએ વધુમાં જણાવ્યું કે, મળતી માહિતી મુજબ ઝોનલ રેલવેને લગભગ 20 હાઈડ્રોજન ટ્રેનો આપવામાં આવી છે.
સૂત્રોનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં હાઈડ્રોજન ટ્રેન દોડાવવામાં આવે તેવી શક્યતા છે. એટલે કે આ વર્ષે ડિસેમ્બર 2023માં દેશમાં પહેલી હાઈડ્રોજન આધારિત ટ્રેન દોડી શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે, પ્રથમ હાઇડ્રોજન ટ્રેન સોનીપતથી જિંદ વચ્ચે દોડાવવામાં આવી શકે છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, અમે ડિસેમ્બર 2023થી હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન ટ્રેન શરૂ કરીશું. એનો અર્થ એ થશે કે, આ હેરિટેજ રૂટ સંપૂર્ણ રીતે ગ્રીન થઈ જશે. તેમણે કહ્યું હતું કે, ચીન અને જર્મનીમાં ચાલતી હાઈડ્રોજન ટ્રેનની તર્જ પર ભારતીય રેલવે હેરિટેજ રૂટ પર હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે.