બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

મેટલ્સમાં આજે ઉપલા સ્તરેથી નફાવસૂલી જોવા મળી રહી છે.
ના રોજ પ્રકાશિત Tue, 28, 2021 પર 11:52  |  સ્ત્રોત : CNBC-Bajar

4 ઓક્ટોબરે OPECની બેઠક પહેલા ક્રૂડમાં ભડાકો જોવા મળી રહ્યો છે. આજે ક્રૂડના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 80 ડોલરને પાર પહોંચતા જોવા મળ્યા છે. વૈશ્વિક માગમાં વધારો થયો છે. ઓગષ્ટમાં ભારતની ક્રૂડની આયાત પણ 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચતી જોવા મળી હતી. હાલ નિષ્ણાતો દ્વારા પણ માગમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નેચરલ ગેસના ભાવ પણ 7 વર્ષના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યા છે.. યુરોપમાં અને અમેરિકામાં શિયાળો હવે શરૂ થવાની તૈયારીમાં છે અને હાલ સપ્લાયની અછત જોવા મળી રહી છે. યુરોપમાં ફર્ટિલાઈઝર ઉત્પાદકોએ પોતાનું ઉત્પાદન ઘટાડવાનો વિચાર કર્યો છે. ચીનમાં પણ આયાત બમણી થઈ છે.

મેટલ્સમાં આજે ઉપલા સ્તરેથી નફાવસૂલી જોવા મળી રહી છે. એલ્યુમિનિયમમાં 13 વર્ષના ઉપલા સ્તરેથી ઘટાડો જોવા મળ્યો છે. ચીન દ્વારા નવમી ઓક્ટોબરના રોજ રિઝર્વ સ્ટોક છૂટો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે ભાવમાં ઘટાડો આવ્યો છે. સાથે જ ચીન દ્વારા પાવરને અંકુશમાં રાખવાના નવા પગલા પણ લેવામાં આવ્યા છે.

સોનામાં આજે ફ્લેટ કારોબાર છે. USમાં બોન્ડ યીલ્ડમાં વધારો જોવા મળ્યો છે જેના કારણે સોનામાં દબાણ આવ્યું છે પરંતુ ચીનમાં Evergrandeની અનિશ્ચિતતાને પગલે ટેકો મળી રહ્યો છે.

ચાંદીમાં પણ આજે ઘટાડો આવ્યો છે. સ્થાનિક બજારમાં ચાંદી 60500ની ઉપર કારોબાર કરી રહી છે.

ગુજરાત વિધાનસભાના ગઈકાલથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં સરકારે મગફળી ખરીદીની જાહેરાત કરી છે. ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે સરકાર લાંભ પાંચમથી એટલે કે 9મી નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ કરશે. આ માટે 1લી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકે છે.


જો કે સરકારે એવી પણ જાહેરાત કરી છે આ દરમિયાન માવઠું આવશે તો તારીખોમાં ફરી ફેરફાર કરવામાં આવશે. આ ખરીદી 1110ના ટેકાના ભાવે સરકાર ખરીદશે. ગુજરાત સરકારે 2019-20માં 5 લાખ 546 ટન મગફળી ખરીદી હતી અને 2020-21માં  2 લાખ 2 હજાર 591 ટન મગફળી ખરીદી હતી. જોકે આ વખતે સરકારે ખરીદીનું શું લક્ષ્યાંક રાખ્યો છે તે જણાવ્યું નથી.


પરંતુ હાલ મગફળીનો પાક તૈયાર થઈ ગયો હોવાથી ખરીદી મોડી કરવામાં આવી રહી હોવાની ચિંતા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ હાલ ભાવ નીચા હોવાથી ખેડૂતોમાં એવી માગણી છે કે ટેકાના ભાવથી ખરીદી જલ્દી કરવામાં આવે.

હવે વાત કરીએ એગ્રી કૉમોડિટીઝની તો આજે મસાલા પેક સિવાયના તમામ એગ્રી કોમોડિટીમાં આજે ઘટાડો છે. હળદરમાં માગમાં વધારો આવવાને પગલે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 2 ટકાના ઉછાળા બાદ આજે ફરી તેજી છે.


સાથે જ ધાણા અને જીરામાં પણ માગ વધવાથી અને વરસાદને કારણે અમુક પાક ખરાબ થયો હોવાથી તેજી યથાવત્ છે. ગઈકાલે ફરી સોયાબિનમાં આવેલી તેજી બાદ આજે ઘટાડો જોવા મળ્યો છે. ગુવાર ગમ અને સીડમાં પણ ગઈકાલના ઉછાળા બાદ આજે નફાવસૂલી આવી છે. સાથે જ એરંડામાં પણ ગઈકાલના ઉછાળો આજે ધોવાઈ ગયો છે. ખાદ્યતેલોમાં દબાણ છે.