બજાર » સમાચાર » કંપની સમાચાર

હલચલ વાળા શેર, જાણો શું હતું કારણ

ના રોજ પ્રકાશિત Tue, 20, 2017 પર 16:44  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇપ્કા લૅબ્સ
ઇપ્કા લૅબ્સમાં છેલ્લા અમુક દિવસથી ઘટાડો જોવા મળ્યો છે. કંપનીની દવાના નિકાસ પર પ્રતિબંધની ખબરો બાદ આ ઘટાડો જોવા મળ્યો હતો. ઇપ્કા લૅબ્સ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે યૂએસએફડીએ દ્વારા છેલ્લા અમુક સમયમાં કોઈ પણ પ્લાન્ટની તપાસ કરવામાં નથી આવી. રતલામ, ઇન્દોર અને પિપારિયા યુનિટ પર કોઈ તપાસ નથી થઈ. યૂએસએફડીએ દ્વારા અમુક દવા પર છૂટને હટાવવાની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકામાં અમુક દવાની અછત હોવાને કારણે યૂએસએફડીએ દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો છે.


ફોર્ટિસ હેલ્થકેર
ફોર્ટિસ હેલ્થકેર આજે સમાચારમાં હતા. એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ્સ ચેન આઈએચએચ હેલ્થકેર ફોર્ટિસમાંથી સિંહ ભાઈઓ પાસેથી 26 ટકા હિસ્સો ખરીદી શકે છે. ઑપન ઑફર આ ડીલ માટે ટ્રિગર થશે અને 19,000 કરોડ રૂપિયાની સાઇઝ હોય એમ માનવામાં આવે છે. સાથે જ ફોર્ટિસ હેલ્થકેરને દાઇચી સાંક્યોના કેસમાં દિલ્હી હાઇકોર્ટ તરફથી રાહત મળી છે. એફઆઈઆઈ રોકાણમર્યાદા વધારવાના કેસમાં થયેલા મતદાનનો વિરોધ કરતો કેસ દાઇચી દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે દિલ્હી હાઇકોર્ટે આ પ્રક્રિયા મંજૂર કરી છે અને એ કારણે આઈએચએચ હેલ્થકેર હિસ્સો વધારી શકશે.


ઑરોબિન્દો ફાર્મા
ઑરોબિન્દો ફાર્મા આજે ફોકસમાં રહ્યો હતો. એસ્ટ્રોજન ટેબ્લેટ્સ ઑરોવેલા જેનરિક માટે યૂએસએફડીએ તરફથી કંપનીને મંજૂરી મળી છે. વિશાખાપટ્ટનમ પ્લાન્ટના યુનિટ-3 કે યુનિટ-7 તરફથી આ મંજૂરી મળી હોવાની સંભાવના છે. આ ઉપરાંત કંપની રેનેવા જેનરિક માટે પણ મંજૂરી બાદ 16 જુલાઈ સુધીમાં ટેબ્લેટ્સ લૉન્ચ કરે એવી સંભાવના છે.


ટાટા મોટર્સ
ટાટા મોટર્સ અને ટાટા મોટર્સ ડીવીઆરમાં આજે જબરજસ્ત તેજી જોવા મળી હતી. કંપનીને લગતા બે સમાચાર હતા. કંપનીને લગતા ગઈ કાલે સમાચાર આવ્યા હતા કે ટાટા ગ્રુપ ગ્લોબલ લક્ઝરી કાર ઉત્પાદક કંપની જેગુઆર-લેન્ડરોવરનો આઈપીઓ લાવી શકે એમ છે. જોકે કંપનીએ ત્યાર પછી આ ખબરને નકાર્યા છે. ટાટા ગ્રુપે 2008માં જેએલઆરને 2.4 બિલ્યન ડૉલર્સમાં ખરીદી છે. ન્યુયોર્ક અથવા લંડનમાં લિસ્ટિંગની યોજના હતી એમ જણાવવામાં આવ્યું હતું. જ્યારે બીજા સમાચાર એ હતા કે ટાટા ગ્રુપ અને અમેરિકન એરોસ્પેસ દિગ્ગજ લૉકહીડ માર્ટિન વચ્ચે ડીલ થઈ છે. આ ડીલ મુજબ લૉકહીડ માર્ટિનના ફાઇટર જેટ એફ-16નું ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે.


સ્પાઇસજેટ
સ્પાઇસજેટમાં આજે તેજી હતી. કંપનીએ પેરિસમાં ચાલી રહેલા પેરિસ એર-શોમાં બોઇંગ સાથે 737 મૅક્સ એરક્રાફ્ટ્સ ખરીદવા માટે કરાર કર્યો છે. 40 એરક્રાફ્ટ્સ તેઓ 4.7 બિલ્યન ડૉલર્સમાં ખરીદશે. 2018ના પહેલા તબક્કામાં કંપનીને પહેલા એરક્રાફ્ટની ડિલીવરી થશે એમ સ્પાઇસજેટ માને છે.


અશોકા બિલ્ડકોન
અશોકા બિલ્ડકોનમાં એસબીઆઈ મૅક્વાયરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ 39 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લઈ શકે છે. પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓને આ હિસ્સો વેચી શકાય છે. કેનેડિયન પેન્શન ફંડ સાથે આ ડીલ થઈ શકે છે. આ હિસ્સો વેચી ફંડને 300 મિલિયન ડૉલર્સ મળે એવી સંભાવના છે.


ભારત ફાઇનાન્શિયલ
ખેડૂતોને લોનમાફી પર ભારત ફાઇનાન્શિયલ ઇનક્લુઝનના એમડી અને સીઈઓ એમઆર રાવના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર કે પંજાબમાં પગલાંથી ખાસ અસર નહીં જોવા મળે. સાથે જ ઇન્ડસઇન્ડ બેન્ક મર્જર પર તેમણે કહ્યું છે કે 6થી 9 મહિનામાં પ્રક્રિયા પૂરી થશે.


જેએસડબલ્યુ સ્ટીલ
સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝને જલ્દી સારા દિવસો આવવાની આશા છે. જેએસડબલ્યુ સ્ટીલના જોઈન્ટ એમડી શેષાગિરિ રાવને વૈશ્વિક માર્કેટમાં હવે સ્ટીલના ભાવ વધુ ઘટવાની આશંકા નથી. સાથે જ તેમને આ વર્ષે સ્ટીલની માંગ 5 ટકા વધવાની આશા છે.


લેન્કો ઈન્ફ્રા
આઈડીબીઆઈ બેન્ક લેન્કો ઈન્ફ્રા વિરુદ્ધ બેન્કરપ્સી કાયદા મુજબ મામલો નોંધાવશે. આ ઉપરાંત બેન્ક જે પી ઈન્ફ્રા વિરુદ્ધ પણ બેન્કરપ્સી કાયદા મુજબ મામલો નોંધાવશે. આપને જણાવી દઈએ કે રિઝર્વ બેન્કે 12 મોટી ડિફોલ્ટર કંપનીઓ વિરુદ્ધ બેન્કરપ્સી કાયદા મુજબ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.


લ્યુપિન
ક્રેડિટ સુઇસ દ્વારા લ્યુપિન પર અંડરપરફોર્મ રેટિંગ યથાવત રાખવામાં આવ્યું છે. લક્ષ્યાંક 1100 રૂપિયાથી ઘટાડી 1020 રૂપિયા કરવામાં આવ્યો છે. કિંમતમાં ઘટાડાનો ખતરો લ્યુપિન પર ઘણો રહેશે એમ તેઓ માને છે અને હજી સ્ટૉકના ભાવમાં સંપૂર્ણ અસર પણ નથી થઈ એમ તેમણે ઉમેર્યું છે. આ કારણે જ નાણકીયા વર્ષ 18-19 માટે ઈપીએસ અનુમાન 6થી 8 ટકા ઘટાડવામાં આવ્યું છે.