શેરબજારમાં ઉચ્ચ વોલેટિલિટીને કારણે, મોટાભાગની ઇન્ડિયા ઇન્ક કંપનીઓના પ્રમોટર્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્લેજ્ડ શેર્સની સંખ્યામાં વધારો કર્યો છે. સતત વધી રહેલી મોંઘવારીને કારણે વૈશ્વિક નીતિ કડક બની છે, જેની અસર શેરબજાર પર જોવા મળી રહી છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના અભ્યાસ અનુસાર, ડિસેમ્બર ક્વાર્ટરમાં BSE 500 લિસ્ટેડ કંપનીઓના પ્લેજ્ડ શેર્સની ટકાવારી વધીને 1.61% થઈ છે. અગાઉના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે માત્ર 1.57 ટકા હતો. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે 87 BSE 500 કંપનીઓના પ્રમોટર્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમના શેર ગીરવે મૂક્યા હતા.
ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રમોટરો દ્વારા ગીરવે મૂકાયેલા શેરનું મૂલ્ય રૂ. 2.2 લાખ કરોડ હતું. આ BSE 500 માં સમાવિષ્ટ કંપનીઓના કુલ માર્કેટ કેપના 0.83 ટકા હતું.
ડિસેમ્બર ક્વાર્ટરના અંતે મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને થાઇરોકેર ટેક્નૉલૉજીના પ્રમોટર્સ પાસે સૌથી વધુ પ્લેજ્ડ શેર હતા. મેક્સ ફાઇનાન્શિયલના પ્રમોટર્સે 93 ટકા અને થાઇરોકેરના પ્રમોટર્સે 92.9 ટકા ગીરવે મૂક્યા હતા. તેમના પ્લેજ કરેલા શેરનું કુલ મૂલ્ય રૂ. 4650 કરોડ છે.
સુઝલોન એનર્જીના પ્રમોટર્સ ત્રીજા સૌથી મોટા શેર ગીરવે મૂકનારા હતા. પ્રમોટર્સે 80.8% શેર ગીરવે મૂક્યા છે. ચોથા નંબરે જીએમઆર એરપોર્ટ છે જેના પ્રમોટર્સે 67.2 ટકા શેર ગીરવે મૂકીને નાણાં ઊભા કર્યા છે.
આ પછી સુંદરમ ક્લેટન પાંચમા નંબરે હતો. આ કંપનીના પ્રમોટરોએ 63.5 ટકા હિસ્સો ગીરવે મૂક્યો હતો. સુઝલોનના પ્રમોટર્સે રૂ. 1,470 કરોડના શેર, જીએમઆર એરપોર્ટ્સે રૂ. 9,490 કરોડના શેર અને સુંદરમ ક્લેટનના પ્રમોટર્સે રૂ. 4,790 કરોડના શેર ગીરવે મૂક્યા હતા.
લોયડ મેટલ્સ, હેપીએસ્ટ માઈન્ડ્સ, વોકહાર્ટ, ઈમામી, અજંતા ફાર્મા અને અન્યના પ્રમોટર્સે પણ ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્લેજ્ડ શેર્સની સંખ્યામાં વધારો કર્યો છે.