બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાના 200 એપિસોડ

ના રોજ પ્રકાશિત Sat, 22, 2018 પર 14:20  |  સ્ત્રોત : CNBC-Bajar

જેટલો સરળ દેખાય છે, તેટલો સરળ આ પ્રવાસ નહોતો રહ્યો. પ્રથમ એપિસોડથી 199 એપિસોડ સુધી લોકોએ અમારા ઉપર જે વિશ્વાસ રાખ્યો છે તે અભૂતપૂર્વ છે. જે લોકો પોતાના પરિવારજનોને પણ પોતાની સાચી આવક ન કહેતા હોય તેવા લોકોએ પણ સીએનબીસી બજાર પર પૂરો વિશ્વાસ રાખી પોતાના નાણાંનું આયોજન કરાવ્યું અને માત્ર કાગળ પર કે શૉ પર જ નહિં પણ પોતાના જીવનમાં પણ તે આયોજનને ઉતાર્યું તેમજ તેમા સૂચવેલા પરિવર્તન પણ કર્યા.

ઘણા લોકોએ તેમની આસપાસના લોકોને નાણાંકિય સાક્ષરતા આપી તો ઘણાએ તેમને અમારા સુધી લઈ આવવા આ નાણાંકિય સાક્ષરતાની ઝૂંબેશમાં સહભાગી બન્યા. તો આજના આ ખાસ 200માં એપિસોડમાં આપણે મળીશું તેમાના અમે પસંદ કરેલા 3 પરિવારોને જેઓનું નાણાંકિય આયોજન એક ઉદાહરણ રૂપ સાબિત થયું છે અને અમને તેમની મદદ કરવાનું ખુબ ગર્વ પણ છે.

સૌપ્રથમ મળીએ એ પરિવારને જેઓ અમારા સાથે પ્રથમ વર્ષમાં જ જોડાયા હતાં. અમદાવાદના ગીર્વાનભાઈ મહેતા અને તેમના પત્ની વિભૂતીબેન મહેતા. બન્ને કમાનાર વ્યક્તિ એક પરિવારના અને વિચારો તેમજ નાણાંકિય રીતે પણ સ્વતંત્રતા ધરાવે છે.

ત્યાર બાદ મળીશું અમદાવાદના એક યુવક જતીન ધોબીને જેઓ અમારા સાથે બીજા વર્ષના અંતમાં જોડાયા હતાં. ખુબ સરળ આવક અને તેથી પણ સરળ જીવન તેમજ ધ્યેય ધરાવતા જતીનનો પરિવાર પણ ખુબ શ્રમ સાથે સમાજમાં માનભેર જીવન જીવે છે. અને જતીન તે વર્ગ માટે શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયા છે જેઓ એવું માને છે કે નાણાંકિય આયોજન કરવા માટે મોટી રકમની જરૂરત પડે છે.

અને અંતમાં અમારો આજના એપિસોડનો ત્રીજો પરિવાર છે સુરતનો દિક્ષિત પરિવાર. દેવલ દિક્ષિત હાલમાં જ અમારા સાથે 190માં એપિસોડમાં જોડાયા હતાં. અને તેમનું આયોજન પહેલાથી જ એટલું ચૌક્કસ હતું. અને દેવલ જેવા ઘણા યુવાનો છે જેઓ નાની ઉંમરથી નાણાંકિય આયોજનમાં ધ્યાન આપી પોતાના ભવિષ્યને સુરક્ષિત કરે છે. ઘણા યુવાનો માટે તેઓ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે કે જેઓ નાની ઉંમરે કમાઈ તો જાણે છે પણ બચત કરી તેને રોકી પણ શકે છે.