બજાર » સમાચાર » રોકાણ

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 03, 2019 પર 17:35  |  સ્ત્રોત : CNBC-Bajar

બક્ષિશ લેવી કોને ન ગમે? પરંતુ બક્ષિશ સ્વીકારવાની સાથે જો તેના પર આવકવેરો ભરવાનો થાય તો તેવી બક્ષિશ પણ કડવી લાગે. આવકવેરાના કાયદા હેઠળ કઈ બક્ષિશ કરમુક્ત ગણાય અને કઈ બક્ષિશ પર વેરો ચૂકવવાનો થાય તે જાણવાની ઉત્કંઠા કોને ન હોય તો આજે આપણે વાત કરીશું બક્ષિશની કરપાત્રતા અને તેના જાણકારી લઇશું નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ પાસેથી.


બક્ષિસની કરપાત્રતાનો પાયાનો નિયમ શું છે?


બક્ષિસની કરપાત્રતાનો પાયાનો નિયમ.


કોઈપણ શખ્સ જો નાણાંકિય વર્ષ દરમિયાન અન્ય કોઈ શખ્સ પાસેથી રૂપિયા 50,000 કરતા વધારે રકમની કોઈપણ બક્ષિસ મેળવે, તો તે તેને તમારી અન્ય સ્ત્રોતની આવક ગણવાની જોગવાઈ કલમ 56 હેઠળ કરવામાં આવી છે.


કહેવાય છે કે વ્યક્તિને તેના સગા પાસેથી મળેલી બક્ષિસ કરમુક્ત ગણાય, આ જોગવાઈ શું છે અને કોની પાસેથી મળેલી બક્ષિસોને કરમુક્ત ગણવામાં આવે છે?


કોની પાસેથી મળેલી બક્ષિસ કરમુક્ત


કલમ 56 હેઠળ કરમુક્તિની જોગવાઈ પણ છે જેમા નિયત કરવામાં આવેલા સગા પાસેથી મળેલી બક્ષિસને કરમુક્ત ગણવામાં આવશે. વ્યક્તિના લગ્ન સાથી પાસેથી મળતી બક્ષિસ પર કોઈ ટેક્સ નથી. તમારા માતા-પિતા, દાદા-દાદી, પુત્ર-પુત્રી, પૌત્ર-પૌત્રી તરફથી મળતી બક્ષિસ કરમુક્ત છે. તમારા માતા-પિતાના ભાઈ-બહેન અને તેમના લગ્નસાથી તરફથી મળતી બક્ષિસ કરમુક્ત છે. તમારા લગ્નસાથીના ભાઈ-બહેન અને તેમના લગ્નસાથી તરફથી મળતી બક્ષિસ કરમુક્ત છે. કાકા કે મામા ભત્રીજા કે ભાણેજને બક્ષિસ આપે તો કરમુક્ત છે પણ ભત્રીજો કે ભાણેજ કાકા કે મામાને બક્ષિસ આપે તો તેના પર કર ભરવાનો રહે છે.


અમુક પ્રસંગોએ મળેવી બક્ષિશને પણ આવકવેરાના કાયદા હેઠળ કરમુક્તિનો લાભ આપવામાં આવ્યો છે, તો આ શું છે?


લગ્ન સમયે મળતા ચાંદલાની રકમ પર કોઈ નિયંત્રણ નથી. તમને લગ્ન પર મળેલી રકમની યાદી બનાવો તો તે તમારા માટે હિતાવહ ગણાય છે. કોઈના વસિયત કે વારસા હેઠળ મળેલી વસ્તુ કે રકમ પર કોઈ ટેક્સ નથી લાગતો.


કરપાત્ર બક્ષિશની ગણતરીના હેતુસર માત્ર રોકડમાં મળેલી જ બક્ષિશ ગણાય કે વસ્તુ સ્વરૂપી બક્ષિશને પણ લક્ષમાં લેવાની રહે? વસ્તુ સ્વરૂપી બક્ષિસ પર પણ કોનો સમાવેશ થાય છે?


કરપાત્ર બક્ષિસમાં કોનો સમાવેશ.


2004 થી 2009 સુધી માત્ર રોકડ સ્વરૂપી જ બક્ષિસ ગણાતી હતી. 2009 બાદ નિયત વસ્તુઓનો પણ કલમ 56 હેઠળ સમાવેશ થાય છે. સ્થાવર મિલકત, કલાના નમુના, શૅર-સિક્યોરિટી, સોનાના ઘરેણા વગેરેનો સમાવેશ થાય છે.


બક્ષિશ મેળવનાર વ્યક્તિએ શું અમુક પ્રકારનું ડોક્યુમેન્ટેશન કે દસ્તાવેજી પૂરાવા રાખવા જરૂરી ગણાય? બક્ષિસ સાથે પુરાવા જરૂરી?


બક્ષિસ આપનાર કે મેળવનાર એમ જાહેર કરે છે જે-તે વ્યક્તિએ બક્ષિસ આપી અને અન્યએ તે સ્વીકારીતો કોઈ ડોક્યુમેન્ટની જરૂરત નથી. ચેકથી મળતી બક્ષિસના કેસમાં તેની ફોટોકોપી રાખી શકાય છે. એક સ્ટેમ્પ પેપર કે સામાન્ય પેપર પર લખાણ કરી શકાય છે. લગ્નપ્રસંગે મળતા ચાંદલાની નોંધ રાખી હોય તો તે ઉપયોગી બને છે.


સવાલ-


આવકવેરા કાયદા કલમ 80TTA હેઠળ માત્ર સેવિંગ એકાઉન્ટનું વ્યાજ જ બાદ મળે?


જવાબ-


કલમ 80TTA જો તમે સિનિયર સિટીઝન ન હો તો માત્ર સેવિંગ બૅન્ક એકાઉન્ટનું વ્યાજ બાદ મળે છે. સિનિયર સિટીઝન માટે કલમ 80TTB છે, જેમા સેવિંગ બૅન્કના વ્યાજ ઉપરાંત FDના વ્યાજનો પણ સમાવેશ થાય છે.


સવાલ-


હું નિવૃત્ત સિનિયર સિટીઝન છું. મારા માતાની બેંકમાં ડિપોઝિટ હતી. તેમાં હું નોમિની હતો. તેમના અવસાન બાદ પાકતી મુદતે આ રકમ મને મળેલ છે. આ રકમ મારે મારા આવકવેરાના રીટર્ન ફાઈલમાં બતાવવી પડે?


જવાબ-


તમને આ રકમ તમારા માતાના વસિયતમાં મળી છે માટે રકમ પર કોઈ ટેક્સ નહિં લાગે. આ રકમ પાક્યા બાદ જે તમને વ્યાજ મળશે તેના પર તમને ટેક્સ ભરવો પડશે. કલમ 56 (2) હેઠળ વસિયત હેઠળ મળેલી રકમને કરમુક્ત ગણવામાં આવે છે.


સવાલ-


હું સિનિયર સિટીઝન છું, મારી 2019-20ની અંદાજીત આવક રૂપિયા 7 લાખ આસપાસ છે, અને વિવિધ કલમ હેઠળની કપાત બાદ કરતા મારી આવક રૂપિયા 5 લાખ કરતા ઓછી થાય છે, તો મારે કેવી રીતે આયોજન કરવું જોઈએ?


જવાબ-


વિવિધ કપાતો તેમજ આવકવેરા રિબેટનો લાભ લેતા તમારે ટેક્સ ભરવાનો થાય છે રૂપિયા 0 તો તમે ફોર્મ 15H ભરી TDSની મુક્તિનો લાભ લઈ શકો છો.


સવાલ-


મારા પિતાશ્રી સરકારી નોકરીમાંથી જાન્યુઆરીમાં નિવૃત્ત થયા છે અને તેઓને જીપીએફ અને ગ્રેચ્યુટી તેમજ અન્ય પેંશનની આવક થઈ છે. જો તેઓ આ આવક મને મકાનની ખરીદી માટે મારા એકાઉન્ટમાં જમા કરાવે તો શું આ આવક મારે કરપાત્ર થશે? અને જો ન થાય તો કઈ રીતે મારે આ આવક સ્વીકારવી અને કેટલી મર્યાદામાં સ્વીકારવી જોઈએ?


જવાબ-


તમારા પિતાને જે રકમ મળે છે તેની કરપાત્રતાના નિયમો તેમના પર લાગુ પડે છે, અને જો તેઓ તેમની મૂડી તમને બક્ષિસ કે લોન સ્વરૂપે આપે અને તેનો ઉપયોગ તમે મકાન માટે કરો તો તેના પર તમને કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહિં.


સવાલ-


મે હમણા મારા અને મારી પત્નીના નામે નવું ઘર લીધું છે જેની કિંમત રૂપિયા 40 લાખ છે, સામે અન્ય ઘર રૂપિયા 28 લાખમાં વેચ્યું છે અને તેની ખરીદ કિંમત રૂપિયા 6 લાખ હતી તો આમા કેપિટલ ગેઈન મળશે તે નવા ઘર સામે સેટઓફ કરી શકાશે?


જવાબ-


કલમ 54નો લાભ તમે લઈ શકો જેમા એક મકાન વેચવા પર થતો મૂડીનફો અન્ય ખરીદવામાં ઉપયોગમાં લેવામાં આવે તો તેના પર કોઈ ટેક્સ લાગશે નહિં. તમારા ખરીદ બાદના 2 વર્ષ અને વેચાણ પહેલાના 1 વર્ષમાં જો મૂડીનફો ઉપયોગમાં આવે તો તેના પર કોઈ ટેક્લ લાગશે નહિં.


સવાલ-


બોનસ શૅર જે કંપની તરફથી મળે તેના પર ટેક્સ કેવી રીતે લાગે અને તેને વેચવા પર ગ્રાન્ડ ફાધરિંગનો નિયમ લાગુ પડે કે કેમ? મારા બનેવી ગયા મહિને મૃત્યુ પામ્યા છે, તો તેનો ટેક્સ મારી બહેનને ભરવો પડશે અને તેનું ટેક્સ રિટર્ન કોના ખાતામાં જમા થશે?


જવાબ-


જો તમારા બનેવીનું તમારા બેન સાથેનું જોઈન્ટ એકાઉન્ટ હોય તો તેનું રિફંડ તેમા લેવું જોઈએ. જો જોઈન્ટ એકાઉન્ટ ન હોય તો કાયદાકિય રીતે લિગલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે રિફંડ ભરવાનું આયોજન કરવું પડશે. બોનસ શૅર જો 31 જાન્યુઆરી 2018 પહેલા મળ્યા હોય તો 31 જાન્યુઆરી 2018ની ગ્રાન્ડફાધરિંગ જોગવાઈ પ્રમાણે બોનસ શૅરની કિંમત લઈ શકશો. 31 જાન્યુઆરી 2018 પછી મળ્યા હોય તેવા બોનસ શૅરનું મૂલ્ય 0 ગણાશે.