India Bangladesh Power Trade: ભારત દ્વારા લગાવાયેલા 1 પૈસાના ચાર્જ સામે વાંધો ઉઠાવનાર બાંગ્લાદેશ હવે ચીન પાસેથી 127% વધુ ભાવે 25 ટકા પ્રતિ યુનિટ વીજળી ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. જાણો સમગ્ર મામલો.
બાંગ્લાદેશે સરહદ પાર વીજળીની લેવડદેવડ માટે ભારત દ્વારા પ્રસ્તાવિત 0.01 રૂપિયા (1 પૈસો) પ્રતિ યુનિટના સેટલમેન્ટ ચાર્જ પર વાંધો ઉઠાવ્યો હતો. ભારતના સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા ક્રોસ બોર્ડર વેપાર માટે SNA ચાર્જ લાગુ કરાયો હતો.
China Waste to Energy Dhaka: બાંગ્લાદેશની વર્તમાન સરકારની નીતિઓ પર હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ બાંગ્લાદેશ ભારત દ્વારા લગાવવામાં આવેલા સાવ સામાન્ય પાવર ચાર્જ સામે વિરોધ નોંધાવી રહ્યું છે, તો બીજી તરફ તે ચીનની એક કંપની પાસેથી અત્યંત મોંઘા ભાવે વીજળી ખરીદવાની તૈયારીમાં છે. બાંગ્લાદેશ હાલમાં ચાલી રહેલા ગંભીર વીજળી સંકટ, ગેસની અછત અને લાંબા બ્લેકઆઉટ વચ્ચે આ નિર્ણય લઈ રહ્યું છે, જેને લઈને આશ્ચર્ય સર્જાયું છે.
ભારતના 1 પૈસાના ચાર્જ સામે વિરોધ
તાજેતરમાં જ, બાંગ્લાદેશે સરહદ પાર વીજળીની લેવડદેવડ માટે ભારત દ્વારા પ્રસ્તાવિત 0.01 રૂપિયા (1 પૈસો) પ્રતિ યુનિટના સેટલમેન્ટ ચાર્જ પર વાંધો ઉઠાવ્યો હતો. ભારતના સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા ક્રોસ બોર્ડર વેપાર માટે SNA ચાર્જ લાગુ કરાયો હતો. બાંગ્લાદેશની સતત ફરિયાદો અને વિરોધ બાદ, ભારતે આ પ્રસ્તાવિત ચાર્જ ઘટાડીને અડધો એટલે કે 0.005 રૂપિયા પ્રતિ યુનિટ કરી દીધો હતો.
ચીન પર મહેરબાની: 127% મોંઘી વીજળી ખરીદશે
ભારતની આટલી સસ્તી ડીલ અને અડધા પૈસાના ચાર્જ સામે બૂમાબૂમ કરતું બાંગ્લાદેશ હવે ચીનની કંપનીને વીજળી માટે 25 ટાકા પ્રતિ યુનિટ ચૂકવવાની યોજના બનાવી રહ્યું છે. આ રેટ એટલો બધો વધારે છે કે તે ભારતીય સપ્લાયર્સને અપાતા આશરે 11 ટકા પ્રતિ યુનિટના ચાર્જ કરતા 127% વધારે છે. જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં બાંગ્લાદેશનો 1 ટકો ભારતના 0.77 રૂપિયા બરાબર છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશમાં ઈમ્પોર્ટેડ વીજળીની સરેરાશ કિંમત 5.82 ટકાથી વધીને 11.72 ટકા પ્રતિ યુનિટ થઈ ગઈ છે. આ આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો, ચીનને અપાતો 25 ટકાનો ભાવ સરેરાશ કિંમત કરતા બમણાથી પણ વધુ છે.
શું છે ચીનનો અમીનબજાર પ્રોજેક્ટ?
ચીન બાંગ્લાદેશની રાજધાની ઢાકાના અમીનબજાર લેન્ડફિલમાં 42 મેગાવોટ (MW)ની ક્ષમતા વાળો પાવર પ્રોજેક્ટ લગાવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કચરામાંથી વીજળી બનાવવાનો અને ઢાકામાં વેસ્ટ મેનેજમેન્ટની વધતી જતી સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. જોકે, નિષ્ણાતો માને છે કે માત્ર 42 મેગાવોટનો આ નાનો પ્રોજેક્ટ ભારત દ્વારા બાંગ્લાદેશને મોટા પાયે અપાતી વીજળીનો વિકલ્પ ક્યારેય બની શકે નહીં.
ભારતની વીજળી અને બાંગ્લાદેશનું બજેટ
આંકડાઓ પર નજર કરીએ તો, બાંગ્લાદેશના કુલ વીજળી ખરીદી બજેટમાં ભારતમાંથી આવતી વીજળીનો હિસ્સો લગભગ 15.8% જેટલો છે. પોતાના 121420 કરોડ ટકાના જંગી વીજળી બજેટમાંથી બાંગ્લાદેશે આશરે 19225 કરોડ ટકા માત્ર ભારત પાસેથી વીજળી ખરીદવા માટે ચૂકવ્યા છે. ભારત અને ચીન વચ્ચેના આ મોટા તફાવતને જોતા બાંગ્લાદેશની રણનીતિ પર વિવાદ ઊભો થયો છે.
હાલમાં બાંગ્લાદેશના અનેક ભાગોમાં વીજળી કાપને લઈને લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવા સંવેદનશીલ સમયે જ્યારે એક-એક યુનિટના ખર્ચની બારીકાઈથી તપાસ થવી જોઈએ, ત્યારે ચીન પાસેથી આટલી મોંઘી વીજળી ખરીદવાનો નિર્ણય બાંગ્લાદેશની વીજળી રણનીતિની ખામીઓ છતી કરે છે. એક તરફ ભારતની સસ્તી વીજળી પર વાંધો અને બીજી તરફ ચીન સામે ઘૂંટણિયે પડવાની આ નીતિ ચર્ચાનો વિષય બની છે.