બજાર » સમાચાર » બજાર

વાયુની દિશા બદલાતા તંત્ર સજ્જ

ના રોજ પ્રકાશિત Sat, 15, 2019 પર 11:32  |  સ્ત્રોત : CNBC-Bajar

વાયુ વાવાઝોડાએ ગઇકાલે તેની દિશા ફરી બદલી હતી અને ગુજરાતના કચ્છ તરફ આવવાની શરૂઆત કરી હતી. પરંતુ તેનું જોર એટલું નથી રહ્યું. વાવાઝોડાએ દિશા બદલવાના તરત જ હવામાન વિભાગે વહીવટી તંત્રને જાણ કરી હતી અને કચ્છનું વહીવટી તંત્ર તેનો સામનો કરવા સજ્જ છે.


તમામ અધિકારીઓને સ્થળ ન છોડવાનો આદેશ અપાયો છે. હવામાન વિભાગના પ્રમાણે વાયુ વાવાઝોડાનું જોર હવે પ્રમાણમાં ઘણું ઘટી ગયું છે જેના કારણ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને પવનની ગતિમાં મામુલી વધારો થઇ શકે છે.


દરિયા કિનારે જ્ચાં આફત હતી ત્યાં ખેડૂતોને પણ નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો. કેળ હોય કે કેરી કુદરતના કેર સામે બધાને ભોય ભેગા થવું પડ્યું. ભારે પવન અને વરસાદના કારણે આખે આખો પાક જમીન દોસ્ત થઈ ગયો.


દરિયામાં ઉછળતી આફત અને તોફાની પવને બધુ તહેસનહેસ કરી દીધુ. દેવ બનેલો દરિયો દેકારો કરવા લાગ્યો. ઉફાનમાં એવું ભાન ભૂલ્યો કે તોફાન મચાવી દીધુ. ઉગતો સૂરજ તેમના ચહેરા પર ચમક લઈને આવતો હતો પણ વાયુની અસરે જાણે કે નૂર જ છીનવી લીધુ.


આ તસવીરો છે જૂનાગઢના માંગરોળની જ્યાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી. ભારે પવનથી કેળના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. આખા વર્ષની મહેનત બાદ જે પાક કમાણી માટે તૈયાર હતો તે ધોવાઈ ગયો. અને જમીનદોસ્ત થયો. આવી આફતની કલ્પના ક્યારેય કરી ના હતી પણ કુદરત સામે ક્યાં કોઈની ચાલે છે.


ના માત્ર કેળ કેરીના પાકનો પણ સોથ વળી ગયો.


જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારમાં નારીયેળીને પણ નુકસાન થયું. તિવ્ર પવનના જોર સામે અડીખમ ઉભેલા નારીયેળીના ઝાડ જમીનદોસ્ત થઈ ગયા અને મોટા પ્રમાણમાં નુકસાન થયું. તારાજીની આ એ તસવીરો છે જે પુરાવો આપે છે ક્યારે જ્યારે પવન અને વરસાદ ત્રાટક્યો હશે ત્યારે કેટલો ભયાનક હશે.


ગીરની કેસરને પણ વાયુ વાવાઝોડાની અસરનો સામનો કરવો પડ્યો. પાક તૈયાર હતો અને તૈયારી હતી તેને લેવાની. પણ કુદરતને કદાચ આ મંજૂર ન હતુ.


વિનાશક વાવાઝોડુ ભલે સૌરાષ્ટ્રના દરિયામાં હીટ ના થયું હોય. પણ તેની વ્યાપક અસર જરૂર જોવા મળી. એકા એક ફૂંકાયેલા ભારે પવનના કારણે મોટા પાયે નુકસાન થયું. તોફાની પવનના પ્રકોપ સામે કેસરનો પાક જમીનદોસ્ત થઈ ગયો.


અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ વાવઝોડાએ માત્ર દરિયા કિનારે જ નહીં પણ ગીર ને પણ ઘમરોળી નાખ્યું અને ખેડૂતોને રોવાનો વારો આવ્યો.


ગીરની કેસર દેશ અને દુનિયામાં વખણાય છે. પણ વાયુની અસરે કેસર પર કેર વરસાવી દીધો. ગીરની શાન ગણાતી કેસર કેરી માર્કેટમાં પહોંચતા પહેલા જ પરેશાન થઈ અને ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. કેસરના ઝાડ પર 30 ટકા થી વધુ કેરી હતી. જે માર્કેટમાં જવાની સંપૂર્ણ ત્યારી માં હતી.


પણ આસમાની આફ્તે તારાજી સર્જી. પહેલા જ કમોસમી વરસાદ અને ઝાકળના કારણે 40 ટકા જેટલો પાક નિષ્ફળ ગયો હતો. અને બરાબર પાક તૈયાર થયો અને વાયુ નામની આફતે મહેનતને વેરવિખેર કરી.