બજાર » સમાચાર » બજાર

માવઠાથી બાગાયતી પાકને ભારે નુકસાન

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 12:03  |  સ્ત્રોત : CNBC-Bajar

વલસાડમાં ડાંગરનો પાક નિષ્ફળ ગયો. પરંતુ સરકારે વળતરની જાહેરાત કરતાં ડાંગરના ખેડૂતોને રાહત મળી. પરંતુ ચીકુ પકવતા ખેડૂતો હજુ પણ બેહાલ છે. તો તાપી જિલ્લાના ખેડૂતો ડાંગરના પાકમાં ધોવાયા.


રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લો મુખ્યત્વે કેરીના પાક માટે જાણીતો છે. પરંતું કેરીના સાથે સાથે અહી ચીકૂનું પણ એટલું જ ઉત્પાદન થાય છે. બાગાયતી પાક તરીકે અહીના ખેડૂતો ચીકૂની ખેતી કરે છે અને મબલખ કમાણી કરતાં હોય છે. પરંતુ આ વર્ષે ખેડૂતોને કાંઈક અલગ જ મંજૂર હતું.


સતત વાદળછાયા વાતાવરણથી ચીકૂના પાકને નુક્સાન થયું. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણથી ચીકુના પાક પર હજુ પણ વિપરીત અસર પડે તેમ છે. પાકનો વિકાસ રુંધાયો છે. દરવર્ષે દિવાળી ટાણે જ ચીકૂની આવક શરુ થતી હતી. પરંતુ આ વખતે ચીકૂનું ઉત્પાદન હજૂ સુધી નથી થયું. ડાંગર બાદ ચીકૂના પાક પર પાણી ફરી વળતાં ખેડૂતોના હાલ બેહાલ થયા છે.


દિવાળી બાદ ચીકુની સિઝન પૂર બહારમાં ચાલે છે પરંતુ આ વર્ષે ચીકૂની આવકનું મૂહર્ત પણ નથી થયું. વલસાદ જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે. ડાંગર બાદ અહીના ખેડૂતો ચીકુની આવક પર નિર્ભર હોય છે. પરંતુ બંને પાક નિષ્ફળ જતાં ખેડૂતો માટે નુક્સાનની ભરપાઈ કેમ કરવી તે એક પ્રશ્ન છે.


આ તરફ તાપીના જિલ્લાના ડાંગરાના ખેડૂતો હાલ પાણીમાં છે. ડાંગરનો પાક પાણીમાં તણાયો અને ખેડૂતોને લમણે હાથ દેવાનો વારો આવ્યો. તાપી જિલ્લાના પાંચ તાલુકાઓની વાત કરીએ તો 64 હજાર 980 હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર કરયું હતું. જૈ પૈકી 405 હેક્ટરમાં 35 ટકાથી વધુ નુક્સાન થયું છે. ખેતીવાડી વિભાગના સર્વેના આંકડા પ્રમાણે 204 ગામના 913 ખેડૂતોને 32 લાખથી વધુનું નુક્સાન થયું છે.


કમોસમી વરસાદે એવો વરસ્યો કે 65 હજાર હેક્ટરમાં ડાંગરોના પાક પાણીમાં ધોવાયો. ખેતીવાડી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તાપી જિલ્લામાં 17 જેટલી ટીમ ગામડે ગામડે સર્વે કરી રહી છે. સર્વેનો રિપોર્ટ મુખ્ય કચેરી મોકલી ખેડૂતોને ઝડપથી વળતર મળી રહે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.


ઓક્ટોબર અને નવેમ્બરમાં પડેલા વરસાદે ગુજરાતભરના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ત્યારે હવે ખેડૂતો સરકારના રાહત પેકેજ સામે મીટં માંડીને બેઠા છે. ખેડૂતોને આશા છે કે સરકાર ઝડપથી વળતર ચુકવશે. જેથી તેઓ ફરીથી બેઠા થઈ શકે