બજાર » સમાચાર » બજાર

હિમવર્ષાના કારણે દેશભરમાં ઠંડીનો માહોલ

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 15:54  |  સ્ત્રોત : CNBC-Bajar

જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે દેશભરમાં ઠંડીનો આકરો મિજાજ દેખાવાનું શરૂ થઈ ગયું છે. કાશ્મીરમાં જવાહર ટનલ નજીક હિમવર્ષાને પગલે 270 કિ.મી. લાંબો શ્રીનગર હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત ધુમ્મસના કારણે સતત સાતમા દિવસે પણ શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ રદ કરાઈ હતી. આ દરમિયાન દિલ્હીમાં પણ કરા સાથે વરસાદ પડતા ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. માતા વૈષ્ણોદેવી ભવન પર મોડી સાંજે સિઝનની પહેલી ચાર ઈંચ હિમવર્ષા થઈ હતી. ત્રિકુટ પર્વત દોઢ ફૂટ અને ભૈરવ ઘાટી અડધો ફૂટ બરફથી છવાઈ ગઈ હતી. હિમવર્ષાને પગલે જમ્મુ-શ્રીનગર હાઈવે પણ બંધ થઈ ગયો હતો.


હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષાથી જીનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. અહીં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઝીરો ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે.


છેલ્લા બે દિવસથી બરફ વર્ષાના કારણે અનેક સ્થળો રોડ માર્ગે સંપર્ક વિહોણા બન્યા છે. પરિણામે તે વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીમાં જોરદાર વધારો થયો. જોકે, પ્રવાસીઓ બરફ વર્ષાનો આનંદ લૂંટતા જોવા મળ્યા. લાહૌલ સ્પીતિના લગભગ તમામ વિસ્તારોમાં સફેદ ચાદર જોવા મળી. કેટલીક જગ્યાએ લોકોના ઘરની છતો, વૃક્ષો બરફથી ઢંકાઈ ગયા. રસ્તા પર 2 ફૂટ જેટલો બરફ જમા થયો છે.


વીજ પુરવઠો અને પાણી પુરવઠો બંને ખોરવાયેલું છે. હાડ થીજવતી ઠંડી હોવાથી લોકો છેલ્લા બે દિવસથી ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. તો પર્યટકોને મજાક મસ્તી માટે બરફ વર્ષાએ શાનદાર અવસર આપ્યો છે. કુલ્લૂ સહિતના વિસ્તારોમાં હોટેલ બુકિંગમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો.