બજાર » સમાચાર » બજાર

ડૂંગળીના ભાવ વધતા સામે આવ્યા ચોરીના કિસ્સા

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 15:09  |  સ્ત્રોત : CNBC-Bajar

ડુંગળીના ભાવ આસમાને જતા હવે ડુંગળીની ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ચોરીનો અજીબ કિસ્સો સામે આવ્યો છે.

વાહનો અને સોના-ચાંદીની ચોરી વિશે તો તમે સાંભળ્યું હશે, પણ ક્યારેય ડુંગળીની ચોરી વિશે સાંભળ્યું છે? ડુંગળી કિંમતી બની છે, ત્યારે હવે તેની ચોરીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક વેપારીની ડુંગળીની 14 ગુણ ચોરી થઈ ગઈ. જેની કિંમત 50 હજાર રૂપિયા જેટલી હતી.

ડુંગળીની ચોરી થતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. વેપારીઓએ રોષ સાથે યાર્ડમાં હરાજી બંધ કરી હતી. જો કે, યાર્ડના સત્તાધીશોની દરમિયાનગીરી બાદ હરાજી ફરી શરૂ થઈ ગઈ હતી. યાર્ડના ચેરમેન ડુંગળીની ચોરી થઈ હોવાની વાત સાથે સહમત નથી. તેમનું માનવું છે કે બીજા કોઈ વેપારીના માલ સાથે ડુંગળી ભળી હોય તેવી શક્યતા છે.

ડુંગળીનાં ભાવ આસમાને પહોંચતા હવે ખેડૂતો અને વેપારીઓએ ડુંગળીની ચોકીદારી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ભાવનગર માર્કેટ યાર્ડના સંચાલકોએ ડુંગળી તેમની નજર સામે રહે તે રીતે ઉતારવાની સૂચના આપી છે. ડુંગળીની ચોરી પાછળ તેના ઉંચા ભાવ જવાબદાર હોય તેની પૂરેપૂરી સંભાવના છે.


ભાવનગર અને મહુવા યાર્ડમાં ડુંગળીના ભાવ મણ દીઠ 1600 રૂપિયાને વટાવી ગયા છે. ભાવનગર અને મહુવા યાર્ડની સ્થાપના બાદ પહેલી વાર ૧૬૫૧ અને ૧૬૨૨ના ભાવે લાલ ડુંગળીનું વેચાણ થયું છે. જેનું કારણ કમોસમી વરસાદને કારણે ઘટેલું ઉત્પાદન છે.


સામાન્ય રીતે ડુંગળીના ખેડૂતો વીઘે ૨૫૦ મણ ડુંગળીનો ઉતાર મેળવે છે. પણ આ વર્ષે વીઘે માત્ર ૩૦ થી ૩૫ મણ જ ઉતાર આવ્યો છે. જેના પરિણામે ભાવમાં જબરદસ્ત વધારો થયો છે અને ડુંગળી કિંમતી જણસ બની ગઈ છે.