બજાર » સમાચાર » બજાર

અમેરિકાના ઐતિહાસિક પ્રવાસે પીએમ મોદી

ના રોજ પ્રકાશિત Sat, 21, 2019 પર 12:37  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ઐતિહાસિક પ્રવાસે રવાના થયા છે. મોડી રાત્રે પીએમ મોદી અમેરિકા જવા રવાના થયા. અમેરિકાની ધરતી પર બે મહાનાયકોનું થશે મિલન. પ્રધાનમંત્રી મોદી આજથી અતી મહત્વના એવા અમેરિકાના પ્રવાસે છે. અમેરિકન રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત ઉપરાંત દુનિયાભરની નજર હ્યુસ્ટનમાં યોજાનારા હાઉડી મોદી કાર્યક્રમ પર મંડાયેલી છે.


પ્રધાનમંત્રી મોદી અમેરિકાના ઐતિહાસિક પ્રવાસે જઇ રહ્યા છે. ત્યારે અમેરિકામાં પ્રધાનમંત્રી મોદીને આવકારવાનો કંઇક આવો ઉત્સાહ છે. અમેરિકાનું હ્યુસ્ટન જાણે કે મોદીમય બની ગયું છે. હ્યૂસ્ટનના NRG સ્ટિડિયમમાં આ કાર્યક્રમનું આયોજન છે. 22 સપ્ટેમ્બરે પીએમ મોદી ભારતીય સમુદાયના 50 હજારથી વધારે લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભાગ લેશે અને પ્રધાનમંત્રી મોદી સાથે મંચ શેર કરશે.


જે સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાવાનો છે, ત્યાં હજારો લોકો માટે બેસવાની વ્યવસ્થા છે. અહીંયા કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. એક મોટુ સ્ટેજ બનાવવામાં આવ્યું છે કે જ્યાંથી વડાપ્રધાન મોદી સંબોધન કરશે. પીએમ મોદીના ભાષણ પહેલા અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે.


કેમ ખાસ છે મોદીનો પ્રવાસ? આતંક મુદ્દે યોજાનારી બેઠકમાં મોદી લેશે ભાગ. ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડ ટેબલમાં સામેલ થશે પીએમ. 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં પીએમનું ભાષણ. ન્યૂયોર્કમાં 20 દેશો સાથે દ્વિપક્ષિય મુલાકાત. મોદીનો અમેરિકા પ્રવાસ આ વખતે અનેક રીતે ખાસ છે.


22 સપ્ટેમ્બરે હાઉડી મોદી કાર્યક્રમ બાદ પીએમ મોદી 23 સપ્ટેમ્બરે આતંક મુદ્દે યોજાનારી મહત્વની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડ ટેબલમાં પ્રધાનમંત્રી મોદી સામેલ થશે. જ્યારે 27 સપ્ટેમ્બરે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરશે. આ ઉપરાંત ન્યૂયોર્કમાં 20 દેશો સાથે દ્વિપક્ષિય મુલાકાત પણ યોજાવાની છે.