બજાર » સમાચાર » બજાર

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 17:04  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં સર્વત્ર વરસાદ થયો તો બનાસકાંઠા, આણંદ અને મહેસાણામાં પણ વરસાદ પડ્યો છે.


અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. સરખેજ, પ્રહલાદનગર, વાસણામાં વરસાદ પડ્યો.


દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ગત રોજથી પલટો આવ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપી જિલ્લાના નિઝરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.


સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો. ધીમીધારે વરસાદ શરૂ થતા અહીં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. આ વરસાદ વાવણી લાયક હોવાને કારણે ખેડૂતોએ વાવણી શરૂ કરી છે.


ભરૂચમાં ધોધમાર વરસાદ પડ્યો. જેના કારણે સેવાશ્રમ રોડ પર પ્રથમ વરસાદે પાણી ભરાયા. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.


નર્મદા જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે લોકોએ ઉકળાટ માંથી રાહત મેળવી છે. રાજપીપળા અને આજુબાજુના વિસ્તારો ભારે વરસાદ પડી રહ્યો છે. ડેડીયાપાડા, તિલકવાડા, સાગબારામાં પણ વરસાદની શરૂઆત થઈ છે.


આણંદમાં પણ વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ સાથે આવેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોમાં આનંદ છવાયો છે. તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.


ભાવનગરના વાતાવરણમાં પલટો આવ્યો. લાંબા સમય બાદ વરસાદનું ધીમીધારે આગમન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી. વરસાદથી ખેડૂતોના પાકને ફાયદો થશે.


નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. હાલની સપાટી 119.72 મીટર પર પહોંચી છેછે. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં 6 હજાર 440 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. મુખ્ય કેનાલમાં 6 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.


મહીસાગરમાં આવેલા કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. પાણીની આવક થતાં કડાણા ડેમમાં આવેલા પાવર હાઉસનું એક યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. હાલ પાણીની આવક 15 હજાર 500 નોંધાઈ છે જ્યારે જાવક 5 હજાર 100 ક્યુસેક છે.