બજાર » સમાચાર » બજાર

સમગ્ર રાજ્યમાં વરસાદનો માહોલ

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 17:03  |  સ્ત્રોત : CNBC-Bajar

સમગ્ર રાજ્યમાં આજે વરસાદનો માહોલ છે. વડોદરા, દાહોદ, તાપી, વલસાડ, નવસારી, ગીરસોમનાથ, ભાવનગર અને સુરતમાં જાણે મેઘરાજા મન મુકીને વરસ્યા. નદી-નાળા પણ ઉભરાયા આસપાસના ગામને અલર્ટ કરવામાં આવ્યા અને નદીથી નજીક રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.


સુરતમાં ભારે વરસાદને ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા. અડાજણમાં વિસ્તારમાં પાણી ભરાવાના કારણે જનજીવન પર અસર જોવા પડી. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને તકલીફ પડી હતી.


તો બીજી તરફ વરાછા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.


સુરતમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે સાવચેતીના ભાગ રૂપે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.


સુરતના મહુવાની વાત કરીએ તો અંબિકા નદી હાલ બેકાંઠે વહી રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા મધરઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.


છોટાઉદેપુરની વાત કરીએ તો ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. મધ્યપ્રદેશમાં વરસાદ થતા ઓરસંગ નદીમાં પાણીમાં વધારો થયો છે.


વડોદરા ડભોઈની ઢાઢર નદીમાં જળસ્તર વધ્યુ છે. જેના કારણે ડભોઈના 10 ગામ ભિલાપુર, વાયાદપુરા, બમ્બોજ, દંગીવાળા, કડાધરા, બહેરામપુરા, અમરેશ્વર, ભીરપુરા અને નારણપુરા ગામને સતર્ક કરવામાં આવ્યા છે.


જૂનાગઢમાં ભવનાથમા ધોધમાર વરસાદ વરસતા દામોદરકુંડમા પાણીની આવક થઇ. જ્યારે ગીરનારની સીડી પરથી પાણી વહી ગયા. સમગ્ર શહેરમાં 2 કલાકમાં 1 ઈંચ વરરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ.


વલસાડમાં ઓરંગા નદીના જળસ્તરામાં વધારો થયો. ઉપવાસથી પાણી છોડાતા જળસ્તર વધ્યું અને નદી કિનારાની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયું. NDRFની ટીમને પણ લોકોને રેસક્યુ કરવાનું કહેવામાં આવ્યું છે.


વલસાડમાં સુલભ અને RM પાર્ક એપાર્ટમેન્ટની નીચે આવેલી ગટરનો સ્લેબ તૂટી પડયો હતો. અહીંના પીલરો પણ બેસવાની સંભાવના છે, જેથી કરીને રહેવાસીઓએ આખું બિલ્ડિંગ ખાલી કીર દીધું છે.


વડોદરાના પાદરામાં ગઈકાલ સાંજથી પડેલા ધોધમાર વરસાદને લઈને ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા. જેને પગલે આજે અહીંની તમામ ખાનગી અને સરકારી શાળાઓને રજા આપી દેવામાં આવી હતી.