બજાર » સમાચાર » બજાર

રાજકોટ: સ્વામી ધર્મબંધુજીની શિબિરમાં લાગી ભીષણ આગ

ના રોજ પ્રકાશિત Sat, 13, 2018 પર 15:25  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટના ઉપલેટા પાસેના પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજીની શિબિરમાં લાગી ભીષણ આગ અને આગે બધુ કરી દીધુ ખાખ. હોમાઈ ગઈ 3 જિંદગી અને 15 કરતા વધુ લોકો થયા ઘાયલ. મોડી રાત્રે લાગેલી આગ એટલી ભયાનક હતી કે થોડી જ મિનિટોમાં બધુ વેરવિખેર થઈ ગયું. આગના તાંડવ અને આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે બધુ વેરવિખેર થઈ ગયું.


એક ટેન્ટમાં લાગેલી આગ એક બાદ એક 60 થી 70 જેટલા ટેન્ટમાં પ્રસરી ગઈ અને આગે મચાવી તબાહી. આ ભયાનક દુર્ઘટનામાં 3 વિદ્યાર્થિનીઓના મોત થયા. જ્યારે ગુંગળામણને પગલે ઈજાગ્રસ્ત 16ની ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય ઘાયલોને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગની જાણ થતાં જ 15 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ અને 15, 108 એબ્યુલન્સ સેવાની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી.


તો કલેકટર અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સ્વામી ધર્મબંધુજીની શિબિરમાં વિદ્યાર્થીઓ સહિત 500થી વધુ લોકો હાજર હતા. પ્રાંસલામાં 20મી રાષ્ટ્રીય શિબિરનું આયોજન કરાયુ હતું. આ 10 દિવસીય શિબિરનો આજે છેલ્લો દિવસ હતો. અહીં પ્રાંસલામાં બે દિવસ પહેલા જ ગૃહપ્રધાન રાજનાથસિંહે પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુતકના પરિજનો માટે 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.