બજાર » સમાચાર » બજાર

સુરતમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 16:44  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરતમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું જ છે, પાકને કરોડોનું નુકસાન થયું છે, સાથે જ પશુઓ માટેનો ચારો પણ પલળી ગયો છે.


દક્ષિણ ગુજરાતના ખેડૂતો અત્યારે માવઠાનો માર સહન કરી રહ્યા છે. પહેલા અતિવૃષ્ટિએ રડાવ્યા અને હવે માવઠું ખેતરોમાં ઉભેલા પાકને બરબાદ કરી રહ્યું છે. મહામહેનતે વાવેલા પાક પર માવઠાએ પાણી ફેરવી દીધું છે. ખુશનુમા હવામાનની જગ્યાએ ચોમાસા જેવો માહોલ ખેડૂતોને અકળાવી રહ્યો છે. ખેડૂતોનો જે પાક બચી ગયો હતો તેને કાપીને તેમાંથી દાણ કાઢવાની તૈયારી ચાલી રહી હતી. પણ સવારે અચાનક પવન સાથે વરસાદ તૂટી પડતા બચેલો પાક પણ પાણીમાં ડૂબી ગયો.


સ્થિતિ એ છે કે ઢોરો માટેનો ઘાસચારો પણ ખેતરોમાં પલળી ગયો છે અને હવે કોઈ કામનો નથી રહ્યો. ડાંગરની સાથે તેનો ઘાસચારો પણ બરબાદ થઈ ગયો છે. જેના કારણે પશુપાલન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.


જો માવઠું વધુ લંબાશે તો ખેડૂતોનું નુકસાન વધી જશે. હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી રહી છે. જો માવઠું આમ જ આગળ વધશે તો ખેતરોમાં કંઈ જ નહીં બચે.


કુદરતી આફતનો બેવડો માર સહન કરી રહેલા ખેડૂતોને હવે સરકારનો સહારો છે. ખેડૂતોએ સરકાર પાસેથી સહાયની માગ કરી છે.


સુરતના ખેડૂતોની ચિંતા અસ્થાને નથી, કેમ કે મહા વાવાઝોડાને કારણે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં જ અંદાજે બે લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. જેનાથી ખેડૂતોને 300 કરોડ રૂપિયાનો ફટકો પડી શકે છે. ફક્ત ઓલપાડમાં જ કમોસમી વરસાદ ને કારણે ડાંગરના 70 ટકા પાકને નુકસાન થયું છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. હવે જોવું રહેશે કે અણધારી કુદરતી આફત ક્યાં સુધી ખેતરોને ધમરોળે છે.