બજાર » સમાચાર » બજાર

રાજ્યમાં ફરી જામશે ચૂંટણીનો જંગ

ના રોજ પ્રકાશિત Sat, 15, 2019 પર 11:57  |  સ્ત્રોત : CNBC-Bajar

લોકસભાની ચૂંટણીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના વિજય બાદ રાજ્યસભામાં ગુજરાતની બે બેઠકો ખાલી પડી છે. ટૂંક સમયમાં આ બંને બેઠકો માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે. ભાજપે આ બંને બેઠકો જીતવા ગેમ પ્લાન બનાવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસે ભાજપના પ્લાનને નિષ્ફળ બનાવવા ચૂંટણી પંચના દ્વાર ખખડાવશે.


ગુજરાતમાં રાજ્યસભાની બંને બેઠકો જીતવા ભાજપનો શું છે ગેમ પ્લાન?


રાજ્યસભાની બંને બેઠકોની ચૂંટણી એકસાથે યોજવા કોંગ્રેસની માગ


કોંગ્રેસ ખટખટાવશે ચૂંટણી પંચના દ્વાર


લોકસભાની ચૂંટણીમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના વિજય બાદ ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી થઇ છે. હવે આ બેઠકો માટે ચૂંટણીની તારીખ નક્કી થવાની તૈયારી છે ત્યારે કોંગ્રેસમાં સળવળાટ ઉઠ્યો છે. તો ભાજપ પણ સક્રિય થયો છે. ધારાસભ્યોનું બળ જોતા બે બેઠકો પૈકી એક બેઠક કોંગ્રેસ જીતી જશે.


પરંતુ ભાજપને એક બેઠક ગુમાવવી પોષાય તેમ નથી. તેથી બંને બેઠકોની ચૂંટણી અલગ-અલગ થાય તેમ ભાજપ ઈચ્છે છે. બીજી બાજુ ભાજપના આ ગેમ પ્લાનની ગંધ કોંગ્રેસને આવી જતાં ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. તો સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે.


ઉલ્લેખનીય છે કે આ બંને બેઠકો ભાજપ પાસે જ હતી. સંખ્યાબળની રીતે જોઈએ તો, ભાજપ પાસે 101 ધારાસભ્યો જ્યારે કોંગ્રેસ પાસે 71નું સંખ્યાબળ છે. જ્યારે બીટીપી 2, એક એનસીપી અને એક અપક્ષ ધારાસભ્ય છે.


આ સંખ્યાબળને જોતા ભાજપ ઉપરાંત કોંગ્રેસના ફાળે પણ એક બેઠક આવી શકે છે. 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં બળવો અને ક્રોસ વોટિંગ થયું હતું. આ વખતે પણ આવી સ્થિતિ ઉભી ન થાય તે માટે કોંગ્રેસ પણ ભૂલનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને માત્ર આશંકા છે કે બે બેઠકો માટે અલગ અલગ ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા આ અંગે કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે જોવું રહ્યું કે હવે કોંગ્રેસની આશંકા સાચી પડે છે કે પછી માત્ર ડર સાબિત થાય છે.