બજાર » સમાચાર » બજાર

ઉત્તરાખંડ: બરફવર્ષાથી મુશ્કેલીમાં વધારો

ના રોજ પ્રકાશિત Sat, 18, 2020 પર 15:04  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉત્તરાખંડના અનેક જિલ્લામાં ફરીથી હિમ વર્ષાની શરૂઆત થઈ. જેણે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો. કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ પણ છવાયો.

ભારે હિમ વર્ષાના કારણે બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે ફરી એક વખત બંધ થઈ ગયો. ઉત્તરકાશીમાં થઈ રહેલી હિમ વર્ષાના કારણે પહેલાં જ ઠંડી સ્થાનિકોના હાડ થીજાવી ચૂકી છે. કેટલાક વિસ્તારોમાં તો ચાર ફૂટ જેટલી હિમ વર્ષા નોંધાઈ. લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.


રસ્તાઓ પર બરફનું સામ્રાજ્ય છે એવામાં વાહનો સ્લીપ થવાનો ભય છે. લોકો કામ વિના વાહનો ચલાવવાનું ટાળી રહ્યા છે. અને મજબૂરી વશ જે રોડ પરથી પસાર થાય છે તેઓ પણ ખૂબ સાવચેતી રાખી રહ્યા છે. અનેક રસ્તાઓ પરથી તો વાહન વ્યવહાર લાંબા સમયથી બંધ છે.

ચમોલીમાં ભારે હિમ વર્ષાના કારણે તાપમાન માઈનસમાં ચાલી રહ્યું છે. જ્યાં પણ નજર પહોંચે ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો ઘરની છતો બરફથી ઢંકાઈ ગઈ છે. જોકે આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ ચમોલીમાં આવેલા સહેલાણીઓ ખુશખુશાલ જણાયા અને હિમવર્ષાનો લ્હાવો લૂંટતા દેખાયા.

નૈનિતાલ અને વિકાસનગરમાં પણ પ્રવાસીઓ મનમૂકીને કુદરતી નજારાનો લાભ ઉઠાવી રહ્યા છે. રજાઓ ગાળવા આવેલા અનેક પરિવારોના ચહેરા બરફ વર્ષાથી ખીલી ઉઠ્યા. અને પરિવાર સાથે તેઓ બરફ સાથે મસ્તી કરતા જોવા મળ્યા.

ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં બરફ વર્ષા છે, તો શુક્રવારે કેટલાક મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ પણ છવાયો. હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસો આ જ રીતે વરસાદ અને હિમ વર્ષાનું પ્રમાણ વધવાની આગાહી કરી છે.