છેલ્લા અઠવાડિયા કરતાં વધુ સમયથી રાજ્યમાં પડી રહેલી ગાત્રો થિજાવતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદના કારણે લોકોને સ્વેટર સાથે રેનકોટ પહેરવાની પણ લોકોને ફરજ પડી છે. અમદાવાદ સહિત આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, ભાવનગર, વિસનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો.
ભરશિયાળે સર્જાયા ચોમાસા જેવાં દ્રશ્યો
હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ સહિત આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. તો, ઉત્તર ગુજરાતમાં શુક્રવારે ઉત્તર-પૂર્વ દિશાના પવન વચ્ચે ઠંડી પોણા 3 ડિગ્રી સુધી ઘટી હતી. જેને લઇ મુખ્ય 5 શહેરોનું તાપમાન 11.9 થી 13.7 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. 11.9 ડિગ્રી સાથે હિંમતનગર ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. બનાસકાંઠાના દાંતા, અંબાજી અને અમીરગઢ વિસ્તારમાં પણ હળવાં ઝાપટાંની શક્યતા છે. મહેસાણા જિલ્લામાં સાબરકાંઠા અને ગાંધીનગરની સરહદે આવતા વિસ્તારોમાં પણ હળવાં ઝાપટાં પડી શકે છે.
રવિપાકને નુકસાનની ભીતિ
બનાસકાંઠાના ડીસામાં પણ મોડી રાત્રે કમોસમી વરસાદનું માવઠું થયું છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ થયો હતો. કડકડતી ઠંડી વચ્ચે કમોસમી માવઠું થતા ઠંડીમાં પણ વધારો થયો છે. જ્યારે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. માવઠાના લીધે રવિપાકને નુકસાન થવાની ચિંતા ઊભી થઈ છે. ખેડૂતોને બટાટા, જીરું, રાયડાના પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે.
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ
પાટણ સહિતના પથંકમાં રાત્રે માવઠું પડ્યું હતું, જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. પાટણમાં શનિવારે રાત્રે કેટલાક યુવાનો ઠંડીને લઇ તાપણું કરતા હતા ત્યારે ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયો હતો. તો બીજી તરફ હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે જેના પરિવારમાં લગ્ન છે તેવા પરિવાર પણ ચિંતામાં મુકાયા હતા.