બજાર » સમાચાર » રાજકારણ

રાજયમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ થઇ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 17:16  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજયની 26 બેઠકો પરની મતગણતરીની તૈયારીઓ પૂર્ણ થઇ. 26 ચૂંટણી અધિકારી, 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાજર રહેશે. ટપાલ મતપત્રકો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાજર હશે.


ગુજરાતમાં વિધાનસભા દીઠ પાંચ વીવીપીટીની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણ-ચાર કલાક મોડું જાહેર થવાનું ચૂંટણી પંચે જણાવ્યુ છે. આવતીકાલની મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થયાનો ચૂંટણીપંચે દાવો કર્યો છે. દરેક કેન્દ્ર પર બે બે નીરિક્ષક મતગણતરી સમયે રહેશે.


અમદાવાદમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ ગુજરાત કોલેજની મુલાકાત લીધી. મતગણતરીના સ્થળે થ્રીલેયર સુરક્ષાની સાથોસાથ મત ગણતરી પર દેખરેખ રાખી શકાય તે માટે અલગથી કંટ્રોલ રુમ ઉભો કરાયો.


ગાંધીનગરમાં પણ મતગણતરીને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાયો. સ્ટ્રોંગ રૂમમાં પણ સુરક્ષા સઘન કરાઇ. 42 મત ગણતરી રૂમમાં 114 સીસીટીવીથી વોચ રખાશે. તો 18 વીડિયોગ્રાફર વીડિયોગ્રાફી કરશે.


રાજકોટના કણકોટમાં આવેલી એન્જિનીયરિંગ કોલેજમાં આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. આજથી જ મતગણતરી કેન્દ્ર પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ છે. સ્ટ્રોંગ રુમ પાસે પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.


પંચમહાલમાં લોકસભા ચૂંટણી મત ગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો. ગોધરાના છબનપુર સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી યોજાશે. 7 કાઉન્ટિંગ હોલમાં ફૂલ 98 ટેબલ ઉપર મતગણતરી યોજાશે.


આ તરફ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી કોલેજમાં મતગણતરી થશે. કેન્દ્ર પર 1500થી વધુ કર્મચારીઓ હાજર રહેશે. 7 વિધાનસભા મુજબ અલગ અલગ હોલમાં મતગણતરી કરાશે. 124 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે.


વડોદરામાં પણ મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્ર બહાર આજથી જ પોલીસની સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. ત્રણ લેયરમાં પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.