બજાર » સમાચાર » રાજકારણ

જીએસટીની પરેશાનિઓ જલ્દી થશે દૂર: અમિત શાહ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 10:16  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઈ કાલે અમદાવાદમાં ઈટીવી ગુજરાતી દ્વારા ગુજરાતની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ, બીજેપીના દિગ્ગજ ચહેરા સામેલ થયા હતા. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મંચ પર રાહુલ ગાંધીને ખૂલ્લો પડકાર કર્યો છે કે બીજેપી તો વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાનીમાં આ ચૂંટણી લડશે, પણ કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો દાવેદાર કોણ હશે?

શક્તિસિંહ ગોહિલ કે પછી ભરતસિંહ સોલંકી? સાથે જ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે ફક્ત લીડરશીપ જ નથી એમ ન માનવું જોઈએ. તેમની પાસે વિઝન પણ નથી. અમિત શાહે કહ્યું હતું કે બીજેપી 150ને પાર બેઠક લાવશે એ નિશ્ચિત છે. કોંગ્રેસ પાસે ચહેરો નથી, અને નીતિ પણ નથી. કોંગ્રેસે ચૂંટણીનું આઉટસોર્સિંગ કર્યું છે.


બીજેપી સ્પષ્ટ નીતિ સાથે વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહી છે. બીજેપી 150 બેઠક સાથે જીત મેળવશે. જીએસટી જેવા મોટા રિફોર્મની ટૂંકાગાળે નેગેટિવ અસર ચોક્કસ રહેવાની છે. જીએસટીને લગતી તમામ સમસ્યાનો ઉકેલ લાવવાની નિરંતર કોશિશ છે. એક વર્ષમાં જીએસટીને લગતી તમામ સમસ્યાનો ઉકેલ આવી જશે.

વિજય રૂપાણીનું કહેવુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસના એજન્ડા સાથે ચૂંટણીઓ લડી છે. પહેલાં જાતિ-જ્ઞાતિવાદ હતો, હવે વિકાસનો એજન્ડા છે. ઉત્તર પ્રદેશ, હરિયાણામાં કોંગ્રેસની રણનીતિ કામ ન લાગી, વિકાસ જીત્યો છે.