ટેક્સ પ્લાનિંગ: ડિવિડન્ડની આવક ઉપરના ટેક્સ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 10:16  |  સ્ત્રોત : CNBC-Bajar

નવી યોજનામાં કોઇ છૂટ ન લઇને લાભ લેવાનો છે તો તેમાં ટેક્સ ફ્રી આવક ઉપર પણ ટેક્સ ભરવાનો રહે?


પીપીએફનું વ્યાજ, જીવનવીમા પોલિસીની પાકતી મુદ્દતે મળતી રકમ અને ટેક્સ ફ્રી બોન્ડ ઉપર મળતું વ્યાજ કરમુક્ત છે. જૂની સ્કીમમાં કે નવા ટેક્સ રિજિમમાં પીપીએફનું વ્યાજ સહિતની કરમુક્ત આવક કરમુક્ત જ રહેશે. નવા ટેક્સ રિજિમમાં ટેક્સ ફ્રી બોન્ડ પર મળતું વ્યાજ પણ કરમુક્ત જ ગણાશે.


ડિવિડન્ડમાં 10લાખ રૂપિયા સુધીની છૂટ અને ડિવિડન્ડની આવક ઉપરનો ટેક્સ?


10 લાખ રૂપિયા ઉપરના ડિવિડન્ડ ટેક્સ તો હાઇ નેટવર્થ ઇન્વેસ્ટર્સ માટે હતો. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સને નાબુદ કર્યા બાદ સરકારે મળવાપાત્ર વ્યક્તિને ડિવિડન્ડ ઉપર કરવેરો આપવાનો છે. 10 લાખ રૂપિયા સુધીની રકમની કરમુક્તિની જોગવાઇ પણ નાબુદ થઇ ગઇ છે.


ડિવિડન્ડની 1 રૂપિયાની આવક હશે તો તે પણ કરપાત્ર ગણાશે. 5000થી વધુ રકમનું ડિવિડન્ડ કંપની કે મ્યુચ્યુઅલ ફંડ ચૂકવે તો તેના પર 10 ટકાના દરે ટીડીએસ કરાશે. જો કે ડિવિડન્ડની સાથે 5 લાખની મર્યાદામાં કુલ આવક રહેશે તો તેના ઉપર ટેક્સ ભરવાનો થશે નહીં.


ડિવિડન્ડ ઉપર ટીડીએસની જોગવાઇ છે તો તેમાં વ્યાજમાં 15જી અને 15એચ આપી શકે છે તેવી જોગવાઇ ડિવિડન્ડમાં ખરી?


આવકવેરા કાયદાની કલમ 197એ હેઠળ સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે. જેમાં 15જી અને 15એચ વ્યાજ સંબંધિત આવકની જોગવાઇ માટે આપી શકે છે. જો કોઇ વ્યક્તિની આવક કુલ આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે તો ડિવિડન્ડ માટે પણ ફોર્મ 15જી આપી શકશે. સિનિયર સિટીઝન માટે થોડી વધુ રાહત છે. સિનિયર સિટીઝનની કુલ કરપાત્ર આવક ઉપર કોઇ ટેક્સ ભરવાનો થતો ન હોય તો તે 15 એચ આપી શકે છે.


જ્યારે સિનિયર સિટીઝનને 5 લાખ રૂપિયાની અંદર કુલ આવક રહેશે તો ફોર્મ 15એચ આપી શકે છે. ઇન્કમ ફોર્મ અધર સોર્સમાં ખર્ચને બાદ આપવાની જોગવાઇ છે. ડિવિડન્ડને કરપાત્ર ગણ્યું છે પરંતુ તે ડિવિડન્ડની કમાણી માટે કોઇ લોન લીધી છે અને તેના ઉપર વ્યાજ ચૂકવ્યું છે. લોન લીધેલી કુલ રકમ ઉપરનું વ્યાજ 20 ટકાથી વધુ બાદ નહીં મળી શકે.


ડિવિડન્ડની યોજનામાં એનઆરઆઇ ખુશ છે તો તેમના માટે શું ખાસ છે?


કોઇ એનઆરઆઇએ ભારતના સ્ટોકમાર્કેટમાં રોકાણ કર્યું છે તેમાં તેને ડિવિડન્ડ આવક થાય છે. જ્યારે વિદેશમાં આ ડિવિડન્ડની આવક કરપાત્ર રહે છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની ચૂકવણી પર કોઇ સેટઓફ મેળવી શકાતો ન હોતો. પરંતુ હવે ભારતમાં ડિવિડન્ડ ઉપર જે ટેક્સ ભર્યો છે તેના ઉપર સેટઓફ લઇ શકાશે.


પરંતુ અમેરિકા, યુકે કે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં વસતાં એનઆરઆઇએ ડિવિડન્ડની આવક ઉપર ટેક્સ ભરવાનો થતો હતો. હવે આ દેશના એનઆરઆઇને ડિવિડન્ડની આવકનો ટેક્સ તેમના દેશમાં સેટઓફ મેળવી શકશે. આ જોગવાઇ બાદ વધુ વિદેશી રોકાણ આવવા માટેની સરકારને અપેક્ષા છે.


80ઇઇમાં હાઉસિંગ લોનમાં વધારાના વ્યાજ મુક્તિ હતી તે આ વખતે મળશે?


જુલાઇ 2019માં કહ્યું હતું કે એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા અનુસારનું પ્રથમ ઘરની ખરીદી કરતાં વ્યક્તિની હોમ લોન વ્યાજમાં વધારાની મુક્તિ આપી હતી. આ યોજનાની 31 માર્ચ 2021 સુધી મર્યાદા વધારવામાં આવી છે. આ યોજના અંતર્ગત કલમ 24 હેઠળ 2 લાખ રૂપિયા અને 80ઇઇ હેઠળ વધારાના 50 હજાર રૂપિયાની કપાતનો લાભ લઇ શકશે.


જંત્રી કિંમતમાં એક સુધારો આવ્યો છે તો એ શું છે?


સ્થાવર મિલકતનું વેચાણ જંત્રી કિંમત કરતાં ઓછી કિંમતે વેચવામાં આવે તો તફાવતની રકમને ડિમ્ડ કેપિટલ ગેઇન ટેક્સ ગણવામાં આવશે. આ પ્રકારના વેચાણમાં 5 ટકા સુધીનું વેરિએશન માન્ય રાખવામાં આવતું હતું. તેમાં હવે 10 ટકાનું વેરિએશન માન્ય કરવામાં આવ્યું છે. જો કે આ 10 ટકાનું વેરિએશન એપ્રિલ 2020 બાદના સોદા પર માન્ય ગણાશે.


આવકવેરા કાયદાની કલમ 194સી હેઠળ પણ બે મહ્ત્ત્વના સુધારા થયા છે તો એ શું છે?


કોઇપણ સેવા કે કામ માટેના કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે તેના ઉપર ટીડીએસની જોગવાઇ છે. જો કોઇ ટેક્નિકલ સર્વિસ આપવામાં આવી હોય તો તેના ઉપર 2 ટકા ટીડીએસ છે. જ્યારે પ્રોફેશ્નલ સર્વિસમાં 10 ટકાનો ટીડીએસ કરવાની જોગવાઇ છે.


આગામી વર્ષથી ફીસ ફોર ટેકનિકલ સર્વિસ માટે છે તેના ઉપર 2 ટકા જ ટીડીએસ થશે. 194સીમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેકચરિંગમાં થર્ડ પાર્ટી પાસેથી માલ લઇને જોબવર્ક કરે તો ફક્ત જોબવર્કની રકમ ઉપર ટીડીએસ થતો હતો. આમાં હવે રીલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન ઉપર પણ 194સી અંતર્ગત ટીડીએસ કરવાની જોગવાઇ કરી છે.