ટેક્સ પ્લાનિંગ: ડિમોનેટાઈઝેશન બાદ દર્શકોનાં સવાલ

ના રોજ પ્રકાશિત Sat, 26, 2016 પર 16:16  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા વિભાગને કાળા નાણાં નાથવાની કાર્યવાહી સાથે  સીધો સંબંધ છે. આવકવેરા વિભાગના મતે રોકડમાં રકમ જમા થાય ત્યારે તેનું ઉદભવ સ્થાન કાળા નાણાં હોઇ શકે. પરિણામે નોટબંધીની સમગ્ર પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે સરકારે નાના માણસોના મનમાં શંકા-કુશંકા ન રહે તેનું ધ્યાન રાખ્યું છે.

ભારતીય પરંપરા અનુસાર નાની બચત પરિવારના સભ્યો કરતાં હોય છે, આ તમામને સુરક્ષા આપવાનો અભિગમ સરકારે રાખ્યો છે. સરકારે પણ ઉદાર અભિગમ સાથે અઢી લાખ રૂપિયા સુધીની રકમ વ્યક્તિના ખાતામાં જમા થાય તેના સંદર્ભમાં આવકવેરા ખાતુ તપાસ કરશે નહીં તેવી હૈયાધારણ આપી છે. અપવાદ રૂપ કોઇ કિસ્સામાં જો કોઇ ગેરરીતિ લાગશે તો તેના અંગેની વિગતો માંગવામાં આવશે. અઢી લાખથી વધારે હશે તો આવકવેરા વિભાગ પ્રશ્નો પૂછી શકે છે, પરંતુ જે વધારાની રકમ ડિપોઝિટ કરી છે તેના અંગેનો જવાબ સંતોષકારક આપી શકો તો ચિંતાનું કોઇ કારણ નથી.

આવકવેરા વિભાગના ઉદાર અભિગમ સાથે એવી પણ પ્રેસ રિલીઝ કરવામાં આવી છે કે આવકવેરા વિભાગની બાજ નજર રહેશે જેમાં લોકો પોતાના નાણાં થર્ડ પાર્ટી એકાઉન્ટમાં જમા કરતાં હોય. બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ અનુસાર કડકમાં કડક પગલાં લઇ શકાય છે, જેમાં દંડ, મિલકત-નાણાંની જપ્તીથી માંડીને 7 વર્ષ સુધીની સજા પણ થઇ શકે છે. આવકવેરા ખાતાનો અભિગમ એ છે કે ગરબડ કરનેવાલો કો છોડેંગે નહીં ઔર ઇમાનદારો કો છેડેંગે નહીં.

સવાલ: કોઇ એક વ્યક્તિના એક જ પાન નંબર ઉપર કરન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ છે, કરન્ટ એકાઉન્ટ પ્રોપરાઇટરી વ્યવસાય માટે ઉપયોગમાં લે છે જ્યારે સેવિંગ એકાઉન્ટ પર્સનલ ઉપયોગમાં લે છે તો પ્રશ્ન એ છે કે આ બંને એકાઉન્ટમાં કેટલી રકમ ભરવાથી રડાર ઉપર ન આવીએ?

જવાબ: આવકવેરા કાયદાના નિયમ 114E હેઠળ એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન(AIR) હાઇ વેલ્યુ ટ્રાન્ઝેક્શન માટે ફાઇલ કરવામાં આવે છે. અત્યાર સુધીના નિયમ અનુસાર કોઇ સેવિંગ એકાઉન્ટમાં 10 લાખ રૂપિયાથી વધુ અને કરન્ટ એકાઉન્ટમાં 50 લાખ રૂપિયાથી વધુ રકમ રોકડમાં જમા કરાવવામાં આવે તો AIR અંતર્ગત રિટર્નમાં આવા વ્યવહારોનું રિપોર્ટિંગ કરવામાં આવે. હાલની સ્થિતિને જોતાં એમાં સુધારો એ કરવામાં આવ્યો છે કે 9મી નવેમ્બર 2016થી 30મી ડિસેમ્બર 2016ના સમયગાળામાં સેવિંગ એકાઉન્ટમાં 2.5 લાખ અને કરન્ટ એકાઉન્ટમાં 12.5 લાખથી વધુ રોકડ રકમ જમા કરાવવામાં આવે તો AIR દ્વારા આનું રિપોર્ટિંગ 31મી જાન્યુઆરી 2017 સુધીમાં કરવામાં આવશે.

સવાલ: 50 હજાર રૂપિયાથી વધુની રકમ પાન નંબરની વિગત સાથે રિપોર્ટિંગ કરાશે તે અંગે દર્શકોને કન્ફ્યુઝન છે તે અંગેની સમજ આપશો?

જવાબ: આવકવેરા કાયદાના નિયમ 114Bની પ્રવર્તમાન જોગવાઇ અનુસાર 50 હજાર રૂપિયાથી વધુની રકમ જમા કરાવવા માટે પાન નંબર જરૂરી હતો. જેમની પાસે પાન નંબર નથી તેઓ ફોર્મ 60  ભરીને બેન્કનું ખાતું ખોલાવી શકે છે. આવકવેરા કાયદાના નિયમ 114Bમાં સુધારો કરવામાં આવ્યો છે કે 9મી નવેમ્બરથી 30મી ડિસેમ્બર 2016 સુધીના સમયગાળામાં અઢી લાખ રૂપિયાથી વધુ રકમ ભરવાની હોય તો તે પાન નંબર વગર જમા કરી શકાશે નહીં અથવા તો તેનું રિપોર્ટિંગ સંપૂર્ણપણે કરવામાં આવશે. રિપોર્ટિગ ત્યારે જ થશે જ્યારે અઢી લાખ રૂપિયાથી વધુની રકમ હશે, પરંતુ બેન્કમાં એકસાથે રકમ જમા કરાવવા માટે 50 હજાર રૂપિયાથી વધુ રોકડ ડિપોઝિટ કરાવવી હોય તો પાન નંબર આપવો ફરજિયાત છે.

સવાલ: પગારદાર વર્ગને પ્રશ્ન છે કે તેમના પગાર બેન્કમાં ઇન્કમ ટેક્સની કપાત બાદ જ જમા થાય છે તો હવે તે બેન્કમાં અઢી લાખ રૂપિયા જમા કરે છે તો તેને આવકવેરા વિભાગની કોઇ ઇન્કવાયરી આવી શકે છે?

જવાબ: પગારદારો એમ માને કે અમારી વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી વધુ છે તો અમારા ખાતામાં અઢી લાખ રૂપિયા કરતાં વધુ રકમ જમા ન થઇ શકે તે સમજ ખોટી છે. પગારદાર વર્ગને કોઇપણ વાર્ષિક આવક હોય પરંતુ હાલ અઢી લાખ રૂપિયાની જમા થતી રકમ તેને સાથે કોઇ નિસ્બત નથી. આ અઢી લાખ રૂપિયાની રોકડ ડિપોઝિટને આપની બચત તરીકે માનવામાં આવશે.

સવાલ: વાર્ષિક આવક 5.25 લાખ રૂપિયા છે તે અઢી લાખ રૂપિયા ભરે તેમને આવકવેરાની જવાબદારી વધશે?

જવાબ: સિનિયર સિટિઝન, ગૃહિણી, પુખ્ત વયના સંતાન, રોકાણકારો કે પગારદાર વર્ગને અઢી લાખ રૂપિયા સુધીની રકમ તેમના વ્યક્તિગત ખાતામાં જમા કરાવવામાં આવે તે બચત તરીકે ગણી શકાય. ધારો કે એક સંયુક્ત કુંટુંબ છે જેમાં એક પગારદાર વ્યક્તિ, સિનિયર સિટિઝન, પત્ની અને પુખ્ત વયના સંતાનો છે તો તેમના દરેકના ખાતામાં જો અઢી લાખ રૂપિયા જમા કરાવવામાં આવે તો તેમાં તપાસ નહીં થાય તે અંગે કોઇ સંશય કે શંકા રાખવાની જરૂર નથી.

સવાલ: એનઆરઆઇનો પ્રશ્ન છે કે અઢી લાખ રૂપિયા તે જમા કરાવી શકે છે તો તેમણે નાણાં જમા કરાવવા માટે પોતે હાજર રહેવું પડે કે એમના વતી કોઇ જમા કરાવી શકે?

જવાબ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેમની વેબસાઇટ પર સ્પષ્ટ કર્યું છે કે કોઇપણ જવાબદાર વ્યક્તિને ઓથોરિટી લેટર આપીને અને પાન નંબરની વિગતો આપીને રકમ એનઆરઆઇ જમા કરાવી શકે છે.

સવાલ: હું એનઆરઆઇ છું અને વિદેશમાં મારી પાસે ભારતીય નાણાં છે તે હું અહીંની ભારતીય બેન્કમાં જમા કરાવી શકું અને જો વિદેશની બેન્કમાં જમા ન થઇ શકે તો ભારત પરત આવતાં સમયે હું કેટલી રોકડ સાથે લાવી શકું?

જવાબ: એનઆરઆઇ એમ માને કે અમેરિકામાં એસબીઆઇમાં રકમ જમા કરાવી દે પરંતુ નિયમ અનુસાર ભારતીય બેન્ક વિદેશમાં ભારતીય કરન્સીમાં ડીલ કરી શકતી નથી. ભારતમાં પરત આવતાં સમયે નાણાં પરત લાવવાની મર્યાદા 25 હજાર રૂપિયા સુધીની છે.

સવાલ: એક સિનિયર સિટિઝને ઓપરેશન માટે ઓક્ટોબર મહિનામાં બેન્કમાંથી 7 લાખ રૂપિયાનો ઉપાડ કર્યો છે, પરંતુ આઠમી નવેમ્બરની જાહેરાત બાદ તેમણે આ જૂની નોટ બેન્કમાં પરત જમા કરાવવી છે તો તેમના ઉપર કોઇ ઇન્કવાયરી આવી શકે?

જવાબ: આપણાં સિનિયર સિટીઝનને ચિંતાનું કોઇ કારણ નથી. અઢી લાખ રૂપિયાથી વધારાની રકમ જમા કરાવવા સંબંધિત આવકવેરા વિભાગ પ્રશ્ન જરૂર પૂછી શકે. પરંતુ પ્રશ્નના જવાબમાં તમે ખુલાસો આપી શકો કે ડિમોનેટાઇઝેશન પહેલાં આ નાણાં બેન્કમાંથી ઉપાડ્યા હતા અને ત્યારબાદ ખર્ચ ન કરી શકાતાં તે રકમ પરત બેન્કમાં જમા કરાવી છે. અર્થાત અઢી લાખ રૂપિયાથી વધુ જે નાણાં જમા કરાવવામાં આવ્યા છે તેની વિગતો કે ખુલાસો આપી શકો તો કોઇ મુશ્કેલી રહેશે નહીં.