ટેક્સ પ્લાનિંગ: આવક્વેરા રિટર્ન અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 07, 2017 પર 17:27  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદાની કલમ 139 મહત્ત્વની કલમ છે આવકવેરા રિટર્ન ભરવા અંગે છે. આવક હોય કે ન હોય, નુકસાન હોય તો પણ રિટર્ન ભરવું અમુક કિસ્સામાં ફરજિયાત છે. કંપની એક્ટ હેઠળ રજિસ્ટ્રર્ડ કંપનીનું અસ્તિત્ત્વ છે ત્યાં સુધી કોઇ કામગીરી કરતી ન હોય, નુકસાન કરતી હોય, મૃતઃપ્રાય હોય તો પણ તેમણે રિટર્ન ભરવું ફરજિયાત છે.


ભાગીદારી પેઢીમાં પ્રવૃત્તિ નથી કરતાં કે ધંધો કરતા નથી તેમ છતાં જ્યાં સુધી ભાગીદારી પેઢી હયાત છે. ત્યાં સુધી આવકવેરા કાયદાની કલમ 139 હેઠળ તેમણે પણ રિટર્ન ભરવું ફરજિયાત છે. આવકવેરા રિટર્ન ભરવામાં ચૂક કરવામાં આવે તો તેના અંગેની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.


ચેરિટેબલ ટ્રસ્ટને પણ કરમુક્તિ કે કર કપાતની જોગવાઇઓ છે તેને લક્ષમાં લીધા સિવાયની ગ્રોસ ઇન્કમ ધ્યાનમાં લેવાની છે. જો ચેરિટેબલ ટ્રસ્ટની ગ્રોસ ઇન્કમ 2.5 લાખ રૂપિયાથી વધુ હોય તો તેમણે આવકવેરા રિટર્ન ભરવું ફરજિયાત છે. વ્યક્તિ અને એચયુએફના કેસમાં સામાન્ય મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયા છે.


સિનિયર સિટિઝન માટે 3 લાખ અને સુપર સિનિયર સિટીઝન માટે 5 લાખ રૂપિયા સુધીની મુક્તિ મર્યાદા છે. મુક્તિ મર્યાદાના સંદર્ભમાં જે ગણતરી કરવામાં આવે છે તેમાં કલમ 139 અનુસાર કુલ ગ્રોસ આવકને લક્ષમાં લેવાની છે. કલમ 80સી સહિતની અન્ય કપાતોનો લાભ ગણ્યા વગરની આપની કુલ આવક મુક્તિ મર્યાદાથી વધુ છે તો આવકવેરા રિટર્ન ભરવું ફરજિયાત છે. 


આકારણી વર્ષ 2017-18થી એક નવી જોગવાઇ કુલ ગ્રોસ આવકના સંદર્ભમાં ઉમેરવામાં આવી છે. દ્રષ્ટાંત તરીકે કુલ ગ્રોસ આવક કપાતને લક્ષમાં લીધા સિવાય 2.25 લાખ રૂપિયાની આવક છે. પરંતુ આ ઉપરાંત વધારાનો 1.5 લાખ રૂપિયાનો એસટીટી પેઇડ લાંબાગાળાનો મૂડીનફો થયો છે. તો આ સ્થિતિમાં ગત નાણાંકીય વર્ષમાં આવકવેરા રિટર્ન ભરવામાં ન આવે તો તે માન્ય હતું.


આકારણી વર્ષ 2017-18થી કુલ ગ્રોસ આવકની ગણતરીમાં શેરબજારનો લાંબાગાળાનો મૂડીનફો હોય તો તેને રિટર્ન ભરતાં સમયે ધ્યાનમાં લેવો જરૂરી રહેશે. જો કે આ લાંબાગાળાનો મૂડીનફો કરમુક્ત રહેશે પરંતુ આવકવેરા રિટર્ન ભરવું ફરજિયાત છે. ભારતની બહાર વિદેશમાં આવક ઉદ્દભવતી હોય પરંતુ ભારતમાં કુલ ગ્રોસ આવક આવકવેરા મુક્તિ મર્યાદાથી વધુ આવક ન હોય એવા કેસમાં ભારત બહારની આવક અને બેન્ક ખાતાની આવક ઉપર ટેક્સ ભરવાનું ટાળવામાં આવતું હતું.


તેથી ભારત બહાર તમે કોઇપણ મિલક્ત જેમ કે શેર-સિક્યોરિટી, સ્થાવર મિલકત ધરાવતાં હોય તો રિટર્ન ભરવું ફરજિયાત છે તેવી જોગવાઇ કરવામાં આવી છે. પહેલાં તો ફક્ત પેપર રિટર્ન ભરવાની જ પ્રોસેસ કરવાની રહેતી હતી. ઇ-ફાઇલિંગમાં 24 કલાકમાં ગમે ત્યારે ગમે ત્યાંથી રિટર્ન ફાઇલ કરી શકો છો. મોટાંભાગના કરદાતાઓનો સમાવેશ ઇ-ફાઇલિંગમાં થઇ ગયો છે.


પરંતુ બે કેટેગરીમાં આવકવેરા વિભાગ દ્વારા અપવાદ આપવામાં આવ્યો છે. જેમાં 80 વર્ષથી ઉપરના અર્થાત સુપર સિનિયર સિટિઝનને ફરજિયાત ઇ-રિટર્ન ફાઇલિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. બીજો અપવાદ એ છે કે 5 લાખ રૂપિયાથી ઓછી કરપાત્ર કે કુલ આવક હોય અને જો કોઇ રિફંડ લેવાનું નથી તો તેમને પણ ઇ-રિટર્ન ફાઇલિંગ કરવું ફરજિયાત નથી. કાયદા હેઠળ કોઇપણ દસ્તાવેજ સિગ્નેચર કર્યા વગર માન્ય ગણાતું નથી.


પહેલાં આઇટીઆર-વી કોપી ડાઉનલોડ કરી ઇ-રિટર્ન ફાઇલ કર્યા બાદ કુરિયર કે પોસ્ટમાં 120 દિવસના સમયગાળામાં સીપીસીને મોકલવાનું રહેતું હતું. ત્યારબાદ ઇ-રિટર્ન ફાઇલિંગ સાથે એનએસડીએલ દ્વારા ડિજિટલ સિગ્નેચર માટેનો ઓપ્શન શરૂ કરવામાં આવ્યો છે. કંપનીના કેસમાં તમામ રિટર્ન ભરવા ડિજિટલ સિગ્નેચર ફરજિયાત છે. ભાગીદારી પેઢી અને ટેક્સ ઓડિટને પાત્ર હોય તેવા તમામ કરદાતા માટે ડિજિટલ સિગ્નેચર ફરજિયાત છે.


જ્યારે અન્ય કરદાતાઓ આઇટીઆર-વી ડાઉનલોડ સિગ્નચેર કરીને સીપીસી ખાતે 120 દિવસમાં મોકલવાનું રહેશે. સીબીડીટીએ તાજેતરમાં આધાર કયા કિસ્સામાં ફરજિયાત નહીં રહે તેનો ખુલાસો સર્ક્યુલર બહાર પાડીને કર્યો છે. 80 વર્ષથી ઉપરની ઉંમરના સુપર સિનિયર સિટિઝન માટે પણ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિન્ક કરવામાંથી મુક્તિ આપી છે.


આવકવેરા કાયદા હેઠળ કરદાતા બિનરહીશ છે તો તેમને આધાર લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ભારત બહારના વિદેશી નાગરિકોને પણ આધાર કાર્ડના લિન્કિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય પહેલી જુલાઇ 2017 બાદ આવકવેરા રિટર્ન ભરવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કરવું ફરજિયાત રહેશે.