ટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 16, 2016 પર 18:03  |  સ્ત્રોત : CNBC-Bajar

ઘર વસાવવાની સાથે કરવેરા આયોજનનો સમનવય કરદાતા માટે આદર્શ પરિસ્થિતી હોય છે. ઘણા કરદાતચા માને છે કે રહેઠાણનાં ઘર પર કોઇ કરવેરા લાગે નહીં પરંતુ અંગત રહેઠાણનાં ઘરને પણ આવકવેરા રિટર્નમાં દર્શાવવુ જરૂરી આવકવેરા કાયદા આવે છે. હેઠળ અંગત રહેઠાણનું ઘર એક જ હોયતો તેનુ મૂલ્ય 0 ગણવાની જોગવાઇ છે. જ્યારે એકથી વધુ રહેઠાણનાં ઘર હોય અને ભાડે આપ્યુ હોયતો જે આવક થાય તે આવકવેરા કાયદા હેઠળ ગણાવામાં આવે છે.


આવકવેરા કાયદા હેઠળ માની લીધેલી વ્યાજબી આવક ભાડાની આવક તરીકે આવકવેરા રિટર્નમાં દર્શાવવી જરૂરી છે. કેટલાક કરદાતા પોતાનાં નાણાં રોકી ઘર ખરીદે છે પરંતુ તેની નોંધણી પત્નીનાં નામે કરાવે છે તેમ છતા તેમને કરવેરો ભરવો પડી શકે છે. કારણ કે આવકવેરા કાયદા અનુસાર મિલકતમાં ફક્ત માલિકી નહી નાણાં કોણે ચુકવ્યા છે તેને પણ આધાર માનવામાં આવે છે કોઇ પણ મકાનમાં પતિ-પત્ની બન્નેએ રોકાણ કર્યું હોયતો બન્નેની આવકમાં તેની ગણતરી કરવામાં આવે છે.


એક મકાનના સંદર્ભમાં તેનું વાર્ષિક મૂલ્ય 0 ગણાશે પરંતુ એ સિવાયના આવકવેરાનાં લાભ મળે છે. મકાન ખરીદવા કે બાંધકામ માટેની લોન લીધી હોયતો તેના વ્યાજ પર કપાતનો લાભ મળી શકે છે. પહેલા આ કપાત રૂપિયા 1.5 લાખની હતી હવે આ મર્યાદા રૂપિયા 2 લાખની કરવામાં આવી છે. આ ઉપરાંત નાણાંકિય સંસ્થા કે બેન્ક પાસેથી લોન લીધી હોય તેમાં લોનની મૂડીની ચૂકવણી કરતા હોયતો તેનો લાભ કલમ 80C હેઠળ મળી શકે છે. મકાન ખરીદી વખતે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશનનાં સંદર્ભમાં પણ કલમ 80C હેઠળ કરકપાતનો લાભ મળે છે.


વ્યાજની કપાતનો લાભ બેન્ક, નાણાંકીય સંસ્થા કે એમ્પ્લોયર કંપની પાસેથી લોન લીધી હોયતો જ મળે તેવુ નથી. જો કરદાતાએ કૌટુંબિક વ્યક્તિ પાસેથી હાઉસિંગ લોન લીધી હોય તો તેના પર વ્યાજ ચૂકવવા પાત્ર હોય તો તેના ઉપર પણ કપાતનો લાભ મળી શકે છે. જો પતિ-પત્ની બન્ને કરપાત્ર આવક ધરાવતા હોયતો બન્ને સંયુક્ત લોન લઇ શકે છે. ત્યારબાદ બન્ને જણ હપ્તાની ચૂકવણી કરશે તો તે બન્ને વ્યાજની કપાતનો લાભ લઇ શકશે. કેટલાક કિસ્સામાં જૂની લોન ક્લોઝર માટે નવી લોન લઇને ચૂકવણી થાય છે. આ કિસ્સામાં પમ વ્યાજની કપાતનો લાભ કરદાતાને મળી શકે છે.


સરકારી કર્મચારીઓને હાઉસ બિલ્ડિંગ એડવાન્સ મળે છે પરંતુ આવા કરદાતાને પણ વ્યાજની કપાતનો લાભ આવકવેરા કાયદા હેઠળ મળે છે. કૌટુંબિક વ્યક્તિ પાસેથી લીધેલી લોનમાં જો વ્યાજની ચૂકવણી ન કરી હોયતો તેના પર પણ વ્યાજની કપાતનો લાભ મળી શકે. કારણ કે આવકવેરા કાયદાની કલમ 24 હેઠળ ચૂકવવા પાત્ર વ્યાજની ગણતરીએ હાઉસિંગ લોન અંતર્ગત મળી શકે છે.


ઘણા કરદાતા એમ માને છે કે હાઉસિંગ લોન મળી ગઇ છે પરંતુ મકાનનું પઝેશન મળવાને 2-3 વર્ષનો સમય બાકી હોયતો તેના પર વ્યાજની કપાતનો લાભ ન મળે કારણ કે આવકવેરા કાયદા અનુસાર બાંધકામના સમયે ચુકવવામાં આવતા હપ્તા પર કપાતનો લાભ મળશે નહી. આવકવેરા કાયદાની કલમ 24ની જોગવાઇ અનુસાર આ પ્રકારના કિસ્સામાં 5 વર્ષના સમાન હપ્તા ગણીને તેને પઝેશન મળ્યાબાદના 5 વર્ષમાં રાઇટ-ઓફ કરી શકો.


એકથી વધુ ઘર હોયતો તેવા કિસ્સામાં તેમાનુ કોઇ એક ઘર અંગત રહેઠાણનું દર્શાવી આવકવેરા કપાતનો લાભ લઇ શકો. પંરતુ જો તમે મકાન ભાડે નહી આપ્યું હોયતો બીજા મકાનના સંદર્ભમાં કાલ્પનિક ભાડાની આવક ગણવામાં આવશે. આવા કિસ્સામાં બીજા મકાન માટેનો મ્યુનિસિપલ ટેક્સ ભર્યો તે બાદ મળશે. બીજા મકાનના વ્યાજની ચૂકવણી ભાડાની આવકની સાથે સેટ ઓફ કરી શકો છો.


કાલ્પનિક કે વાસ્તવિક ભાડાની આવકમાં અન્ય ખર્ચ સેટ ઓફ કર્યા બાદની રકમ પર 30% સ્ટાન્ડર્ડ ડિડકશન તરીકે બાદ મળશે. આ બધી કપાતનો લાભ લીધા બાદ પણ ભાડે આપેલ મકાન ઉપર વ્યાજની ચૂકવણી સહિતનું જે નુકસાન ઉદ્દભવે તેને આપની અન્ય કરપાત્ર આવક સાથે સેટ ઓફ કરી શકો. આ ઉપરાંત સેટ ઓફ કર્યો પછી પણ નુકસાન હોય તો તેને આગામી આઠ વર્ષ સુધી આપની મકાન-મિલકતની કરપાત્ર આવક સાથે સેટ ઓફ કરી શકો છો.