ટેક્સ પ્લાનિંગ: આવકવેરા આકારણી અંગે માહિતી

ના રોજ પ્રકાશિત Fri, 22, 2016 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા રિટર્ન ભર્યા બાદ કોમ્યુટરાઇઝ પ્રોસેસિંગ સેન્ટરમાં રિટર્ન પ્રોસેસ થાય છે. આવકવેરા કાયદાની કલમ 143 પેટાકલમ 143(1)(a) હેઠળ રિટર્ન સ્વીકારવામાં આવ્યું છે તેનું ઇન્ટિમેશન આપવામાં આવે છે. ત્યારબાદ આપને જો રિફંડ મળવાપાત્ર હોય તો તે અંગેની વિગતો આપવામાં આવે છે.


આ ઉપરાંત તમારા રિટર્નમાં કોઇ ખામી રહી હોય તો તે અંગેની વિગતો આપવામાં આવે છે. જેમાં જો કોઇ ટેક્સ ડિમાન્ડ રહેતી હોય તો તે મુદ્દે ઇન્ટિમેશન આપવામાં આવે છે. આ પ્રોસેસ સીપીસી દ્વારા ઇ-મેલ અને પત્ર થકી મોકલવામાં આવે છે.


સીપીસીની આ પ્રક્રિયા મહત્તમ એક વર્ષમાં સમયગાળા કરવામાં આવે છે. જો કરદાતાનો કેસ સ્ક્રૂટીની માટે પસંદ કરવામાં આવે છે તો સ્ક્રૂટીની એસેસમેન્ટની કાર્યવાહી કરવામાં આવે છે. જે અંગે આવકવેરા કાયદાની કલમ 143(3) હેઠળ નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવે છે. આવકવેરા વિભાગ દ્વારા જે રિટર્ન સ્વીકારવામાં આવે છે તેમાંથી 90-95 ટકા રિટર્ન આ સમરી એસેસમેન્ટમાં સ્વીકારી લેવામાં આવે છે.

આકારણી વર્ષ 2015-16નું રિટર્ન કરદાતાએ ભર્યું હોય તો એ રિટર્નની સ્ક્રૂટીની માટે પસંદ કરવામાં આવે તે સંબંધિત નોટિસ આકારણી વર્ષ પૂર્ણ થયાના 6 મહિનામાં આપવાની રહેશે. અર્થાત આકારણી વર્ષ 2015-16 માટેની નોટિસ 31 માર્ચ 2016થી 6 મહિના એટલે સપ્ટેમ્બર 2016 સુધીમાં નોટિસ બજાવવાની રહે. જો આ 6 મહિનામાં સ્ક્રૂટીની અંગેને કોઇ નોટિસ નથી આવતી તો આપને નિરાંત રહેશે કે આપનો કેસ સ્ક્રૂટીની માટે પસંદ થયો નથી.

કરદાતા મિસચીફ અને અનહેલ્ધી પ્રોસેસનો ભોગ બનતાં હતા, પરંતુ હવે સ્થિતિ વધુ પારદર્શક થઇ છે. સીબીડીટી દ્વારા પારદર્શકતા લાવવા માટે તપાસ માટેની 3 પ્રકારની પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. જેમાં પ્રથમ પદ્ધતિ લિમિટેડ સ્ક્રૂટીની રહેશે. કોમ્યુટર એસેસિટેડ સિસ્ટમના આધારે રેન્ડમ પસંદગી કરવામાં આવે છે. આ માટેની માર્ગદર્શક રૂપરેખા એવી છે જેમ કે મોટી રકમની કોઇ જમીન વેચી હોય અને મૂડીનફો થયો હોય, કોઇ મોટી કપાત માગી છે કે કોઇ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યુ હોય.


આ પ્રકારના કિસ્સામાં ચોક્કસ મુદ્દા માટે લિમિટેડ સ્ક્રૂટીનીમાં સ્પષ્ટ એક, બે કે ત્રણ કારણોની ક્વેરી કરવામાં આવશે. આ અંગેની વિગતો તમે રજૂ કરો તેની તપાસણી બાદ આપની લિમિટેડ સ્ક્રૂટીનીની પ્રોસેસ પૂર્ણ થઇ ગણાય. લિમિડેટ સ્ક્રૂટીની માટેની નોટિસનો એક ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં આકારણી અધિકારી અને કરદાતાએ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના રહેશે તેની વિગતો આપવામાં આવી છે.


ઇ-એસેસમેન્ટનો એક પ્રયોગ ગત આકારણી વર્ષમાં કરવામાં આવ્યો હતો જે આ વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ઇ-એસેસમેન્ટ એટલે કે ઇ-મેઇલ દ્વારા વિગતોનો ખુલાસો માગવામાં આવશે જે કરદાતા આકારણી અધિકારીને ઇ-મેઇલ ઉપર જવાબ આપીને એસેસમેન્ટ કરી શકે છે.


આ ઉપરાંત ઇ-એસેસમેન્ટના બદલે જો કરદાતા આકારણી અધિકારી સમક્ષ હાજર રહીને સ્ક્રૂટીનીની પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે તો તે પણ કરી શકાશે. આ અભિગમમાં પશ્ચિમના દેશોમાં પ્રચલિત છે અને તેનાથી હ્યુમન ઇન્ટરફેરન્સ ઘટાડીને કાર્યવાહી ઝડપી અને પારદર્શક બને છે.

બીજો પ્રકાર સંપૂર્ણ સ્ક્રૂટીનીનો છે. આ સંપૂર્ણ સ્ક્રૂટીનીના માપદંડ સીબીડીટી દ્વારા દર વર્ષે પરિપત્રો બહાર પાડવામાં આવે છે. તાજેતરમાં જ કમ્પ્લીટ સ્ક્રૂટીની અંગેના માપદંડનો સીબીડીટીએ પરિપત્ર બહાર પાડ્યો છે. આવકવેરા વિભાગ મેટ્રો શહેરોમાં 7 શહેરોને ગણે છે, જેમાં મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ અને કલક્તા સિવાય અમદાવાદ, હૈદ્રાબાદ અને બેગ્લોર સમાવિષ્ટ છે. આ સાત શહેરોમાં 25 લાખ રૂપિયા કરતાં વધુનુ એડિશન અગાઉના વર્ષમાં થયું હોય તો કમ્પ્લીટ સ્ક્રૂટીની માટે કેસ પસંદ  થઇ શકે છે.


અન્ય શહેરોમાં આ મર્યાદા 10 લાખ રૂપિયાની છે. આવકવેરા સર્વેનો કેસ અથવા તો પુનઃ આકારણીના કેસ મેન્ડેટરી કમ્પ્લીટ સ્ક્રૂટીની અંતર્ગત સમાવિષ્ટ થશે. ત્રીજો પ્રકાર છે મેન્યુઅલ સ્ક્રૂટીની રહેશે. આવકવેરા અધિકારીને જો કોઇ કેસમાં મેન્યુઅલ સ્ક્રૂટીની માટે પસંદ કરવાનું જરૂરી લાગે તો તેના ઉપરી અધિકારી આવકવેરા કમિશનરની મંજૂરી લઇને કાર્યવાહી  કરવામાં આવે છે.

છેલ્લાં બે વર્ષમાં સીબીડીટી દ્વારા જે પરિપત્રો બહાર પાડ્યા છે તેમાં સ્પષ્ટ કર્યું છે કે આકારણી સંબંધિત ચોક્કસ વિગતો માંગવી જોઇએ  અને બિનજરૂરી તપાસની કાર્યવાહીનો આધાર લેવો જોઇએ નહીં. આકારણી અધિકારીને જવાબદારીનું ભાન કરાવતાં ન્યાયિક તપાસ કરવા માટેનું કહેવામાં આવ્યું છે. કરદાતા સાથે હ્યુમન મેનરમાં વર્તવા માટેનું કહેવામાં આવ્યું છે.

સવાલ: મને મારા પિતા તરફથી ખેતી લાયક જમીન મળી હતી, આ જમીન મેં બિનખેતી કરાવી હતી. ત્યારબાદ ફ્રેઇટ કોરિડોર માટે જમીન એક્વાયર કરવામાં આવી હતી. આ એક્વાયર કરેલી જમીનની ચૂકવણી ઉપર ટીડીએસ કરવામાં આવ્યો છે તો તે  યોગ્ય છે કે નહીં?

જવાબ: જાહેર  હેતુસર ફરજિયાત સંપાદન કરવામાં આવ્યું, તેમાં જમીન સંપાદનના કાયદા અનુસાર વળતર પણ ચૂકવવામાં આવે છે. આ વળતરના સંદર્ભમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીનના સંપાદનના કિસ્સામાં સંપૂર્ણ વળતર  કરમુક્ત ગણવાની જોગવાઇ છે. જ્યારે શહેરી વિસ્તારમાં પણ ખેતીની જમીન હોય અને ફરજિયાત સંપાદન હોય તો આવકવેરા કાયદાની કલમ 10 હેઠળ વિશિષ્ટ કેસમાં વળતરને સંપૂર્ણ કરમુક્ત ગણવાની જોગવાઇ છે. જ્યારે આપના કિસ્સામાં આપની જમીન બિનખેતીની છે અને શહેરી વિસ્તારમાં છે તેથી  એ કારણસર આપને જે વળતર મળ્યું છે તે કરપાત્ર છે. તેથી આપના વળતર પર જે ટીડીએસ થયું છે કાયદા અનુસાર યોગ્ય છે.

સવાલ: હું વર્ષોથી નોકરી કરી રહ્યો છું પરંતુ બે વર્ષ પહેલાં એક અકસ્માતમાં હું અંધ થયો છું. ત્યારબાદ કંપનીમાંથી રિટાયરમેન્ટ લેતાં કંપની તરફથી લંપસમ 10 લાખ રૂપિયાની આપવામાં આવી છે તો તેના ઉપર ટીડીએસ થયું છે તો તે યોગ્ય છે?

જવાબ: લંપસમ એમાઉન્ટ રિટાયરમેન્ટ વખતે કર્મચારીને આપવામાં આવે તો તે કરપાત્ર પર્કવિઝિટ તરીકે ગણવામાં આવે છે. પરંતુ ફિરોઝભાઇ આપના કેસમાં અકસ્માતના સંદર્ભમાં જે લંપસમ એમાઉન્ટ આપની કંપની તરફથી આપવામાં આવી છે તેને કરપાત્ર પર્કવિઝિટ તરીકે નહીં ગણાય. આ અંગે ગુજરાત હાઇકોર્ટ સહિત અન્ય હાઇકોર્ટ તરફથી પણ સ્પષ્ટ ચુકાદા આપવામાં આવ્યા છે. જે મુજબ કંપની કે માલિક દ્વારા કર્મચારીને કોઇ ચોક્કસ કામના બદલામાં નહીં પરંતુ તેના સેવાઓની કદર સ્વરૂપે એક્સગ્રેસિયા રકમ આપવામાં આવે તો તેને કરમુક્ત ગણવામાં આવશે. આપના કેસમાં ટીડીએસ કરવામાં આવ્યો છે તે આપ કરવેરા રિટર્ન ભરતાં સમયે રિફંડ માટે ક્લેઇમ કરીને મેળવી શકશો.