ટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે ડિમોનેટાઇઝેશનની ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 09, 2016 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારે ભ્રષ્ટાચાર અને બ્લેકમનીને નાથવા માટે ડિમોનેટાઇઝેશન થકી પ્રથમ પગલું ભર્યુ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે નોટબંધી સુધી જ સરકાર અટકશે નહીં રિયલ એસ્ટેટ અને સોના-ચાંદીમાં રોકાતાં કાળાનાણાં પણ અટકાવશે. આવકવેરા બિલમાં તાજેતરમાં સુધારો કરવામાં આવ્યો તેમાં એક પ્રશ્ન એવો હતો કે જેમની પાસે પોતાનું સોનું કે ઘરેણાં છે તેના ઉપર ખુલાસો ન આપી શકાય તો તેના ઉપર ટેક્સ કે પેનલ્ટી લેવામાં આવશે.


આ ગેરસમજને દૂર કરવા માટે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે તે મુજબ પરિણીત સ્ત્રીઓ 500 ગ્રામ, અપરિણીત સ્ત્રી 250 ગ્રામ અને પુરુષો માટે 100 ગ્રામ સુધીના સોના કે ઝવેરાત ઉપર પ્રશ્ન પૂછાશે નહીં. જો કે આ કટઓફ લિમિટ 1994માં સીબીડીટીએ એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં આ મર્યાદા નક્કી કરવામાં આવી હતી. અહીંયા એવું સમજવું નહીં કે આ કોઇ પ્રકારની ગોલ્ડ ધારણ કરવા માટેની લિમિટ મૂકવામાં આવી છે, ઉપરોક્ત મર્યાદાથી વધુના ગોલ્ડ અંગેનો ખુલાસો અને વિગત આપી શકો તો કોઇ મુશ્કેલી નથી.


1994માં લિમિટની સાથે એવો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે સંપત્તિવેરાનું રિટર્ન ભરવામાં આવ્યું હોય તેમાં સોના-ચાંદીના દાગીના દર્શાવવામાં આવ્યા હોય તેની જપ્તી કરાશે નહીં. જો વેલ્થ ટેક્સના રિટર્નમાં જે મિલકત દર્શાવી હોય તો તેને આવકવેરા વિભાગ માન્ય રાખશે. 500 ગ્રામથી વધુ સોનું છે પરંતુ વેલ્થ ટેક્સની મર્યાદાથી ઓછું છે. તેવા કિસ્સામાં વેલ્થ ટેક્સ રિટર્ન નથી ભર્યું તો તેમને વધારાના સોના અંગેના ખુલાસા આપવા પડશે.


જેમાં માતા-પિતાના વસિયત કે વારસામાં મળ્યું હોય તેના સાંયોગિક પુરાવા હોય, જો ખરીદી કરી હોય તો તેનું બિલ દર્શાવી શકો, ખેડૂતો ખેતીની આવકમાંથી ખરીદ્યું છે તે દર્શાવવું પડે છે. બક્ષિસ રૂપે મળેલ ગોલ્ડ અંગેની પણ જો વિગત આપી શકો તો તે પણ માન્ય રહી શકે છે. નિયત મર્યાદાથી વધુના સોના-ચાંદીના ઝવેરાત રાખવાની કોઇ મનાઇ નથી પરંતુ તેની માલિકી અને તેને મેળવવાના સોર્સ અંગેનો યોગ્ય ખુલાસો આપવો જરૂરી છે.


જો કરદાતાને ત્યાં દરોડાની કાર્યવાહીમાં ગોલ્ડ કે ઘરેણાં મળે છે તો તેના ઉપર 31 માર્ચ 2016 સુધીની જોગવાઇ અનુસાર ખુલાસો ન આપી શકાય તેવા ગોલ્ડ ઉપર 30 ટકા ટેક્સ અને સરચાર્જ તેમજ દંડ લેવાની જોગવાઇ હતી. પરંતુ નવી જોગવાઇ અનુસાર ખુલાસો ન આપી શકો તો ટેક્સ, સરચાર્જ અને દંડની સાથે 83.25 ટકા રકમ ભરવી પડશે. હવે સોના-ચાંદી કે ઝવેરાતની વિગતો ન રાખવી મોંઘી પડી શકે છે.


સંપત્તિવેરાની જવાબદારીમાં તમે હોવ અને તમે જવાબદારી અદા ન કરી હોય તો 31 માર્ચ 2015 છેલ્લું વર્ષ હતું જેમાં તમારે સંપત્તિવેરો ભરવાનો હતો. પરંતુ આકારણી વર્ષ 2015-16 માટે તમે સંપત્તિવેરાનું રિટર્ન નથી ભર્યું તો તે તમે મોડામાં મોડું 31 માર્ચ 2017 સુધીમાં ભરી શકો છો. તેથી તમારી પાસે હજુ પણ થોડો સમય બાકી છે તેથી સંપત્તિવેરાનું રિટર્ન ભરવામાં આવે તો તમારી સોના-ચાંદીની વધારાની સંપત્તિ ઉપર અભયદાન મળી શકે છે. તમે જે કોઇપણ સોના-ચાંદીના દાગીના ઝવેરાત ખરીદ્યા હોય તેના બિલ-ઇન્વોઇસ સાચવી રાખજો.


આ ઉપરાંત વારસા, બક્ષિસ કે વસિયતમાં મળેલા ગોલ્ડ અંગેના સાંયોગિક પુરાવા જાળવી રાખજો કારણ કે આવકવેરા ખાતું પૂછે ત્યારે સંતોષકારક જવાબ આપી શકશો તો કોઇ મુશ્કેલી નથી. કોઇ એક વ્યક્તિ કોઇ સ્થાવર કે જંગમ મિલકતમાં રોકાણ કરે છે હવે આ રોકાણ માટેના નાણાં પોતે ચૂકવે છે પરંતુ કોઇ કારણસર તે મિલકત અન્ય કોઇ વ્યક્તિના નામે નોંઘાવે છે. ધારો કે X મિલકત માટે નાણાં ચૂકવે છે Y તેને ધારણ કરે છે Y ને મિલકતના સ્ત્રોત સાથે કોઇ સંબંધ નથી Y એ ફકત તેનું નામ વાપરવાની છૂટ આપી છે. આને બેનામી વ્યવહાર કહેવાય, જેના નામે મિલકત ધારણ કરે છે તેને બેનામીદાર કહેવાય અને આવી મિલકતને બેનામી મિલકત કહેવાય છે.


જે સાચો માલિક છે જે આ બેનામી વ્યવહારનો ભાગ બન્યો છે તેની જવાબદારી પણ બેનામીદાર જેટલી જ રહેશે. આ કાયદો અસલ 1988માં ઘડવામાં આવ્યો હતો પરંતુ એ કાયદામાં એવી કોઇ પકડ નહોતી કે તેના થકી કોઇના ઉપર કડક કાર્યવાહી કરી શકાય છે. સપ્ટેમ્બર 2016માં આ કાયદામાં સુધારા સાથેનું બિલ આવ્યુ અને પહેલી નવેમ્બર 2016થી જ કાયદો અમલમાં આવી ગયો છે. નોટબંધીમાં બેનામી વ્યવહારોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી સરકાર અને અધિકારીઓ આપે છે.


ક્લોઝ ફેમિલીના વ્યવહારો હોય જેમાં પતિ પત્નીના નામે ખરીદી કરે અથવા પિતા પુત્રના નામ પર ખરીદી કરે છે તો આવા વ્યવહારોને બેનામી વ્યવહારો ન ગણવાની જોગવાઇ કરવામાં આવી છે. એચયુએફના કિસ્સામાં રોકાણ માટેના નાણાં એચયુએફમાંથી આપવામાં આવ્યા હોય ખરીદી એચયુએફના કર્તાના નામે કરવામાં આવી હોય તેમાં પણ બેનામી કાયદો લાગુ પડશે નહીં. ટ્રસ્ટના કેસમાં ટ્રસ્ટના નાણાંની મિલકત ટ્રસ્ટીના નામે હોય તો તેને પણ બેનામી મિલકત ગણાશે નહીં. જો કોઇપણ વ્યક્તિ બેનામી વ્યવહાર કરે તો તેમાં બેનામી મિલકત ધારણકર્તા કે ધારણ કરવામાં મદદ કરનાર ઉપર ફોજદારી કાર્યવાહીના ભાગરૂપે 1થી 7 વર્ષની જેલની સજા થઇ શકે છે.


જે મિલકત બેનામી મિલકત સાબિત થશે તેને સરકાર દ્વારા જપ્ત કરી લેવામાં આવશે. આ ઉપરાંત મિલકતનું જે બજાર મૂલ્ય છે તેની 25 ટકા રકમનો દંડ થઇ શકે છે. બેનામી મિલકતની તપાસ કાર્યવાહી ચાલતી હોય ત્યારે મિલકતને લગતી ખોટી માહિતી આપવામાં આવે તો આવી ખોટી માહિતી આપનાર ઉપર પણ દંડ અને સજાની જોગવાઇ છે. આ સમગ્ર બેનામી કાયદાનો વહીવટ છે તે આવકવેરા ખાતાને સોંપવામાં આવ્યો છે.


આવકવેરા ખાતાનું કામ એ છે કે રોકાણ, આવક અને સંપત્તિને લગતાં વ્યવહારો ઉપર તેમની બાજ નજર રહેતી હોય છે. આવકવેરા ખાતા દ્વારા કોઇ બેનામી વ્યવહાર નજર આવશે તો આવકવેરા વિભાગ દ્વારા તેની કાર્યવાહી કરવામાં આવશે. બેનામી વ્યવહાર કરવાનો આશય ન હોય પરંતુ નાણાં તમારા હોય અને નામ બીજાનું હોય તો તેના અંગેના વ્યવહારમાં પૂરતી ચકાસણી કરીને આ તબક્કે જ સુધારા માટેના પગલાં લેવા જરૂરી છે. જો આ તબક્કે તકેદારી લેવામાં નહીં આવે તો બેનામી વ્યવહારના કાયદાના ભરડામાં આવી જશો.