ટેક્સ પ્લાનિંગ: કેશલેસ ઇકોનોમી આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 18, 2017 પર 15:55  |  સ્ત્રોત : CNBC-Bajar

આ વખતના અંદાજપત્રનું મહત્ત્વનું ફોક્સ લેસ-કેશ રહ્યું છે. રોકડના વ્યવહારોને અંકુશમાં રાખવામાં આવે તો કોઇપણ દેશના અર્થતંત્રને સાફ રાખવું શક્ય છે. સ્થાવર મિલકતના સંદર્ભમાં મૂડીનફાની ગણતરી માટે બેઝ યર બદલીને 2001 કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય એ હતો કે મૂડીનફાના અવેજને દબાવવા કે છુપાવવા માટેનું પ્રલોભન ન થાય. સ્થાવર મિલકતના સંદર્ભમાં બીજી રાહત આપી છે તે 3 વર્ષના બદલે મૂડીનફા માટે 2 વર્ષની કરવામાં આવી છે.

આવકવેરાના કાયદાની કલમ 40A(3) હેઠળ જોગવાઇ છે કે 20 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ રોકડમાં કરો તો તેને નામંજૂર કરવામાં આવે છે. આ કલમમાં બે મહત્ત્વના સુધારા કર્યા છે પ્રથમ નાણાંકીય ખર્ચની રોકડ મર્યાદા આગામી નાણાંકીય વર્ષ 2017-18 માટે 20 હજારથી ઘટાડીને 10 હજાર રૂપિયા કરી છે. બીજો સુધારો એ કર્યો છે કે માત્ર રેવન્યુ નહીં પરંતુ કેપિટલ ખર્ચનો પણ તેમાં સમાવેશ કર્યો છે. ધંધાકીય હેતુસર ઉપયોગ માટે ઘસારો મળે છે અથવા કલમ 35AD હેઠળ તમે ઇન્વેસ્ટમેન્ટ લિન્ક ઇન્સેન્ટીવની કપાતનો લાભ મળે છે. આ વખતે આમાં સુધારો એ કર્યો છે કે 10 હજાર રૂપિયાથી વધુનો જો કેપિટલ ખર્ચ રોકડમાં કર્યો હશે તો તેના ઉપર ઘસારાનો લાભ મળશે નહીં.

આવકવેરા કાયદાની કલમ 44AD હેઠળ અંદાજિત આવક ગણવામાં આવે છે તેના સંદર્ભમાં આપના ટર્નઓવર કે વકરાના 8 ટકાને નફો માનવામાં આવે છે. આ અંગે નાણામંત્રીએ કહ્યું હતું કે રોકડના બદલે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે તો તેમાં 6 ટકા નફાને પણ અમે માન્ય રાખીશું જે ચાલુ નાણાંકીય વર્ષ માટે અમલી બનાવી હતી. આ જ સુધારાને નાણાંકીય બિલમાં કાયદાકીય રીતે સમાવિષ્ટ કર્યો છે.
       
ધર્માદા ટ્રસ્ટોને કલમ 80Gની કપાતનો લાભ દાતાને આપવાનો હોય તો તેના માટે અત્યારની જોગવાઇ અનુસાર 10 હજાર રૂપિયાથી વધુની રકમ રોકડમાં હશે તો તેનો લાભ મળી શકશે નહીં. આ જ પ્રકારે માન્ય રાજકીય પક્ષોને આવકવેરા કાયદાની કલમ 13A હેઠળ સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવે છે તેમાં 20 હજાર રૂપિયા સુધીના નાણાંકીય ફાળાને રોકડમાં લેવાની છૂટ છે. ધર્માદા ટ્રસ્ટ અને રાજકીય પક્ષોની રોકડમાં 10 અને 20 હજાર રૂપિયા સ્વીકારવાની મર્યાદાને અંદાજપત્રમાં ઘટાડીને 2 હજાર રૂપિયા કરવામાં આવી છે. જો રાજકીય પક્ષ 2 હજાર રૂપિયાથી વધુની રકમ રોકડમાં સ્વીકારશે તો તે રાજકીય પક્ષની આવક તરીકે ગણાશે. માન્ય રાજકીય પક્ષોને આવકવેરા કાયદાની કલમ 139(4)B હેઠળ તેમને આવકવેરા રિટર્ન ભરવું પણ ફરજિયાત રહેશે.
      
1 એપ્રિલ 2017થી આ નવી જોગવાઇ આવકવેરાની સૂચિત નવી કલમ 269ST  હેઠળ આવરી લેવામાં આવી છે. સંક્ષિપ્તમાં આ જોગવાઇ અનુસાર 1 એપ્રિલ 2017 બાદથી 3 લાખથી વધુ રોકડ રકમ કોઇપણ શખ્સ સ્વીકારશે તો તેને 100 ટકા રકમનો દંડ થશે. આમાં મુખ્યત્ત્વે 3 કેટેગરી આ કલમમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. પ્રથમ એક જ દિવસ દરમિયાન એક અથવા વધુ વ્યવહારોમાં કોઇને 3 લાખથી વધુ રકમ રોકડમાં મળશે તો તેને આમાં સમાવિષ્ટ કરાશે. બીજું એકથી વધુ દિવસોમાં રોકડનો વ્યવહારો કરો પરંતુ તે એક જ ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં હોય તો તેને પણ કલમ 269STમાં આવરી લેવામાં આવશે. ત્રીજી કેટેગરી અનુસાર કોઇ એકજ પ્રસંગ માટે 3 લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ ચૂકવવામાં આવે તો સ્વીકારને કલમ 269ST હેઠળ આવરી લેવામાં આવશે.

કલમ 269STમાં રોકડ રકમ સ્વીકાર કરનારે ખાસ કાળજી રાખવાની રહેશે. ધારો કે રોકડમાં ચૂકવણી કર્તા બેન્કમાંથી રોકડ ઉપાડીને 4 લાખ રૂપિયાની ચૂકવણી કરે છે તો સ્વીકારનારને 4 લાખ રૂપિયા ઉપર 100 ટકા રકમ તરીકેનો દંડ લાગે. 1 એપ્રિલ 2017 પછી 3 લાખથી વધુ રકમના રોકડ વ્યવહાર લેનાર માટે આકરા પડશે. કેટલાંક અપવાદ છે જેમાં સરકાર કે ખેડૂતોના કેટલાંક વ્યવહારોને નોટીફાય કર્યા છે ત્યા કલમ 269ST લાગુ પડશે નહીં.

સ્વમાલિકીની મકાન ઉપર 2 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવો છે તે કપાત તરીકે બાદ મળે છે. સ્વમાલિક સિવાયની એક મિલકત લોન પર ખરીદી છે. ત્યારબાદ આ મિલકત ભાડે આપ્યા બાદ 30 ટકા લેખે સ્ટાન્ડર્ડ ડિડ્કશન મેળવે છે અને ત્યારબાદ હાલની જોગવાઇ અનુસાર મિલકતના લોન ઉપરનું વ્યાજ ચૂકવીને હાઉસ પ્રોપર્ટી લોસ તરીકે દર્શાવીને અન્ય આવક સામે સેટઓફ મેળવે છે. કલમ 71માં સેટઓફની જોગવાઇમાં સુધારો કર્યો છે કે કોઇપણ વ્યક્તિ કે એચયુએફ બે લાખથી વધુ રૂપિયાનું વધુ નુકસાન હશે તો તે સેટઓફ મેળવી શકાશે. હાઉસિંગ ડેવલપર ન વેચાયેલા મકાન સ્ટોક ઇન ટ્રેડમાં દર્શાવે છે તે એક વર્ષ સુધીમાં વેચાણ કરવામાં ન આવે કે ન થાય તો આવા સ્ટોક ઇન ટ્રેડમાં રહેલાં મકાન ઉપર ડેવલપરની ભાડાની આવક માની લઇને ગણતરી કરવામાં આવશે.

હાલની આવકવેરા કાયદાની કલમ 194I હાલની જોગવાઇ હેઠળ 10 ટકાના રેટ ઉપર અર્થાત માસિક 15 હજારથી વધુ ભાડું ચૂકવતાં હોવ તો ટીડીએસ કરવાની જોગવાઇ છે. આ જોગવાઇમાં વ્યક્તિ કે એચયુએફના કેસમાં ટેક્સ ઓડિટ લાગુ ન પડતું હોય તેને મુક્તિ આપવામાં આવી છે. આવકવેરા કાયદાની કલમ 194IBની નવી જોગવાઇ લાવવામાં આવી છે. જે અનુસાર 50 હજાર રૂપિયાથી વધુ માસિક ભાડું હોય તો ટીડીએસની કપાત કરવાની છે. ટીડીએસનો દર 5 ટકા રહેશે. ટીડીએસ માટે TAN નંબર લેવાની જરૂર નહીં રહે, ચલણ સ્વરૂપે વર્ષના અંતે ભાડાનો હપ્તો ચૂકવતાં હોય ત્યારે 5 ટકા ટીડીએસ કરવાનો રહેશે. જો 5 ટકા ટીડીએસની રકમ માસિક ભાડા કરતાં વધુ હોય તો તેનાથી વધારે કપાત કરવાની રહેશે નહીં.

સરકાર તમારી પાસે અપેક્ષા રાખે છે આવકવેરાના રિટર્ન સમયસર ભરો. આગામી નાણાંકીય વર્ષથી નવી જોગવાઇ આવી છે તે મુજબ જુલાઇ કે નવેમ્બરમાં ભરવાનું રિટર્ન જો ડિસેમ્બર સુધીમાં નહીં ભરાય તો તેના ઉપર 5 હજાર રૂપિયાના દંડ જોગવાઇ કરવામાં આવી છે. જો માર્ચ સુધીમાં આવકવેરા રિટર્ન નહીં ભરવામાં આવે તો 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. જો 5 લાખ રૂપિયા કરતાં ઓછી આવક હોય તો એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. સેક્શન 234Fમાં ફી સ્વરૂપે આ જોગવાઇ લાવ્યા છે. આ ઉપરાંત રિવાઇઝ રિટર્ન વર્ષના અંત સુધીમાં જ કરવાનું રહેશે.