ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 28, 2017 પર 17:55  |  સ્ત્રોત : CNBC-Bajar

આધાર લિન્કિંગ બાબતે એનઆરઆઇને ખાસ છૂટ આપવામાં આવી છે તે અંગે તો હવે કોઇ અવઢવ નથી. એનઆરઆઇના સંદર્ભમાં વિદેશમાં તેમના રહેલાં ખાતાઓની વિગત કે મિલક્તની વિગતો આપવાની જોગવાઇ નહોતી. ભારતીય રહીશ હોય તેમને તો પરદેશની મિલકત અને આવક વિશેની વિગતો દર્શાવવાની જ હતી.


એપ્રિલમાં નવા ફોર્મમાં આ વિગતો નહોતી પરંતુ ત્યારબાદ એનઆરઆઇ માટે તેના વિદેશના ખાતાઓની વિગતો આપવાની કૉલમ આપવામાં આવી હતી. આ અંગે ખૂબ ચર્ચા થઇ અને તે અંગે રજૂઆતો પણ થઇ હતી. આ રજૂઆતનો પ્રતિસાદ સીબીડીટીએ પ્રેસ રિલીઝમાં આપ્યો કે જે એનઆરઆઇ હોય અને તેમને આવકવેરા રિફંડ મેળવવા તેમનું ખાતું સ્થાનિક સ્તરે હોય તો તેમને વિદેશના ખાતાની વિગત આપવાની જરૂર નથી.


આ સાથે સીબીડીટીએ કહ્યું કે આવકવેરાના રિફંડ આપવા માટે આ પ્રકારે એનઆરઆઇના વિદેશી ખાતાની વિગત માંગવામાં આવી હતી. ફોર્મ 26AS કરદાતા માટે આર્શીવાદરૂપ બન્યું છે. એડવાન્સ ટેક્સ કે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભર્યા બાદ કરવેરા ક્રેડિટની વિગતો આવકવેરા વિભાગ સુધી ન પહોંચી હોય તો તેમાં મુશ્કેલીઓ પડતી હતી. ફોર્મ 26AS તમારા ટેક્સ ચૂકવણીના સ્ટેટમેન્ટ તરીકે જોવું જોઇએ. ફોર્મ 26ASમાં કોણે કેટલી આવક ઉપર કેટલો ટીડીએસ કર્યો તેની સંપૂર્ણ વિગતો આમાં જોઇ શકાય છે.


આ ઉપરાંત ટેક્સ કલેક્ટટેડ એટ સોર્સની વસુલાત થઇ હોય તો તેની વિગતો મેળવીને તેની ક્રેડિટ મેળવી શકો છો. આ ઉપરાંત પ્રોપર્ટીના લે-વેચ સમયે તમે કયો ટીડીએસ ચૂકવ્યો છે અને કયો ટીડીએસ મેળવ્યો છે તેની વિગતો પણ મેળવી શકો છો. તેમજ એડવાન્સ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ અને રેગ્યુલર ટેક્સ ચૂકવણીની વિગતો અહીંથી મેળવી શકો છો. આવકવેરા વિભાગ તરફથી મળતાં આવકવેરા રિફંડની વિગતો અને તેના ઉપર જો કોઇ વ્યાજની ચૂકવણી થઇ છે તો તેની વિગતો મળી શકે છે.


ઉલ્લેખનીય છે કે આવકવેરા રિફંડ કરપાત્ર નથી પરંતુ રિફંડ પર મળતું વ્યાજ કરપાત્ર છે. ફોર્મ 26AS જોવા કે ડાઉનલોડ કરવા માટે ઇ-રિટર્ન ફાઇલ કરવાની સાઇટ http://incometaxindiaefiling.gov.inમાં my account ઉપર તમને ફોર્મ 26AS જોવા મળશે. 26AS ફ્કત ચાલુ વર્ષ નહીં પરંતુ પાછલા વર્ષોના ફોર્મ પણ જોઇ શકો છો. ત્રિમાસિક ધોરણે ટીડીએસનું રિટર્ન ભરાય છે ત્યારબાદ તેને સાઇટ ઉપર અપલોડ થયા બાદ ફોર્મ 26ASની વિગતો તમે અહીંયા જોઇ શકો છો.


તેમજ જો ટીડીએસ કરનારે તેને જમા નથી કરાવ્યો તો તેની વિગત પણ ફોર્મ 26AS પરથી તમે જાણી શકો છો. 31 માર્ચ સુધીમાં જે રિટર્ન ભરાઇ ચૂક્યા હોય તેવા રિટર્ન પર આવકવેરા વિભાગની કલમ 143 અનુસાર સ્ક્રૂટીનીની નોટિસ જે સંબંધિત નાણાંકીય વર્ષનું રિટર્ન ભર્યું હોય તેના આકારણી વર્ષના અંતથી 6 મહિના સુધીમાં મોકલી શકે છે. ઉદાહરણ તરીકે આકારણી વર્ષ 2016-17નું રિટર્ન 31 માર્ચ 2017 સુધીમાં રિટર્ન ભર્યું હોય તો સપ્ટેમ્બર 2017 સુધીમાં સ્ક્રૂટીની નોટિસ મળવાની હોય તો મળી શકે છે.


ભારતમાં આવકવેરા રિટર્ન ભરતાં લોકોની સંખ્યા 4 કરોડની ઉપર પહોંચી ગઇ છે. તેના આધારે અંદાજે 3 ટકા એટલે કે 12 લાખ સુધીની સ્ક્રૂટીનીની નોટિસ ઇશ્યુ થાય છે. સ્ક્રૂટીની માટેની ગાઇડલાઇન્સ સીબીડીટી દ્વારા દર વર્ષે ઇશ્યુ કરવામાં આવે છે. જે મુજબ આવકવેરા દરોડા, સર્વે ઉપરાંત લિટિગેશન ચાલતું હોય તેવા કેસમાં સ્ક્રૂટીની નોટિસ ઇશ્યુ થાય તે વ્યાજબી છે.


કમ્યુટર એસેસટેડ સ્ક્રૂટીની સિસ્ટમ હેઠળ અમુક માપદંડોને ધ્યાનમાં રાખીને રેન્ડમલી કેસની પસંદગી કરવામાં આવતી હોય છે. જેમાં કરદાતાએ મોટી કપાતનો કોઇ દાવો, અનઅપેક્ષિત રોકાણ જેવા હાઇ-વેલ્યુ ટ્રાન્ઝેક્શનને બેઝમાં રાખીને કમ્યુટર દ્વારા સ્ક્રૂટીની પસંદ કરવામાં આવે છે. પહેલાં સ્ક્રૂટીની આવે ત્યારે કરદાતાને ભારે ચિંતા થઇ જતી હતી તેમજ કેટલાંક કિસ્સામાં આવકવેરા અધિકારી દ્વારા મિસચીફ થઇ શકે તેવા કિસ્સાઓને અટકાવવાનો પ્રયાસ કર્યો છે.


હવે નોટિસ મળવાની સાથે તેમાં લિમિટેડ સ્ક્રૂટીની હોવાનું દર્શાવવામાં જ આવે છે. આવી લિમિટેડ સ્ક્રૂટીનીમાં સ્પેસિફિક મુદ્દાઓ આપીને તેના અંગેનો જ ખુલાસો આપવાની વિગતો માંગવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફોર્મ 26ASમાં જે ટીડીએસ હોય અને તમે જે ક્લેઇમ કર્યો હોય તેમાં તફાવત હોય તો તેવા મુદ્દે ખુલાસો માંગવામાં આવ્યો હોય છે.


વિકસિત દેશોમાં ઇ-સ્ક્રૂટીનીનું મોડલ ખાસ પ્રચલિત છે. તમારું રિટર્ન ઇ-ફાઇલિંગથી ભર્યું, નોટિસ ઇ-મેઇલ પર મોકલવામાં આવે છે. ચાલુ વર્ષથી એક પ્રથા શરૂ કરી છે કે સ્ક્રૂટીની માટે કરદાતાને ઇ-સ્ક્રૂટીની કે ફિઝિકલ સ્ક્રૂટીની માટેનો ઓપ્શન આપવામાં આવે છે. જો ફિઝિકલ સ્ક્રૂટીની માટેનો ઓપ્શન પસંદ થાય છે તો ફિઝિકલ સ્ક્રૂટીની કેમ કરવા માંગો છો તેની પણ વિગતો આપવી પડશે.