ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

8 માર્ચને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો અમે વિચાર્યુ કે ટેક્સ પ્લાનિંગમાં મહિલાઓ માટે કંઈ કંઈ જોગવાઈઓ છે.
ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 17:30  |  સ્ત્રોત : CNBC-Bajar

8 માર્ચને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો અમે વિચાર્યુ કે ટેક્સ પ્લાનિંગમાં મહિલાઓ માટે કંઈ કંઈ જોગવાઈઓ છે તેની ચર્ચા કરી શકાય અને અમે સીએનબીસી બજારની ટીમને પુછયુ કે તમારા કરવેરાના ક્યા પ્રશ્નો છે જે જો તમને મૂકેશ પટેલને પુછવાની તક મળે તો તમે પુછી શકો. તો આજે આ મહિલાઓના પ્રશ્નોના નિવારણ કરવા આપણે સ્વાગત કરીએ આપણા કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલનું.


એપિસોડની શરૂઆત કરીએ તે પહેલા જણાવી દઈએ કે ગત સપ્તાહે જે મુદ્દાની જાહેરાત કરી હતી તે બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ એટલેકે અનિયંત્રિત ડિપોઝીટ યોજનાના પ્રતિબંધ અંગે આવતા સપ્તાહમાં ચર્ચા કરીશું.


સવાલ-


આવકવેરાના કાયદા હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ હેઠળ મહિલાઓ માટે કોઈ વિશેષ રાહત આપવામાં આવી છે ખરી? શું મહિલાઓ માટે વિશેષ સવલતો છે?


જવાબ-


પહેલા મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે રિબેટ અને વધારાની કરમુક્તિની રાહતો હતી, જેમા મહિલાઓ માટેની રાહતો નાબુદ થઈ છે. હાલમાં મહિલાઓ માટે કોઈ સ્પેશ્યલ સવલતો નથી.


સવાલ-


પગારદાર મહિલાઓએ આવકવેરા આયોજનના સંદર્ભમાં શું ખ્યાલમાં રાખવું જોઈએ?


જવાબ-


રૂપિયા 9 થી 10 લાખ સુધીનું કરવેરા આયોજન કરી શકાય છે. કલમ 87A હેઠળ તમને રૂપિયા 12,500નો આવકવેરા રિબેટ મળે છે. જો રૂપિયા 5 લાખ સુધીની કરપાત્ર આવક હોય તો ટેક્સ 0 ભરવાનો રહે છે. જો તમારો પગાર રૂપિયા 10 લાખ આસપાસ હોય તો પણ આવું આયોજન શક્ય છે. રૂપિયા 50 હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન લઈ શકાય છે.


કલમ 80C હેઠળ વિવિધ રોકાણ દ્વારા રૂપિયા 1.5 લાખ સુધીનું કરવેરા આયોજન મળી શકે છે. રૂપિયા 50,000 80CCD હેઠળ એનપીએસમાં રોકાણ કરી શકો છો. હાઉસિંગ લોન પર ચુકવવા પાત્ર રૂપિયા 2 લાખ સુધીનું વ્યાજ બાદ મળી શકે છે. રૂપિયા 25,000 મેડિકલ ઈન્શ્યોરન્સ પ્રિમીયમ પણ તમને કપાત તરીકે બાદ મળી શકે છે.


સવાલ-


ધંધા કે વ્યવસાયમાં કાર્યરત મહિલાઓએ હિસાબી ચોપડાની જાણવણી માટે શું કરવું જરૂરી છે?


જવાબ-


આવકવેરાના કાયદા હેઠળ કલમ 44AD હેઠળ ધંધાદારીઓ માટે એવી જોગવાઈ કરવામાં આવી છે, જેમાં રૂપિયા 2 કરોડ કરતા ઓછા ટર્નઓવરના કેસમાં, ટર્નઓવરના 8 ટકા કેશના બિઝનેસ હેઠળ અને કેશલેશ બિઝનેસ હેઠળ 6 ટકાનો નફો દર્શાવતા હો તો તમારે ધંધાના કોઈજ એકાઉન્ટ રાખવા જરૂરી નથી, અને આવકવેરા કાયદા મુજબ કોઈ સ્ક્રૂટિની વગર આ નફો સ્વિકાર્ય રહેશે. વ્યવસાયમાં રૂપિયા 50 લાખ સુધીની પ્રોફેશનલ ફિ હોય અને તમે આ ફિની આવકના 50 ટકા જેટલો નફો દર્શાવતા હો તો તમે 44ADAની પ્રિઝમ્ટિવ સ્કીમનો લાભ લઈ શકો છો.


સવાલ-


મહિલાઓના ઘરેણાં તેમજ ઝવેરાત અંગે આવકવેરા ખાતા દ્વારા તપાસની શું કાર્યવાહી હાથ ધરી શકાય?


જવાબ-


વર્ષ 1994માં આવકવેરા ખાતાએ મહત્વની સુચના No. 1914 બહાર પાડી, જેના આધારે જો તમારા પાસે સોનાના ઘરેણા હોય તો જે પરિણીત મહિલા હોય તેવા કેસમાં 500 ગ્રામ સોનું, અપિરીણીત મહિલા 250 ગ્રામ સોનું રાખી શકે અને પુરુષો 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે છે. આ સિવાય સંબંધી સમાજના વ્યવહાર પ્રમાણે જો આથી વધારે ઘરેણાં આપવાનો શિરસ્તો હોય તો તે અંગે પણ માન્યતા મળી શકશે.


સવાલ-


વાર-તહેવારે મહિલાઓને બક્ષિશ મળતી હોય છે. આવી બક્ષિશની રકમને કરપાત્ર આવક ગણાય?


જવાબ-


આવકવેરાના કાયદાની કલમ 56 હેઠળ કોઈપણ વ્યક્તિને નાણાંકિય વર્ષ દરમિયાન એક અથવા વધુ શખ્શ પાસેથી રૂપિયા 50,000 કે તેથી વધારે મૂલ્યની રોકડ કે નિયત વસ્તુ સ્વરૂપે બક્ષિસ મળી હોય તો તેને કરપાત્ર ગણવાની જોગવાઈ છે. અપવાદમાં સગા-સંબંધીઓની યાદીમાં સ્થાન પામતા લોકો પાસેથી મળતી બક્ષિશને કરમુક્ત ગણવામાં આવે છે.


જો તમારા મિત્રો કે લોહીના સંબંધમાં ન હોય તેમાં રૂપિયા 50,000ની લિમીટ ધ્યાનમાં રાખવી પડે છે. લગ્ન પ્રસંગે ચાંદલા સ્વરૂપે મળતી બક્ષિસને પણ કરમુક્ત ગણવામાં આવે છે. જો કેશમાં વધારે રકમ મળી હોય તો તેની યાદી બનાવવાનું હિતાવહ ગણાય છે.


સવાલ-


ઘરેણાં કે ઝવેરાત તેમજ ચાંદીની ઘરગથ્થુ ચીજવસ્તુઓના વેચાણ ઉપર મળતી રકમના સંદર્ભમાં આવકવેરાની કરપાત્રતાની જોગવાઈ શું છે?


જવાબ-


બક્ષિસ આપનારની ખરીદ કિંમતને ધ્યાનમાં રાખવામાં આવે છે. 1 એપ્રિલ 2001ના બેઝ લઈને તેને ઈન્ડેક્સેશન આધારે કિંમત ગણી તેના આધારે મૂડીનફો ગણી 20 ટકા દરે ટેક્સ ભરવો રહે છે. ચાંદીના વાસણોને અંગત ઉપયોગની વસ્તુ ગણવામાં આવે છે, જેના પર ઉદભવેલો મુડીનફો કરપાત્ર નથી.


સવાલ-


કુટુંબની દિકરીઓના સુરક્ષિત ભાવિ માટે આયોજન કરવાના હેતુસર તેમજ આવકવેરાના લાભ પણ મળી શકે તે માટેની કોઈ રોકાણ યોજનાઓની સમજ આપશો?


જવાબ-


2 રોકાણમાં દિકરીઓ માટે આયોજન કરી શકાય છે. PPFમાં દિકરીઓ માટે રોકાણ કરી શકાય, જે કલમ 80C હેઠળ રૂપિયા 1.5 લાખની મર્યાદામાં કપાત બાદ મળે છે તેમજ 8 ટકા વાર્ષિક વ્યાજ કરમુક્ત ગણાય છે. દિકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.5 ટકાનું વ્યાજ મળે છે જે પણ કરમુક્ત ગણાય છે. આ ઉપરાંત કલમ 80C હેઠળ રૂપિયા 1.5 લાખની મર્યાદામાં કપાતનો પણ લાભ મળે છે.