ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 23, 2019 પર 18:12  |  સ્ત્રોત : CNBC-Bajar

આપણે સૌ ઈચ્છીએ કે કોઈને માંદગી આવે નહિં, પણ તે પરિસ્થિતી સર્જાય તો પણ આવકવેરાનો કાયદા તમને ઉપયોગી થઈ શકે તો તે અંગે આજે આપણે આવકવેરા કાયદા હેઠળ મળતી તબીબી રાહતો પર ચર્ચા કરીશું અને તેના પર જાણકારી લઇએ કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ પાસેથી.


કલમ 80Dમાં મેડિકલ ઈન્શ્યોરન્સ પ્રિમીયમની ચૂકવણી કરવામાં આવે છે તો તેના સંદર્ભમાં શું લાભ મળે છે?


ઈન્શ્યોરન્સ પ્રિમીયમની ચૂકવણી અંગે ચર્ચા-


કલમ 80D મોટાભાગે લોકોને ખ્યાલ હશે. આ કલમ 80D હેઠળ મેડિકલ ઈન્શ્યોરન્સ પ્રિમીયમની ચૂકવણી અંગે ખાસ લાભ મળી શકે છે. મુખ્યત્વે આ કપાતનો લાભ કોઈપણ વ્યક્તિકે HUFને મળી શકે છે. સૌપ્રથમ વ્યક્તિએ પોતાના કે તેના કુટુંબના કોઈપણ સભ્યો માટે સ્વાસ્થ્ય વિમો લીધો હોય તો તેના પ્રિમીયમની ચૂકવણી સંબંધી કપાત આપવાની જોગવાઈ છે.


HUFમાં પણ કુટુંબના સ્ભ્યો માટે પણ કપાતનો લાભ મળી શકે છે. આ કપાતની માત્રા વર્ષ 2017-18 સુધી સામાન્ય કરદાતાના કેસમાં રૂપિયા 25,000 અને સિનિયર સિટીઝનના કેસમાં રૂપિયા 30,000ની જોગવાઈ હતી. નાણાંકિય વર્ષ 2018-19માં સિનિયર સિટીઝનની કપાતને રૂપિયા 50,000 કરવામાં આવી છે.


કલમ 80Dમાં કોઈપણ વ્યક્તિએ પોતાના માતા-પિતા માટે જો પ્રિમીયમની ચૂકવણી કરી હોય તો તેના માટે તેને સિનિયર સિટીઝન હોય તો રૂપિયા 50,000 અને સિનિયર સિટીઝન ન હોય તો રૂપિયા 25,000 સુધીના પ્રિમીયમ ચૂકવણીની જોગવાઈ છે. કુલ રૂપિયા 75,000 સુધીની કપાતનો લાભ મળી શકે છે. તમે જે પ્રિમીયમની ચૂકવણી કરો તે ચેકથી કરવી અનિવાર્ય છે જેથી તમને કપાતનો લાભ મળી શકે છે.


મેડિકલ ઈન્શ્યોરન્સ પ્રિમીયમની ચૂકવણી ન કરાતી હોય પરંતુ તબીબી ખર્ચ કરવો જરૂરી બને તો તે અંગે શું લાભ મળી શકે?


અન્ય મેડિકલ ખર્ચ અંગે ચર્ચા-


કલમ 80Dમાં ઈન્શ્યોરન્સ પ્રિમીયમની ચૂકવણી સિવાય પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપનો પણ સમાવેશ થાય છે. વિવિધ ટેસ્ટ કે ચેકઅપ જે કરાવતા હોય તેના સંબંધી ખર્ચમાં રૂપિયા 5000 સુધીની કપાતનો સમાવેશ થાય છે. આ રૂપિયા 5000ની કપાતનો લાભ રૂપિયા 25,000ની લિમિટમાં સમાવેશ પામે છે. જો તમારા પરિવારમાં આ ખર્ચ તેની મર્યાદાથી વધારે થતો હોય તો તમે તેને પરિવારના અન્ય સભ્ય જે ટેક્સ પેયર હોય તેમના સાથે મેનેજ કરી શકો છો.


આ રૂપિયા 5000નો ખર્ચ તમને ચેક દ્વારા જ કરવો તેવું ફરજીયાત નથી. તમામ સિનિયર સિટીઝન માટે 2018ના અંદાજપત્રમાં નાણાંમંત્રીએ જાહેરાત કરીકે કલમ 80Dની અંદર ઈન્શ્યોરન્સ પ્રિમીયમ જો ચૂકવાતું ન હોય કે ઈન્શ્યોરન્સ પોલિસી ન હોય તેવા કેસમાં તમે રૂપિયા 50,000ની મર્યાદામાં કોઈ તબીબી ખર્ચ કર્યો હોય તો તે પણ તમને બાદ મળે છે.


સવાલ-


મારી ઉંમર 84 વર્ષ છે, મારી કસરત કરવા માટે હું ટ્રેઈનિંગ પામેલા ટ્રેઈનરને બોલાવું છું, જેઓ ન તો ડૉક્ટર છે, કે ન તો ફિઝિયોથેરાપિસ્ટ, તો તેમને અપાતા ફિ સ્વરૂપેલા નાણાંની કોઈ રિસિપ કે બિલ નથી તો તે રકમને કલમ 80Dમાં ક્લેઈમ કરી શકાય?


જવાબ-


આવકવેરાના કાયદામાં કોઈ મેડિકલ ખર્ચની વ્યાખ્યા નથી, જેથી સામાન્ય સંજોગોમાં તમે જે તબીબી ખર્ચ કરો છો તે આવે છે. મેડિકલ ખર્ચ જે તમે કરો છો તેના માટે તમારે કોઈ પુરાવો રાખવો અનિવાર્ય છે અને તે ખર્ચ તમે કે તમારા પુત્ર કે પુત્રી બાદ લઈ શકે છે.


સવાલ-


હું મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી છું. મને નિવૃત્તિ સમયે રૂપીયા રૂપિયા 65,0000 રજા આવક મળેલ છે. શું તેના ઉપર મને આવકવેરો લાગે? મને સરકારી કર્મચારી ગણી તે મુજબના લાભ મળી શકે?


જવાબ-


કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારીઓમાં જે લિવ એન્કેશમેન્ટની રકમ મળતી હોય છે તે કરમુક્ત છે. કોર્પોરેશનના કર્મચારી સરકારી કર્મચારી ગણાતા નથી. સરકારી સિવાયના કર્મચારીની નાણાંકિય મર્યાદા રૂપિયા 3 લાખ છે, જેના ઉપરની રકમ ટેક્સેબલ ગણાશે. જેટલા મહિનાની હક્ક રજા એકઠી કરી હોય તેમા વધારેમાં વધારે 10 મહિનાની એવરેજ આવક અથવા રૂપિયા 3 લાખ જે રકમ ઓછી હોય તે તમને કરમુક્તિ તરીકે બાદ મળે છે.


સવાલ-


GEB માંથી નિવૃત્ત અધિકારી છું, 2010-2011 અને 2011-2012માં TDSના દર કપાતા તે ખોટા પાન નંબરથી થયો હતો, જે બાદમાં બદલાયો હતો, પરંતુ તે 2 વર્ષનું TDS ભરાયા હોવા છતા પેન્ડિંગ આવે છે, જેના માટે ફરિયાદ પણ કરી છે પરંતુ હજૂ કોઈ નિવારણ નથી આવ્યું, તો સલાહ આપશો?


જવાબ-


તમાને તમારા એમ્પ્લોયરનો સહકાર અનિવાર્ય છે. તમારા 26ASમાં ક્રેડિટ લિસ્ટમાં આ TDSની કપાત જમા ન બોલે જ્યાં સુધી એમ્પ્લોયર TDSની રકમ જમા ન કરાવે. તમે ગુજરાત રાજ્યના આવકવેરા કમિશ્નરને તેની વેબસાઈટ www.incometaxgujarat.org માં ફરિયાદ નોંધાવી શકો છો.


સવાલ-


સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં ફોર્મ 15H ભરવું પડે?


જવાબ-


સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં જો રૂપિયા 50,000 કરતા ઓછું વ્યાજ મળતું હોય તો તમારે કોઈ ફોર્મ ભરવાની જરૂરત નથી. જો તમારુ વ્યાજ રૂપિયા 50,000 કરતા વધારે હોય અને તમારી કુલ આવક પર તમારે આવકવેરો ભરવાનો ન થતો હોય તો તમારે ફોર્મ 15H ભરવું પડી શકે છે.