ટેક્સ પ્લાનિંગ: ઉચ્ચ શિક્ષણ માટે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 29, 2016 પર 17:30  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદામાં ઉચ્ચ શિક્ષણ માટેની લોનના વ્યાજ ઉપર કપાત માટે કલમ 80E હેઠળ જોગવાઇ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ માટેની લોન બેન્ક, નાણાંકીય સંસ્થા અથવા ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી લોન લીધી હોય અને આ લોન ઉપર વ્યાજ ચૂકવો તો તેની કપાતનો લાભ મળી શકે છે. પહેલાં એવું હતું કે આ પ્રકારની લોન લેનાર વિદ્યાર્થીને લોનના વ્યાજ ઉપરની કપાતનો લાભ મળતો હતો. પરંતુ વિદ્યાર્થીની આવક એવી કોઇ હોતી નથી કે તે વ્યાજની કપાતનો લાભ લઇ શકે મોટાંભાગના કિસ્સામાં વિદ્યાર્થીના પેરેન્ટસ જ લોનની ભરપાઇ કરતાં હોય છે.


આ લોન સંબંધિત વ્યાજની કપાત કરદાતા વિદ્યાર્થી, માતા-પિતા જેમણે તેમના સંતાન માટે કોઇ શિક્ષણ લોન લીધી છે અને લગ્નસાથીને લોનની ચૂકવણીના વ્યાજ ઉપર કપાતનો લાભ મળે છે. કલમ 80E હેઠળ કોઇપણ નાણાંકીય મર્યાદા સિવાય લોનના વ્યાજની ચૂકવણી ઉપર કપાતનો લાભ મળી શકે છે. ઉચ્ચ શિક્ષણમાં પહેલાં એન્જિનિયરીંગ, મેનેજમેન્ટ જેવી શાખાઓનો જ સમાવેશ હતો.


પરંતુ આકારણી વર્ષ 2010-11થી તેમાં મહત્ત્વનો સુધારો કરવામાં આવ્યો કે સેકન્ડરી એજ્યુકેશન પછી કોઇપણ માન્ય યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થા કે સંસ્થામાં કોઇપણ શાખામાં ડિગ્રી કે ડિપ્લોમાના શિક્ષણ માટે લોન લીધી હોય તો તે લોનના વ્યાજની ચૂકવણી પર કપાતનો લાભ મળી શકે. તમે જ્યારથી લોન અને વ્યાજની ચૂકવણી શરૂ કરો ત્યારથી 8 વર્ષ સુધી તમને કપાતનો લાભ મળી શકશે. જો કોઇ પ્રાઇવેટ લોન લીધી તો તેના ઉપર વ્યાજની કપાતનો લાભ મળી શકશે નહીં.

ઘણાં કરદાતાઓ કલમ 80C હેઠળ ટ્યુશન ફીની કપાતનો લાભ લેવાનું ચૂકી જાય છે. કલમ 80Cના ટોટલ રૂપિયા 1.5 લાખના બાસ્કેટમાંથી જ કપાતનો બાદ મળશે. આ તમારા સંતાન માટેની ચૂકવેલી ટ્યુશન ફીની કપાત બાદ મળશે. આમાં કોઇપણ બે બાળકો માટે ટ્યુશન ફીની કપાતનો લાભ મળશે બે થી વધુ બાળકો માટે કપાતનો લાભ મળશે નહીં. ડોનેશન, દાન કે ડેવલપમેન્ટ ફી તરીકે વસુલ કરાતી ફીનો તેમાં સમાવેશ થશે નહીં. પ્રાઇવેટ ટ્યુશન, આવવા-જવા માટે બસની સેવા લીધી હોય તો તે બાદ મળશે નહીં.


ટ્યુશન ફી માન્ય શૈક્ષણિક સંસ્થાને ભણતર માટે ચૂકવવામાં આવે તે જ માન્ય ગણાશે. ટ્યુશન ફીનું મથાળું અલગ હોય પરંતુ તે ભણતર માટેની જ ફી હશે તો તે ટ્યુશન ફી તરીકે માન્ય ગણાશે, જેમકે સ્કૂલ-કોલેજમાં ટ્યુશન ફીના બદલે કોમ્યુટર ફી વસુલવામાં આવે તો તેને પણ ટ્યુશન ફી જ ગણાશે. ખાસ ધ્યાન રાખજો કે ટ્યુશન ફી જે માન્ય શૈક્ષણિક સંસ્થાને ચૂકવવામાં આવતી હોય તો જ તેની કપાતનો લાભ કલમ 80C હેઠળ લઇ શકાશે.

આજકાલ બાળમંદિરમાં પણ હવે ટ્યુશન ફી ચૂકવવાની જરૂર પડે છે. બાળમંદિરમાં એક કે બે કલાકનું શિક્ષણ હોય તેમ છતાં તેને પૂર્ણ સમયનું શિક્ષણ ગણાશે તેથી તેના ઉપર કપાતનો લાભ મળી શકે છે. કોચિંગ ક્લાસમાં સામુહિક શિક્ષણ આપવામાં આવતું હોય અને તે આપના સંતાનના પૂર્ણ સમયના શિક્ષણ માટે કરવામાં આવતો ખર્ચ છે. કોચિંગ ક્લાસ પણ શૈક્ષણિક સંસ્થા છે તેથી તેમાં ચૂકવવામાં આવેલી ટ્યુશન ફી કલમ 80C અંતર્ગત કપાતનો લાભ મળી શકે છે.

પગારદાર કર્મચારીને માલિક દ્વારા અપાતું ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ કરમુક્તિ છે તે કર કપાત નથી. ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ એક બાળક ઉપર વાર્ષિક રૂપિયા 1200 મળે અને જો બે બાળકો હોય તો તે વાર્ષિક રૂપિયા 2400 છે. ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ સ્ટાન્ડર્ડ ડિડ્કશન છે તેથી કરદાતાનું સંતાન શિક્ષણ મેળવતું હોય એટલે તેને વાસ્તિવક ખર્ચ કર્યા વગર મળે છે.


ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ આવકવેરા કાયદાની કલમ 10 પેટાકલમ 14 હેઠળ કરમુક્ત એલાઉન્સ છે. જ્યારે કલમ 80C હેઠળ ટ્યુશન ફીની કપાતનો લાભ વાસ્તવિક ખર્ચ હોય તો જ મળે છે. તેથી કરવેરા આયોજનની દ્રષ્ટ્રીએ કલમ 80C હેઠળ ટ્યુશન ફીની કપાતનો લાભ લેવો જોઇએ અને ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ સ્ટાન્ડર્ડ ડિડ્કશન તરીકે લેવું જોઇએ.

આવકવેરા કાયદાની કલમ 37(1) અનુસાર કોઇપણ ધંધાના હેતુસર કરવામાં આવેલ ખર્ચ ઉપર કપાત મળવાપાત્ર છે. - કોઇપણ વ્યક્તિ ધંધો કરતાં હોય, પ્રોપરાઇટર, ભાગીદાર પેઢી કે કંપની હોય તેમને પોતાના ઘરના સભ્ય કે પોતાના કર્મચારીના શિક્ષણ માટે ખર્ચ કર્યો હોય તો તે મજરે મળી શકે છે. કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ મલીજ મેડિકલ પ્રાઇવેટ સેન્ટરનો કેસ આવ્યો હતો. આ કંપનીના એમડીની પુત્રી તેમની જ હોસ્પિટલમાં જ ડિરેક્ટર તરીકે કામ કરતી હતી. તેને વર્ષ 2004-05 ઉચ્ચ શિક્ષણ માટે રૂપિયા 5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેના ઉપરનો ખર્ચ કંપનીએ મજરે માગ્યો હતો.


જે સંદર્ભમાં આકારણી અધિકારીએ કહ્યું કે આ ખર્ચ એમડીએ પોતાના અફેક્શનના કારણે કર્યો છે તેથી આ અંગેનો ખર્ચ હું મજરે નહીં આપું. ત્યારબાદ આ કેસ કર્ણાટક હાઇકોર્ટમાં પહોંચ્યો ત્યારે હાઇકોર્ટે ચુકાદો આપ્યો કે એમડીની દિકરી છે પરંતુ તે ઉચ્ચ શિક્ષણ હોસ્પિટલ માટે લીધું છે અને તે શિક્ષણ બાદ તે હોસ્પિટલમાં જ કામ કરે છે તેથી આ ખર્ચ મજરે મળી શકે.


પરિણામે કોઇપણ ધંધાકીય કરદાતા તેના સંતાન કે કર્મચારીને ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચ કરવામાં આવે છે અને ત્યારબાદ જે-તે સંતાન કે કર્મચારી પરત ફરીને એ જ પ્રાઇવેટ લિમિટેડ કંપની, ભાગીદારી પેઢી કે પ્રોપરાઇટરીમાં કામ કરે છે તો તે ખર્ચ ચોક્કસ મજરે મળી શકે છે.

મદ્રાસ હાઇકોર્ટ સમક્ષ વી.કે બાલચંદ્રનનો એક રસપ્રદ કેસ આવ્યો હતો. આવકવેરા કાયદાની કલમ 10 પેટાકલમ 16 હેઠળ સ્પષ્ટ જોગવાઇ છે કે કોઇપણ સ્કોલરશિપ કરમુક્ત છે. મદ્રાસ હાઇકોર્ટ સમક્ષના કેસમાં એવું હતું કે જે સ્કોલરશિપ આપવામાં આવી હતી તેમાંથી થોડી બચત થઇ હતી. ત્યારે આવકવેરા વિભાગે કહ્યું કે સ્કોલરશિપની બચેલી રકમ કે સંપૂર્ણ રકમ કરપાત્રતા લગાડી શકીએ. જો કે મદ્રાસ હાઇકોર્ટ સ્પષ્ટ કહ્યું કે સ્કોલરશિપ માટે આપવામાં આવેલી રકમ કરમુક્ત રહેશે તેનો હેતુ અભ્યાસ માટેનો હતો તેથી તેમાં જો કોઇ રકમ બચે છે તો તે પણ કરમુક્ત રહેશે.


મેડિકલ, એન્જિનયરીંગ કે આર્કિટેક્ટ ફિલ્ડ લોકો તાલીમ માટે જતાં હોય છે તો તાલીમના હેતુને પ્રોત્સાહન આપવા માટે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે તે પણ કરમુક્ત રહેશે. કર્ણાટક હાઇકોર્ટે આ સંદર્ભમાં ચુકાદો આપ્યો છે કે સ્ટાઇપેન્ડ પણ આવકવેરા કાયદાની કલમ 10 પેટાકલમ 16 અંતર્ગત સ્કોલરશિપની જેમ જ કરમુક્ત રહેશે. સ્ટાઇપેન્ડ આવકવેરા કાયદાની કલમ 10 પેટાકલમ 16 અંતર્ગત કરમુક્ત જ ગણાશે. જો કે સ્ટાઇપેન્ડ પગાર તરીકે આપવામાં આવતું હશે તો તે કરમુક્ત ગણાશે નહીં.