ટેક્સ પ્લાનિંગ: NRI માટે કરવેરા આયોજન - 2

NRIને સ્પર્ષતી અન્ય અનેક મહત્વની જોગવાઈઓની ચર્ચા કરીશું.
ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 17:33  |  સ્ત્રોત : CNBC-Bajar

નમસ્કાર ટેક્સ પ્લાનિંગ વિથ મૂકેશ પટેલમાં આપનું સ્વાગત છે. ગયા સપ્તાહના આપણા NRI સ્પેશ્યલના પ્રથમ ભાગમાં NRI કોને કહેવાય, NRIને ભારતમાં મળતી રોકાણની સુવિધાઓ તેમજ NRIની આવકની કરપાત્રતા વિશેની જોગવાઈઓ અંગે આપણે વિસ્તૃતથી ચર્ચા કરી. આજે તે ચર્ચાને આગળ ધપાવીશું અને NRIને સ્પર્ષતી અન્ય અનેક મહત્વની જોગવાઈઓની ચર્ચા કરીશું.

1) NRI દ્વારા ભારતમાંની તેની આવક અથવા મૂડીને તેણે જો વિદેશમાં મોકલવી હોય તો તે અંગેની શું જોગવાઈઓ છે, તે સમજાવશો?
ભારતના જ નાણાં કે ભારતમાં ઉપજેલા નાણાં વિદેશમાં લઈ જવા અંગે વિવિધ જોગવાઈ છે. વિદેશમાં વસતા NRI માટે 2 પ્રકારના રિપેટ્રિએશન શક્ય છે. NRE તેમજ FCNR એકાઉન્ટના રોકાણને વિદેશ સરળતાથી લઈ જવાય છે. NRO એકાઉન્ટમાં રહેલી રકમ રિપેટ્રિએશનના નિયમોનું પાલન કરીને વિદેશ મોકલી શકાય છે. પોતાના NRO એકાઉન્ટમાંથી પ્રત્યેક નાણાંકિય વર્ષમાં 10 લાખ US ડૉલર સુધીની રકમ ભારત બહાર લઈ જઈ શકાય છે. ટેક્સ ભર્યા બાદ NRO એકાઉન્ટમાંથી રિપેટ્રિએશનની પ્રોસિજર કરવાની રહે છે.

2) અનેક NRI તેમના NRO માંથી NRE Bank Accountમાં નાણાં ટ્રાન્સફર કરતા હોય છે.. આમ કરવા પાછળના શું લાભ છે?
NRIsના NRO એકાઉન્ટમાંથી વાર્ષિક 10 લાખ US ડૉલર સુધીની રકમ લઈ જઈ શકાય છે. NRE એકાઉન્ટમાંથી કોઈપણ મર્યાદા વિના તેમાં રહેલા નાણાંનું રૂપાંતર કરી મોકલી શકાય છે. તમે પ્રતિવર્ષ 1 મિલિયન ડૉલરને સમકક્ષ રકમ NRO એકાઉન્ટમાંથી NRE એકાઉન્ટ કે FCNRની ડિપોઝીટમાં ટ્રાન્સફર કરી શકો. કન્વર્ટ કરેલી NRE એકાઉન્ટની રકમ ઉપર મળતા વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી.

3) NRI દ્વારા PAN card તેમજ Aadhar Card મેળવવા સંબંધી જોગવાઈઓ તેમજ તેની જરૂરિયાત અંગે સમજ આપશો?
પાનકાર્ડ NRI માટે ફરજીયાત નથી. પાનકાર્ડ તમારા નાણાંકિય વ્યવહારો માટે ઉપયોગી અને જરૂરી છે. NRI માટે 49AA ફોર્મ થકી ઓનલાઈન પાનકાર્ડ મેળવી શકાય છે. આધારકાર્ડ માત્ર ભારતના રહિશ માટે આવશ્યક છે. NRI ઈચ્છે તો આધારકાર્ડ કઢાવી શકે છે.

4) ભારતમાં સ્થાયી થવા ઈચ્છતા NRI વિદેશથી ભારત પાછા ફરે ત્યારે તેમણે શું ખ્યાલ રાખવો જરૂરી છે?
કોઈ NRI ભારત પરત ફરે ત્યારે FEMA તેમજ કસ્ટમના મુદ્દાઓ ખાસ મહત્વના છે. NRI ભારત પરત ફરે તો તેમને કસ્ટમમાં વિશેષ મુક્તિઓ મળેલી છે. ઉદારીકરણ હેઠળ કોઈપણ NRI ભારત આવ્યા બાદ ભારત બહારની મિલકત રાખી શકે છે. આવકવેરાના કાયદા હેઠળ તમે ભારતના રહીશ બન્યા બાદ ભારત બહારની આવક પર આવકવેરો ભરવાનો રહે છે. ઈનકમ ટેક્સ રિટર્નમાં શિડ્યુલ FA (ફોરેન એસેટ્સ) ભરીને ભારત બહારની મિલકત દર્શાવવી પડે છે. આવકવેરાના કાયદાની કલમ 115H હેઠળ આવકવેરામાં કંસેશનલ રાહત મળી શકે.

5) NRI ના કેસમાં Double Tax Avoidance Treaty તેમજ Foreign Tax Credit મેળવવા સંબંધી શું જોગવાઈઓ છે?
NRI ભારતમાં રહીશ બને ત્યારે વિદેશની આવક ઉપર ટેક્સ વિદેશમાં ભરવા ઉપરાંત ભારતમાં પણ ડબલ ટેક્સ ભરવાનો થાય છે. મોટાભાગના દેશ સાથે ભારતને ડબલ ટેક્સ એવોઈડન્સની ટ્રિટી છે. વિદેશમાં જે આવક ઉપર ટેક્સ ભરાયો હોય અને તેના ઉપર ભારતમાં પણ ટેક્સ ભરવાનો થાય તો વિદેશમાં કપાયેલા ટેક્સનો સેટઓફ ભારતમાં મળી શકે.

6) NRIના ભારતમાંના સગાં-સંબંધી તેમને કોઈ નાણાં મોકલવા ઈચ્છે તો તે અંગે આયોજન કેવી રીતે કરી શકાય?
ભારતના સગા-સંબંધીઓ જો વિદેશ વસતા NRIને નાણાં મોકલવા ઈચ્છતા હોય તો RBIની યોજના LRS થકી વાર્ષિક 2.5 લાખ ડૉલર મોકલી શકે છે.

7) આ જ પ્રમાણે NRI દ્વારા ભારતમાંના પોતાનાં સગાં સંબંધીને Foreign રેમિટન્સ મોકલવામાં આવે તો તેને કરપાત્ર ગણાય?
વિદેશથી કોઈપણ NRI ફોરેન રેમિટન્સ મોકલવા માંગે તો તેને ભારતમાં કોઈ ટેક્સ નથી લાગતો. કલમ 56(2) હેઠળ કોઈપણ બ્લડરિલેટિવ પાસેથી મળતી રકમ પર કોઈ ટેક્સ નથી લાગતો. જે-તે દેશની શું જોગવાઈ છે તે પણ આ તબક્કે ચકાસવી રહે.

8) NRI ભારતની મુલાકાતે આવે તો તે સમયે તેની સાથે કેટલું Foreign Exchange લાવી શકે?
વિદેશથી જ્યારે ભારત મુલાકાતે આવતા હો તો 10,000 ડૉલરથી વધારે રકમ હોય તો ભારતીય કસ્ટમ્સમાં ડિક્લેરેશન ફોર્મ રજૂ કરવાનું રહે. કરંસી નોટમાં 5000 ડૉલર હોય તો ભારતીય કસ્ટમ્સમાં ડિક્લેરેશન કરવું જરૂરી રહે. જો કસ્ટમ્સમાં ડિકલેર ન કર્યુ હોય અને તપાસ થાય તો તે કાયદાકિય ગુનો બને છે.