ટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 03, 2017 પર 17:47  |  સ્ત્રોત : CNBC-Bajar

કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયાની મર્યાદા છે તેમાં અનેક પ્રકારના રોકાણ અને વિશેષ ખર્ચ સંબંધિત કપાતનો લાભ મળે છે એ તમને ખ્યાલ છે. પતિ, પત્ની અને એચયુએફ એમ ત્રણ એકમ છે બાળકો સગીર છે એમ માની લઇએ. પતિને પીએફ કપાતું હોય બાળકો સ્કૂલ કે કોલેજમાં ભણતાં હોય તો તેની ટ્યુશન ફી હોય છે. આ ઉપરાંત હોમલોન હોય તો તેના હપ્તાની ચૂકવણીના સંદર્ભમાં 1.5 લાખ રૂપિયાની મર્યાદામાં મૂડીની ચૂકવણી ઉપર કપાત મળે છે. તેથી આ દરેક કપાતનું પરિવારના દરેક એકમમાં પ્રમાણસર આયોજન કરો છો કે નહીં તે મહત્ત્વનું છે.


ઘણીવાર એવું બને કે કોઇ એક જ એકમમાં 1.5 લાખ રૂપિયાથી વધુનુ રોકાણ કરો અને ત્યારબાદ માર્ચ એન્ડિંગમાં દોડાદોડી કરવી પડે છે. કલમ 80C સિવાય કલમ 80CCD હેઠળ નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કર્યુ હોય તો તે વધારાના 50 હજાર રૂપિયા સુધીનું રોકાણ બાદ મળી શકે છે. રોકાણ આયોજન વ્યક્તિના કેસમાં 2 લાખ રૂપિયા સુધીનું કરી શકો છો અને HUFના કેસમાં 1.5 લાખ રૂપિયાનું આયોજન કરી શકો છો. વ્યક્તિ પોતાના કે પોતાના લગ્નસાથી કે સગીર બાળકો માટેના પ્રિમિયમની ચૂકવણી કરતાં હોય તો તે પણ બાદ મળી શકે છે. તમારા કુંટુંબના દરેક કરપાત્ર એકમોમાં રોકાણનું આયોજન કરવામાં આવે તો કલમ 80સીનો પૂરતો લાભ લઇ શકાય છે.


તમામ કેસમાં 80Cનું આયોજન કરો ત્યારે ચૂકવણીનું આયોજન પણ ખાસ પરિવારના વ્યક્તિને ખાસ ધ્યાનમાં રાખીને કરો છો. ધારો કે કલમ 80D હેઠળ મેડિક્લેઇમની ચૂકવણી 35 હજાર રૂપિયાની કરો છો પરંતુ તેના પર કપાત તરીકે બાદ લેવાની મર્યાદા 25 હજાર રૂપિયાની છે. તો આવા કિસ્સામાં પરિવારના અન્ય સભ્યો થકી પણ મેડિક્લેઇમના પ્રિમિયમની ચૂકવણી કરો તો તેના ઉપર 35 હજાર સુધીનો ટેક્સ બેનિફિટ તમે લઇ શકો છો.


આ ઉપરાંત સંયુક્ત કુંટુંબમાં રહેતા હોય અને માતા-પિતાના મેડિકલ ઇન્સ્યોરન્સનું પ્રિમિયમ ચૂકવવાનું હોય છે. માતા-પિતાના તરફથી ચૂકવણી કરવામાં આવે તો તેમની કરપાત્ર આવક ન હોય તો તેમને કરવેરા કપાતનો લાભ મળતો નથી. પરંતુ જો કરદાતા પોતાના માતા-પિતાનું પ્રિમિયમ ચૂકવે છે તો તેમને 25 હજાર પોતાના અને 30 હજાર રૂપિયા માતા-પિતાના પ્રિમિયમના મળીને 55 હજાર રૂપિયા સુધીની કપાતનો લાભ લઇ શકાય છે.


આવકવેરા કાયદાની કલમ 80જી ની માન્યતા મોટાંભાગની ધર્માદા સંસ્થાને મળેલી હોય છે. આવી માન્યતાં પ્રાપ્ત સંસ્થાને જે તમારી ગ્રોસ આવકની 10 ટકાની મર્યાદામાં જે રકમ દાનમાં આપો છો તે રકમની 50% રકમ કપાત તરીકે બાદ મેળવી શકો છો. આવકવેરા કાયદાની કલમ 35એસી માન્યતા પ્રાપ્ત ધર્માદા ટ્રસ્ટને દાન આપવામાં આવે તો તે સંસ્થાને રકમ દાનમાં આપવામાં આવે તો તેના ઉપર 100% કર કપાતનો લાભ મેળવી શકો છો.


ધંધો-વ્યવસાય કરતાં કરદાતાને કલમ 35એસી હેઠળ કોઇપણ મર્યાદા વગર દાન આપવા પર 100 ટકા કર કપાતનો લાભ મળી શકે છે. જો તમે પગાર, રોકાણ કે ભાડાની આવક હોય તો કલમ 80GGA હેઠળ કલમ 35AC પ્રકારના 100% કર કપાતના લાભ મળી શકે છે. કેટલીક એવી સંસ્થાઓને કલમ 35 હેઠળ વૈજ્ઞાનિક સંશોધન માટેની રાહત આપવામાં આવે છે. કેન્સર રિસર્ચ કે અંધજન મંડળ જેઓ વિશેષ પ્રકારની કામગીરી કરે છે તેમને દાન આપવા ઉપર વધારાની કપાત મળે છે.


કલમ 35માં ધ્યાન એ રાખવાનું છે આ કલમ હેઠળનો લાભ ધંધા-વ્યવસાયની આવક હોય તેવા કરદાતા માટે છે. અન્યથા કલમ 80GGA હેઠળ પગાર, રોકાણ કે ભાડાની આવક ધરાવતાં કરદાતાંઓને 100% કપાતનો લાભ મળી શકશે.


ટેક્સ મેનેજમેન્ટ કરવેરા આયોજન સાથે ખાસ જરૂરી છે, આવકવેરા ચૂકવણીની જવાબદારી પૂર્ણ કરવી પણ ખૂબ જરૂરી છે. 31 માર્ચ 2017 સુધીમાં ગત નાણાંકીય વર્ષનું રિટર્ન ભરવાની ખાસ તકેદારી રાખજો છે. જો આ રિટર્ન ભરવામાં નહીં આવે તો તેના ઉપર આપને 5 હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. નવી જોગવાઇ જે આગામી વર્ષથી અમલી બનશે તે અનુસાર વર્ષ પૂર્ણ થાય એ પછી તો આપ રિટર્ન ભરી જ શકતાં નથી.


તે અનુસાર વર્ષ પૂર્ણ થાય તે પહેલાં પણ જો ડિસેમ્બર સુધીમાં રિટર્ન ન ભરાય તો 5000નો દંડ અને માર્ચ સુધીમાં ન ભરાય તો 10 હજાર રૂપિયાનો દંડ આપવો પડી શકે છે. આવકવેરા રિટર્ન જે નાણાંકીય વર્ષમાં આપનું રિટર્ન ભરો તેના 6 મહિના સુધીમાં સ્ક્રૂટીની માટેની નોટીસ મળે છે. ધારો કે 1 એપ્રિલ 2017ના દિવસે રિટર્ન ભર્યુ તો આકારણી વર્ષ 2017-18ના અંત સુધી અને ત્યારબાદના 6 મહિના અર્થાત 30મી સપ્ટેમ્બર 2018 સુધીમાં આવકવેરા વિભાગ ગમે ત્યારે સ્ક્રૂટીની માટેની નોટીસ આપી શકે છે.


નાણાંકીય વર્ષ 2014-15નું રિટર્ન ભર્યું છે તેમાં રિવાઇઝ રિટર્ન ભરવાનો સમયગાળો ખાસ ધ્યાનમાં રાખજો છો. આકારણી વર્ષ 2015-16નું રિવાઇઝ રિટર્ન એક વર્ષના અંત સુધીમાં ભરી શકો છો અર્થાત 31 માર્ચ 2017 સુધીના સમયગાળા ભરી શકો છો ત્યારબાદ રિવાઇઝ રિટર્ન ફાઇલ થશે નહીં.


નિયમિત રીતે સંપત્તિવેરાનું રિટર્ન ભરતાં હોય તો આકારણી વર્ષ 2015-16નું રિટર્ન ભરવાનું રહી ગયું હોય તો તે ભરવા માટેની છેલ્લી તારીખ 31માર્ચ 2017 છે. આ ઉપરાંત જો આપને પહેલાં ખબર નહોતી આપની સંપત્તિની તો હવે તેની ખાસ તકેદારી રાખીને સંપત્તિવેરાનું રિટર્ન અગાઉ ન ભર્યુ હોય તો પણ 31 માર્ચ 2017 સુધીમાં ભરવું જરૂરી છે.


જો ઘરેણાં, જવેરાંતની નિયત મર્યાદાથી વધુની માત્રામાં હોય તો તેનો સંપત્તિવેરો ભરવો હિતાવહ છે. કારણ કે જો ક્યારેય આવકવેરા વિભાગની તપાસ, સર્વે કે દરોડા કાર્યવાહી થાય ત્યારે સંપત્તિવેરો ભર્યો હશે તો રાહત રહેશે. અન્યથા પરિણીત સ્ત્રીઓને ઘરેણાં-જેવરાતની મર્યાદા 500 ગ્રામ, અપરિણીત સ્ત્રીઓ માટે 250 ગ્રામ અને પુરુષો માટે 100 ગ્રામથી વધારેની માત્રા હશે તો તે આવકવેરા વિભાગને સમજાવવું થોડું મુશ્કેલ રહેશે.


ચાલુ વર્ષથી એડવાન્સ ટેક્સના 4 હપ્તા ભરવા જરૂરી છે. એડવાન્સ ટેક્સની જવાબદારી અદા ન કરો તો 1 એપ્રિલથી આવકવેરા કાયદાની કલમ 234બી હેઠળ માસિક એક ટકા લેખે દંડનીય વ્યાજ ભરવા માટે જવાબદાર રહો છો. જો તમે સિનિયર સિટિઝન છો અને તમારે ધંધા-વ્યવસાયની આવક નથી તો તેમને એડવાન્સ ટેક્સ ભરવામાંથી છૂટ આપી છે.


અંદાજિત આવકને લગતી જોગવાઇ આવકવેરા કાયદાની કલમ 44એડી કે 44એઇની જોગવાઇ હેઠળ કોઇ એડવાન્સ ટેક્સ ભરવાનો રહેતો નહોતો. પરંતુ હવે તેમને પણ એડવાન્સ ટેક્સનો છેલ્લો હપ્તો ભરવો જરૂરી રહેશે.


ઘણી બેન્કમાં 31મી માર્ચના રોજ આખા વર્ષનું વ્યાજ ગણીને જમા થતાં વ્યાજ ઉપર 10 ટકા ટીડીએસની કપાત કરતાં હોય છે. જો આપના કેસમાં કરપાત્ર આવક ન હોય અને તમે સિનિયર સિટીઝન છો તો આપને કરપાત્ર આવક થતી નથી તો આપને ફોર્મ 15એચ ફોર્મ રજૂ કરવાનું રહેશે.જો આપની આવક કરમુક્તિ મર્યાદાના 2.5 લાખ રૂપિયાથી વધુ આવક નથી તો આપ ફોર્મ 15જી આપીને ટીડીએસ કપાતમાંથી મુક્તિ મેળવી શકો છો.