ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 15, 2018 પર 18:06  |  સ્ત્રોત : CNBC-Bajar

રિટર્ન કોણે અને ક્યારે ભરવું?


વર્ષો પહેલાં રિટર્ન ભરવાની પ્રક્રિયા મુશ્કેલ હતી પરંતુ હવે ઓનલાઇન રિટર્ન ભરવામાં સરળતાં આવી છે. પાનકાર્ડ હોય એટલે આવકવેરા રિટર્ન ભરવું ફરજિયાત નથી પરંતુ રિટર્ન ભરવા માટે પાનકાર્ડ જરૂરી છે. વ્યક્તિ અને HUFના કેસમાં નક્કી કરાયેલા માપદંડ અનુસાર તમારી ગ્રોસ આવકને લક્ષમાં લેવામાં આવે છે.


વ્યક્તિગત અને HUF માટે મર્યાદા-


કલમ 80C સહિતની કપાતને ધ્યાનમાં લીધા વગરની આવક કુલ ગ્રોસ આવક ગણવામાં આવે છે. કલમ 139ની જોગવાઇ અનુસાર કુલ ગ્રોસ આવક તમારી નિયત કરમુક્તિ મર્યાદાથી વધુ નથી તો રિટર્ન ભરવામાંથી મુક્તિ છે. વ્યક્તિગત નિયત કરમુક્તિ મર્યાદા 2.5 લાખ, સિનિયર સિટીઝન માટે રૂપિયા 3 લાખ અને 80 વર્ષથી વધુ વયના સિટીઝન માટે રૂપિયા 5 લાખની છે. કુલ ગ્રોસ આવક રૂપિયા 2 લાખ છે તેમાં રૂપિયા 1.5 લાખનો લાંબાગાળાનો મૂડીનફો છે તો તે તમારી ગ્રોસ આવકમાં ઉમેરાશે.


કંપની, ભાગીદારી પેઢી માટે નિયત મુક્તિ મર્યાદા શૂન્ય છે. કંપની, ભાગીદારી પેઢી કે એલએલપીના કેસમાં શૂન્ય કે નુકસાન હોય તો પણ રિટર્ન ભરવાનું જરૂરી છે. સક્રિય કામગીરી ન હોય તો પણ રિટર્ન ભરવાનું અનિવાર્ય છે. જાહેર ધર્માદા ટ્રસ્ટના કેસમાં રૂપિયા 2.5 લાખથી ઓછી આવક હોય તેમાં રિટર્ન ભરવું ફરજિયાત નથી. પરંતુ આવકવેરા કાયદાની કલમ 11 અને 12 હેઠળ મળવાપાત્ર કરમુક્તિની ગ્રોસ આવક ઉપરાંત કોઇપણ આવક છે તો રિટર્ન ભરવાનું રહેશે.


આવકવેરા રિટર્ન ભરવાની નિયત તારીખો શું રહેશે-


બિનધંધાકીય આવક ધરાવતાં હોવ તો 31મી જુલાઇની તારીખ યાદ રાખવાની રહેશે. ધંધાકીય આવકમાં પણ તમારો વકરો ઓડિટને પાત્ર ન હોય તો 31મી જુલાઇ સુધીમાં રિટર્ન ભરવાનું રહેશે. કંપની કે કોઓપરેટીવ સોસાયટીના સંદર્ભમાં ફરજિયાત ઓડિટની જોગવાઇ લાગુ પડતી હોય તેમાં 30 Sep સુધીમાં ભરવાનું રહેશે. કંપનીના કેસમાં ટ્રાન્સફર પ્રાઇસિંગની જોગવાઇ લાગુ પડતી હોય તો તેમના માટે 30 Nov સુધીમાં રિટર્ન ભરવાનું રહેશે.


સવાલ-


મારી પાસે દિશમાન કાબૌજેન ના 1000 શેરો છે જે દિશમાન ફાર્મા ના બદલે મળ્યા છે જેમા STT ચૂકવવામાં આવેલ નથી તથા તેને એક વર્ષ થવા આવેલ છે તો મારે તેને વેચવા હોય તો LTCG કેવી રીતે ગણાશે?


જવાબ-


31 Jan રૂપિયા 18થી લાગુ થયેલાં ગ્રાન્ડ ફાધરિંગના લાભ માટે STT ભરેલો હોવો જરૂરી છે. જ્યારે આપના કિસ્સામાં STT ચૂકવવામાં આવ્યો નથી. પરંતુ આ સંદર્ભમાં CBDT દ્વારા સ્પષ્ટતાં આપવામાં આવી છે તેનાથી આપને રાહત રહેશે. જે મુજબ આવકવેરાની કલમ 47 અનુસાર કંપનીના રિસ્ટ્રકચરિંગના કેસમાં રોકાણકારને એકના બદલે બીજી કંપનીના શેર્સ મળે છે. તેના ઉપર LTCGના પ્રોવિઝનનો લાભ મળશે.


સવાલ-


હું નિવૃત DYSP છું, 2013 ના જુલાઇમાં નિવૃત થયો છું, મારે દર વર્ષે મારી પોતાની ખેતીની આવક લગભગ રૂપિયા 4 લાખ કે તેનાથી વધુ થાય છે, ઉપરાંત પેન્શન, મળે છે, તો મારી ખેતીની આવક ઉપર ઇન્કમ ટેક્ષ લાગે? મારી ઉંમર હાલ 63 વર્ષની છે.

જવાબ-


તમારી બિનખેતીની આવક કરમુક્તિ મર્યાદા કરતાં ઓછી હોય તો આપને ખેતીની આવક પર કોઇ ટેક્સ ભરવાનો થાય નહીં. તમારી બિનખેતીની આવક કરમુક્તિ મર્યાદા કરતાં વધુ હશે તો તમારી કુલ આવકમાં ખેતીની આવક ઉમેરાશે. ખેતીની આવક તમારી કુલ આવકમાં ઉમેરાશે તેના આધારે આપના આવકવેરાનો દર નક્કી કરાશે. ખેતીની આવક ઉપર કોઇ ટેક્સ ભરવાનો રહેશે નહિં.


સવાલ-


હું Sep 2015ના નિવૃત્ત થયો છું, તેના પેન્શનની રકમ મને 2018માં મળી છે તો હવે 3 વર્ષની રકમ ઉપર આયોજન કેવી રીતે કરવું?


જવાબ-


તમે 2015-16 પેન્શન અત્યારે મળે છે તો 3 વર્ષનું પેન્શન એક વર્ષમાં દર્શાવશો તો તમારો ટેક્સ રેટ ઉંચો જશે. પગારદાર વર્ગને એક સુવિધા આપી છે કે આ પ્રકારના એરિયર્સને એરિયર્સના વર્ષોમાં વહેંચી શકાય છે. કલમ 89 હેઠળ આ વિશિષ્ટ રાહત આપવામાં આવે છે. જે અનુસાર 3 વર્ષમાં રકમ વહેંચીને જે ટેક્સ ભરવાનો થાય તો કેટલો થાય છે. તેના આધારે ટેક્સ ભરવાનો રહેશે જે પ્રક્રિયા માટે ફોર્મ 10E ભરીને પેન્શન ચૂકવનારને આપવાનું રહેશે.


સવાલ-


મારા મિત્રના માતાને નામે જમીન છે, તેના બોરમાંથી પાણી કાઢીને પાણીની સપ્લાય કરે છે. તે સપ્લાય થકી જે આવક ઉભી થાય છે તે કોની આવક ગણાશે?


જવાબ-


રૂપિયા 20 લાખની મર્યાદાથી ઉપર આવક નથી તેથી GSTની જોગવાઇમાંથી તો મુક્તિ મળે છે. આ આવક તેમના માતાની ધંધાકીય આવક તરીકે દર્શાવવાની રહે છે. ધંધાકીય આવક મેળવવાના ખર્ચ છે તે દર્શાવી તેના ઉપર કપાત મેળવી શકે છે. 44AD હેઠળ અંદાજિત આવકની જોગવાઇનો લાભ મેળવી શકે છે.


સવાલ-


હું વેટ અને GST કન્સલ્ટન્સી કરું છું તો તેના ઉપર કરવેરા આયોજન કેવી રીતે કરવાનું રહેશે?


જવાબ-


તમારી આવક વ્યવસાયિક આવક ગણાશે અને કુલ આવક રૂપિયા 50 લાખ કરતાં ઓછી છે. કુલ આવકમાંથી 50% જેટલી રકમ આવક તરીકે દર્શાવતાં હોવ તો અંદાજિત આવક યોજનાનો લાભ લઇ શકો છો. વ્યવસાયિક આવક સામે પણ આ યોજનાનો લાભ લેશો તો એકાઉન્ટિંગ અને ઓડિટની જોગવાઇમાંથી મુક્તિ લઇ શકશો છે.