ટેક્સ પ્લાનિંગ: કરવેરા અંગે દર્શકોના સવાલ

ના રોજ પ્રકાશિત Sat, 09, 2016 પર 12:47  |  સ્ત્રોત : CNBC-Bajar

સવાલ: મારા સંતાનો વિદેશમાં સ્થાયી થયા છે હું પણ વિદેશમાં સ્થાયી થવાનો છું તો મારૂ પીપીએફ એકાઉન્ટમાં ચાલુ વર્ષે જે ડિપોઝિટ કરી છે તેના ઉપર કરમુક્તિનો લાભ લઇ શકું કે નહીં?

જવાબ: પીપીએફમાં એચયુએફ નવું ખાતું ખોલાવીને રોકાણ કરી શકતાં નથી જ્યારે નોન રેસિડેન્ટ પીપીએફમાં રોકાણ કરી શકતાં નથી. એનઆરઆઇ જ્યારે રેસિડેન્ટ હતા ત્યારે ખાતુ ખોલાવેલું હોય તો તે ખાતું ચાલુ રાખી શકે છે. પીપીએફમાં 5 વર્ષ કે 15 વર્ષની સમયસીમા સુધી ખાતું ચાલુ રહી શકે છે મુદ્દત પૂર્ણ થયા બાદ એક્સ્ટેન્શન મળશે નહીં. પરિણામે ગોપાલભાઇ આપના પીપીએફ એકાઉન્ટને ચાલુ રાખી શકશો.

સવાલ: જો હું વિદેશ બાદ પણ ભારતમાં રેસિડેન્ટની કેટેગરીમાં રહું તો આગામી વર્ષે મારૂ પીપીએફનું એકાઉન્ટ એક્સટેન્ટ કરાવી શકું કે નહીં?

જવાબ: કાયદેસર આયોજન કરીને આપ એક્સટેન્શન માટે ભારતમાં રેસિડેન્ટની કેટેગરીમાં આવો છો તો આપ પીપીએફ એકાઉન્ટની મુદ્દત વધારી શકો છો. આ મુદ્દત 5 વર્ષ સુધી વધાર્યા બાદ આપ ફરી જો નોન રેસિડેન્ટ કેટેગરીમાં આવો છો તો પણ પાંચ વર્ષની મુદ્દત સુધી આપ પીપીએફ એકાઉન્ટનો લાભ મેળવી શકો છો.

સવાલ: મારી પાસેને શેર્સ વેચતાં સમયે જો હું નોન રેસિડેન્ટ કેટેગરીમાં છું, પરંતુ મેં શેર્સની ખરીદી જ્યારે રેસિડેન્ટ હતો ત્યારે કરી છે તો આ સ્થિતિમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે કે નહીં?

જવાબ: શેરબજારના મુદ્દે લાંબાગાળાના મૂડીનફાની કરમુક્તિનો લાભ રહીશ કે બિનરહીશ હોવ તેમાં કોઇ મુશ્કેલી નથી. આપે રહીશ હોય ત્યારે શેર્સની ખરીદી કરી હોય અને તેના ઉપર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ ચૂકવ્યો હોય તો લાંબાગાળાના મૂડી નફાની કરમુક્તિનો લાભ મેળવી શકશો.

સવાલ: એસ.બી. જોગિયા કલકત્તા મારા પત્નીનું પાનકાર્ડ, સેવિંગ અને ડિમેટ એકાઉન્ટ છે, હવે જો હું મારી પત્નીને શેરબજારમાં રોકાણ કરવા વ્યાજમુક્ત લોન આપું છું તો તેના ઉપર થતી આવક ઉપર કરવેરાની જવાબદારી મારી પત્નીની રહેશે કે તે મારી આવક સાથે ક્લબ થશે. તેમજ વ્યાજમુક્ત લોન આપવા માટેની શું કાર્યવાહી કરવાની રહેશે?  

જવાબ: જે ક્લબિંગ પ્રોવિઝનનો આપે ઉલ્લેખ કર્યો છે તે મુજબ બક્ષિસની રકમ જો આપે આપની પત્નીને આપી હોય તેને જો શેરબજારમાં રોકાણ કરીને આવક ઉદ્દભવે તે આપની આવકમાં ક્લબ થાય. પરંતુ જે રીતે આપ વ્યાજમુક્ત લોન આપો છો અને લોનની રકમમાંથી શેરબજારમાં રોકાણ કરીને જે આવક ઉદ્દભવે તે આપની પત્નીની સ્વતંત્ર આવક ગણાશે. રેકોર્ડ અને રેફરન્સ માટે લોનનો ચેક આપો ત્યારે તેની વિગત નોંઘતાં આપ તેને લોન ટુ વાઇફ તરીકે નોંઘો અને પત્ની પણ જ્યારે હપ્તો ચૂકવે ત્યારે તેને વિગતમાં લોન હપ્તા તરીકેની નોંઘ લખે. જો આકારણી અધિકારી આ અંગે કોઇ ક્વેરી લાવે છે તો આપ તેને ઉપરોક્ત નોંઘ દર્શાવીને લોન સ્વરૂપની વિગત જણાવી શકો.

સવાલ: એ. એલ. મહેતા મારા પરિવારના એક સભ્યનો જન્મ ભારતમાં થયો છે પરંતુ હાલ તેઓ ભારતના રહીશ નથી તો તેમને ગુજરાત કે દેશના અન્ય કોઇ હિસ્સામાં જમીન ખરીદવી હોય તો ખરીદી શકે કે નહીં?

જવાબ: જો બિનખેતીની જમીન હોય તો રહીશ કે બિનરહીશમાંથી કોઇપણ વ્યક્તિ ખરીદી શકે છે. આરબીઆઇ તરફથી મર્યાદા ખેતીની જમીન ખરીદવા માટે છે. આરબીઆઇના રેગ્યુલેશન મુજબ બિનરહીશ હોય અને ભારતનું નાગરિકત્વ ધરાવતાં હોય તો પણ તે ખેતીની જમીની ખરીદી શકશે નહીં. પરંતુ જો બિનરહીશ હોય અને ભારતમાં રહીશ હોય તો તે ખેતીની જમીન ખરીદી શકે છે. જો કે ભારતના કાયદા અનુસાર ખેતીની જમીન એ જ ખરીદી શકે જે ખેડૂત હોય તેથી આ શરત પણ રહીશ કે બિનરહીશને ખેતીની જમીન ખરીદવી હોય તો લાગુ પડશે.

સવાલ: શુભમ વર્દે એક એચયુએફ બીજા એચયુએફને ભેટ આપે તો તેના ઉપર કર પાત્રતા રહે કે નહીં?

જવાબ: આવકવેરાના કાયદાની કલમ 56 પેટાકલમ 2 અનુસાર જો કોઇપણ વ્યક્તિને કે એચયુએફને નિયત કરેલાં સગાં સિવાય આપવામાં આવેલી બક્ષિસ જો વાર્ષિક રૂપિયા 50 હજારથી વધુ થાય તો તેના ઉપર કર ભરવાનો રહેશે.  આપના કેસમાં વાર્ષિક રૂપિયા 50 હજારથી વધુની બક્ષિસ આપવામાં આવી હશે તો તેના ઉપર કરપાત્રતા રહેશે.

સવાલ: જયેશ વલીઆ ભાવનગર એચયુએફ તરફથી વ્યક્તિગત ગિફ્ટ આપવામાં આવે તો તેના ઉપર કરપાત્રતા શું રહેશે?

જવાબ: એચયુએફના કર્તા કે સભ્યોને આપવામા આવતી બક્ષિસ અંગે વર્ષ 2009 સુધી કોઇ સ્પષ્ટતાં નહોતી. આવકવેરા કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે તે મુજબ એચયુએફના કર્તા કે નિયત વ્યકિતને આપવામાં આવતી બક્ષિસ કરમુક્ત રહેશે. પુત્ર તેના એચયુએફમાંથી તેના સભ્યને બક્ષિસ આપે છે તો કરમુક્તિનો લાભ મળશે. તેથી આપના કિસ્સામાં આપના પિતાના એચયુએફના સભ્ય હોવ તો તમને મળતી બક્ષિસ કરમુક્ત રહે પરંતુ પુત્રના એચયુએફને આપવામાં આવતી બક્ષિસ નિયત મર્યાદા કરતાં વધુ થાય તો તેના ઉપર કરપાત્રતા રહેશે.

સવાલ: હાર્દિક એમ. દેસાઇ મેં વર્ષ 2010માં હોમલોન લીધી હતી અને તેનું પજેશન મને જાન્યુઆરી 2016માં મળ્યું છે, તો તેવા કિસ્સામાં કલમ 24 હેઠળ કરમુક્તિનો લાભ મળે?

જવાબ: આવકવેરાના કાયદાની કલમ 24 અનુસાર રૂપિયા1.5 લાખ હાઉસિંગ લોન વ્યાજની કપાતનો લાભ લેવા માટે મકાનનો કબ્જો ન મળે ત્યાં સુધી કોઇ કપાતનો લાભ મળતો નથી. જો કે લોન લીધાના ત્રણ વર્ષમાં મકાનનો કબ્જો મળે છે તો જૂની વ્યાજની કપાતનો લાભ પાંચ વર્ષમાં વાર્ષિક 20 ટકા લેખે ક્લેઇમ કરીને હાઉસિંગ લોન વ્યાજની કપાતનો લાભ લઇ શકતાં હતા. નાણાંકીય વર્ષ 2016-17થી હાઉસિંગ લોન વ્યાજની કપાતનો લાભ લોન લીધાના 5 વર્ષમાં જો મકાનનો કબ્જો મળી રહે છે તો મળી શકશે. પરંતુ હાર્દિકભાઇ આપના કેસમાં બેમાંથી કોઇપણ કાયદાની જોગવાઇને પૂર્ણ કરી શકતાં નથી તેથી આપને લોનના વ્યાજની ચૂકવણી ઉપર રૂપિયા 1.5 લાખ નહીં પરંતુ રૂપિયા 30 હજારનો જૂની જોગવાઇ અનુસાર કપાતનો લાભ મળશે.

સવાલ: ફોર્મ નંબર 15જી અને 15એચ ઓનલાઇન પણ ફાઇલ કરી શકાય છે તો તેના અંગેની પ્રોસેસ શું રહેશે?

જવાબ: 30મી સપ્ટેમ્બર 2015 સુધી ફોર્મ 15જી અને 15એચ પેપર ફોર્મમાં જ ફાઇલ કરી શકતાં હતા. આ અંગેનો સુધારો 1 ઓક્ટોબર 2015થી કરવામાં આવ્યો છે. જે અનુસાર સીબીડીટીએ તેને ઓનલાઇન ફાઇલ કરવાની સુવિધા આપી છે. ઓનલાઇન ફાઇલ કર્યા બાદ આપને એક યુનિક આઇડેન્ટી ફિકેશન નંબર મળશે જે આપને આપના ફોર્મ નંબર 15જી અને 15એચ ફાઇલ કરનારને આપવાનો રહેશે.