ટૅકસ પ્લાનિંગ: પીપીએફ અને કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 16, 2016 પર 15:31  |  સ્ત્રોત : CNBC-Bajar

પીપીએફ માત્ર કલમ 80સીને કારણે આકર્ષક છે એવું નથી. કોઇ કરદાતાના કેસમાં હાઉસિંગ લોનની ચૂકવણી કે પીએફ જેવા રોકાણને લીધે કલમ 80સી હેઠળ રોકાણ થતું હોય તો પણ પીપીએફમાં રોકાણ કરવું ફાયદાકારક છે. કારણ કે પીપીએફ ઉપર જે વ્યાજ મળે છે તે આવકવેરા કાયદાની કલમ 10 પેટાકલમ 11 હેઠળ સંપૂર્ણ કરમુક્ત છે. 8.1 ટકાનું પીપીએફનું વ્યાજ ટેક્સ ફ્રી બોન્ડ કરતાં પણ વધુ આકર્ષક છે.

પીપીએફ તમારા સગીર વયના સંતાનના મૂડી નિર્માણ કરવાનું શ્રેષ્ઠ સાધન છે. સગીરવયના સંતાનના ગાર્ડિયન તરીકે પીપીએફમાં રોકાણ કરો છો તો પણ આપને કલમ 80સી હેઠળ કરકપાતનો લાભ મળી શકે છે. સગીરવયના સંતાનો માટે આપ કોઇ રકમ ગિફ્ટ કરો અને તેને બેન્ક ડિપોઝિટમાં મૂકવામાં આવે તો તેના વ્યાજ ઉપર કર ભરવાનો રહે છે. ક્લબિંગ ઓફ ઇન્કમ મુજબ જોઇએ તો સગીર સંતાનની કરપાત્ર આવકમાં માત્ર 1500 રૂપિયા કરમુક્ત છે.


એ ઉપરાંતની આવક તેના ગાર્ડિયન કે માતા-પિતાની આવકમાં ક્લબિંગ કરવામાં આવે છે. પીપીએફમાં મળતી વ્યાજની આવક ક્લબિંગ ઓફ ઇન્કમમાં પણ ગણાશે નહીં. કારણ કે પીપીએફમાં મળતી વ્યાજની આવક કરમુક્ત છે તેથી સગીરના માતા-પિતા માટે પણ એ વ્યાજ કરમુક્ત જ રહેશે. જો આપના સગીરવયના સંતાનના જન્મથી 18 વર્ષ સુધી વાર્ષિક 1.5 લાખ રૂપિયા પીપીએફમાં જમા કરાવો છો 18મા વર્ષે 61.32 લાખ જેટલી બિલકુલ કરમુક્ત મૂડીનું નિર્માણ કરી શકો.

કોઇ કરદાતાને એક કરોડ રૂપિયાથી વધુ આવક ઉપર 35.53 ટકાના વધુમાં વધુ ટેક્સ લાગી શકે છે. વાર્ષિક દોઢ લાખ રૂપિયાનું રોકાણ પીપીએફ કરો તો તેના ઉપર પ્રવર્તમાન 8.1 ટકાના દરે વ્યાજ મળે તો 12150 રૂપિયા થાય. હવે આ 12150 માટે 18848 રૂપિયાની આવક કમાવી પડે છે. તેથી 18848ને સમકક્ષ પીપીએફના વ્યાજનું રિટર્ન તમે ગણી શકો કારણ કે  18848 ઉપર 35.535 ટકાનો ટેક્સ લગાવવામાં આવે તો 12150 રૂપિયા શેષ રહે.


સેક્શન 10(11)નો એડવાન્ટેજ ગણીએ તો પીપીએફના વ્યાજનો દર 12 ટકા થાય. આ જ વિભાગમાં કલમ 80સીનો લાભ લેવામાં આવે તો તમારે ભરવાનો ટેક્સ બચે તો તેના આધારે 19.49 ટકાનુ ઇફેક્ટીવ રિટર્ન તરીકે ગણી શકો. જો 10 લાખથી 1 કરોડની આવક હોય તો 16.9 ટકા પીપીએફનો દર રહે જો તમે 5 લાખથી 10 લાખના બ્રેકેટમાં 12.5 ટકા અને જો 5 લાખ સુધીના બ્રેકેટમાં હોય તો 8.1 ટકાનો લાભ મળે છે.

સવાલ: સરકારે એચયુએફને મળતો પીપીએફનો લાભ કેમ પાછો ખેંચી લીધો?

જવાબ: 2005 સુધી એચયુએફને પીપીએફનો લાભ મળી શકતો હતો. 2005 સુધીના એચયુએફને પીપીએફ એકાઉન્ટ એક્સટેન્ડ કે રિન્યુઅલ કરવા સુધીની છૂટ આપી છે પરંતુ નવા ખાતાની મંજૂરી બંધ કરી છે. એનઆરઆઇના કેસમાં પણ પીપીએફનો મળતો લાભ સરકારે બંધ કર્યો છે. સરકાર માટે આ રકમ સીધુ દેવું છે તેનું સરકાર પર તેના વ્યાજની ચૂકવણીનું ભારણ રહે છે.


તેથી સરકારે આ પ્રકારની નાની બચત યોજનામાં એનઆરઆઇ અને એચયુએફ જેવા કિસ્સામાં પણ પીપીએફ જેવી યોજનાને અટકાવી દીધી હતી. પીપીએફના નિયમ હેઠળ એચયુએફ પર રોક મૂકવામાં આવી છે. આવકવેરા કાયદા અનુસાર એચયુએફ તેના સભ્યના પીપીએફમાં રોકાણ કરીને કલમ 80સીનો લાભ લઇ શકે છે. અથવા સગીર સંતાનના ગાર્ડિયન તરીકે પીપએફના ખાતામાં રોકાણ કરીને તમે કરકપાતનો લાભ લઇ શકો છો.

સવાલ: મારા દિકરાને કરપાત્રને પગાર મળે છે પરંતુ મારી પુત્રવધુની કોઇ આવક નથી તો તેના નામે પીપીએફમાં રોકાણ કરે છે તો તેના ઉપર થતી વ્યાજની આવક ઉપર ટેક્સ ભરવાનો રહે?

જવાબ: આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ સગીરવયના સંતાનના રોકાણથી લાભ મળે છે તેવી જ રીતે લગ્નસાથીના રોકાણ ઉપર પણ કરવેરા મુક્તિનો લાભ મળી શકે છે. જો કે લગ્નસાથીના કિસ્સામાં કલમ 64 હેઠળ ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇનું ધ્યાન રાખવાનું રહેશે. ઉપરાંત પીપીએફમાં મળતું વ્યાજ પણ કરમુક્ત હોવાથી લગ્નસાથીના કિસ્સામાં પણ પીપીએફના વ્યાજની આવક કરમુક્ત જ રહેશે.


આપના કેસમાં પીપીએફની પાકતી મુદતે રકમનો ઉપાડ કરો ત્યારે આપના રોકાણની રકમ કરપાત્ર  આવકના સ્ત્રોતમાં મૂકો છો તો તેના ઉપર ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇ લાગુ પડશે. પરંતુ પીપીએફના વ્યાજની રકમ અન્ય કોઇ સ્ત્રોતમાં રોકાણ કરો છો અને તેના ઉપર વ્યાજની આવક થાય છે તો તેના ઉપર પણ ક્લબિંગની કોઇ જોગવાઇ લાગુ પડશે નહીં. કારણ કે આ અંગેના હાઇકોર્ટના ચુકાદા પણ છે ક્લબિંગ ગિફ્ટના સંદર્ભમાં લાગુ પાડી શકાય તેના ઉપરથી થયેલી આવકને ક્લબિંગ સાથે જોડી શકાય નહીં.

સવાલ: હું વર્ષ 1992થી ગુજરાત સરકારમાં નોકરી કરું છું. પગાર સુધારણાના 6 લાખ રૂપિયા મળ્યા છે  તે અંગે ફોર્મ-10ઇ ભર્યું છે પરંતુ મારા વહીવટી અધિકારી દ્વારા તેને માન્ય રાખવામાં નથી આવી રહ્યું તો શું કરી શકાય?

જવાબ: એરિયર્સની જે કોઇ રકમ મળવાપાત્ર થાય તે આવકવેરા કાયદાની કલમ 192(2)A અનુસાર કોઇ પણ પગારદાર કર્મચારી માલિકને ફોર્મ-10ઇમાં ભરીને આ રાહત માગે તો તેને માલિક રાહત આપી શકે છે. તમને આ રાહત આપવામાં આવી નથી પરંતુ આવકવેરા રિટર્ન હેઠળ તમે એ માંગી શકો છો.
 
સવાલ: મારી ખેતીની જમીન ગુજરાત સરકારે કોલમાઇન માટે એક્વાયર કરી છે ત્યારબાદમાં હાઇકોર્ટમાં કેસ ચાલ્યા બાદ તેના ઉપર વળતર મળ્યું છે તો તેના ઉપર મારી કરપાત્રતા શું રહેશે?

જવાબ: ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીન આવેલી હોય અને જે ગામ વસ્તી 10 હજારથી ઓછી હોય તેમજ નિયત મર્યાદામાં કોઇ તાલુકાની સીમાથી દૂર હોય તો તેના વેચાણથી ઉદ્દભવતાં મૂડીનફા ઉપર ટેક્સ નહીં લાગે. ગ્રામ્ય વિસ્તારમાં ફરજિયાત એક્વિઝિશન થાય છે તે પ્રકારના લાભ શહેરી વિસ્તારમાં મળી શકે તેના માટે કલમ 10(37) હેઠળ જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઇ અનુસાર ફરજિયાત એક્વિઝિશન જો શહેરી વિસ્તારમાં હોય અને ખેતીની જમીન હોય તો તેના પર મળતો મૂડીનફો કરમુક્ત રહેશે.