ટેક્સ પ્લાનિંગઃ મૂકેશભાઈ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Sat, 06, 2016 પર 12:31  |  સ્ત્રોત : Moneycontrol.com

જ્યારે કરદાતાએ વર્ષ દરમિયાન ભરવાપાત્ર આવકવેરો હોય તેની સરખામણીમાં જે આવકવેરો ભર્યો તે વધારે હોય તેવા કિસ્સામાં રિફંડ મળે. આવકવેરા કાયદાની કલમ 237 અંતર્ગત આવકવેરા રિફંડ અંગેની પાયાની જોગવાઇનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કરદાતાએ એડવાન્સ ટેક્સ, ટીડીએસ કે ટીસીએસ દ્વારા ટેક્સ કપાયો હોય એવા કેસમાં વધુ આવકવેરા રિફંડ લેવાનું થાય. આવકવેરા રિફંડ મેળવવા માટે આવકવેરા રિટર્ન ભરવું પડે.


આ રિટર્નમાં ભરવાપાત્ર ટેક્સ અને ચૂકવેલ ટેક્સ દર્શાવવું પડે છે. આ ઉપરાંત આપે છે ટેક્સ ચૂક્વ્યો છે તે સંબંધિત આકારણી વર્ષ માટે સીપીસી અંતર્ગત જમા થયું છે કે નહીં તે જાણ્યા બાદ રિફંડ ક્લેઇમ કરી શકો. સીપીસી અંતર્ગત ટેક્સ જમા થયો હશે તો તેને આવકવેરા વિભાગની વેબસાઇટ ઉપર જોઇ શકશો. તેના માટેનું ફોર્મ 26 એએસ કહેવામાં આવે છે. જે અંતર્ગત ટીડીએસ, ટીસીએસ અને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ અંતર્ગત જો ટેક્સ ક્રેડિટ હોય તો તેના માટે રિફંડ ક્લેઇમ કરવાનું રહે. સંબંધિત નાણાંકીય વર્ષ પૂર્ણ થાય તેના પછીનું વર્ષ આકારણી વર્ષ ગણાય. સંબંધિત આકારણી વર્ષ પૂર્ણ થયાના એક વર્ષના સમયગાળામાં આપને રિફંડ ક્લેઇમ કરવાનું રહે

આવા કિસ્સા માટે વર્ષ 2001ના સીબીડીટીના સર્ક્યુલરમાં એવી સ્પષ્ટતાં કરવામાં આવી છે. જે મુજબ નિયત નાણાંકીય મર્યાદા અનુસાર કરદાતા રિફંડ માટેનો દાવો રજૂ કરવાનો રહેશે. જેમાં રૂપિયા 10 હજાર સુધીનો દાવો હોય તો તમારા સંબંધિત કમિશનર સમક્ષ અરજી આપીને દાવો કરી શકો છો. જો રૂપિયા 10 હજારથી વધુ રૂપિયા 1 લાખથી ઓછું હોય એવા કેસમાં સંબંધિત ચીફ કમિશનર સમક્ષ અરજી સાથેનો દાવો રજૂ કરી શકો. આ ઉપરાંત એ વર્ષ માટેનો કરદાતાનો તે પ્રથમ દાવો હોવો જોઇએ. આવા કેસમાં રિફંડ માંગતા કરદાતાની પોતાની જ આવક હોવી જોઇએ એ આવક બીજા કોઇના આકારણીને પાત્ર હોવી જોઇએ નહીં. જો રૂપિયા 1 લાખથી વધુનું રિફંડ હોય તો થોડી અધરી કાર્યવાહી છે પરંતુ રિફંડ મેળવવાનો રસ્તો છે. આવા રિફંડ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસમાં તેના અંગેની અરજી કરવાની રહેશે.

ખાસ કરીને આવી સમસ્યા ટીડીએસના કિસ્સામાં થતી હોય છે. ટીડીએસ કરનારે આ ટેક્સ સરકારી તિજોરીમાં ભર્યો નથી તેથી તે આપને 26એએસ હેઠળ દેખાશે. પરિણામે આપને જ્યારે ટેક્સ ક્રેડિટ લેવાનું કર ભરતાં સમયે ખ્યાલ આવે છે. અગાઉ આવા કેસમાં રાહત મેળવવાની કોઇ જોગવાઇ નહોતી ત્યારબાદ નાણામંત્રી નાણાંકીય ધારાઓમાં સુધારો કરી તેનો ઉકેલ આપ્યો છે. આવકવેરા કાયદાની કલમ 155(14) અંતર્ગત સપ્લીમેન્ટરી ક્લેઇમ સંબંધિત નાણાંકીય વર્ષના અંત બાદના બે વર્ષમાં કરી શકાશે. ખ્યાલ રાખજો કે સામાન્ય રિફંડ લેવા માટે સંબંધિત નાણાંકીય વર્ષના એક વર્ષનો સમય છે જ્યારે સપ્લીમેન્ટરી રિફંડ માટે બે વર્ષનો રહેશે.

આવકવેરા રિફંડ ઉપરનું વ્યાજ ત્યારે જ મળે જ્યારે ભરવાપાત્ર કરના 10 ટકા કરતાં ઓછી રકમ હશે તો તેના ઉપર કોઇ વ્યાજ મળશે નહીં. કારણ કે 10 ટકા સુધીના આવકવેરો ભરવાનો બાકી રહી ગયો હોય તો તેના ઉપર પણ સરકાર વ્યાજ વસુલતી નથી. પરિણામે 10 ટકા કરતાં ઓછી રકમના રિફંડ પર વ્યાજ ચૂકવવા પાત્ર નથી. 10 ટકાથી ઉપરની રકમ હોય તો તેના ઉપર વ્યાજ માસિક અડધો ટકો વ્યાજ આપે છે. જ્યારે આવકવેરા વિભાગ બાકી કરવેરા ઉપરનું વ્યાજ વસુલે છે તે માસિક એક ટકા લેખે હોય છે. એટલે અહીં સરકારના લેવાના અને આપવાના કાટલા અલગ છે અને તે અંગે રજૂઆતો પણ કરવામાં આવી છે. આ વ્યાજની ચૂકવણી આકારણી વર્ષ શરૂ થવાથી રિફંડ ચૂકવવામાં આવે તે મહિના સુધી મળે છે. જેમાં અડધા મહિનાને પણ આખો ગણીને વ્યાજ ચૂકવવામાં આવે છે.

આવકવેરા કાયદાની કલમ 245 હેઠળ સેટઓફ ઓફ રિફંડ આવકવેરાની સામે મળી શકે છે. સીપીસી અંતર્ગત આવકવેરા વિભાગ નોટીસ આપીને આપને રિફંડ સામે કરવેરાને સેટઓફ કરવા માટેનું કહી શકે છે.

29મી જાન્યુઆરી સીબીડીટીએ સર્કયુલર બહાર પાડ્યો છે. જેમાં કરદાતાએ કલમ 245 લગાવીને રિફંડને સેટઓફ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. કર માળખા સુધારવાની આર.વી. ઇશ્વર કમિટી તરફથી અમે રજૂઆત કરી હતી જેનો ઉકેલ આવ્યો છે. સીબીડીટીએ કહ્યું કે સીપીસી દ્વારા આવા કેસ ઉભા થાય તે સંબંધે કરદાતાને પૂછવામાં આવશે જો તેમને કોઇ વાંધો નહીં હોય તો જ સેટઓફ થઇ શકશે. આ વાંધો આવકવેરા વિભાગની વેબસાઇટ પર મૂકવો પડશે અને જો એક મહિના અંતર્ગત આકારણી અધિકારી તેના અંગેની કોઇ કાર્યવાહી ન કરે તો તેવા કિસ્સામાં રિફંડ ચૂકવવું પડશે.