BUDGET 2024: નાણા મંત્રી નિર્મલા સીતારમણ 20 જૂને ઈંડસ્ટ્રી ચેમ્બર સાથે પ્રી-બજેટ પરામર્શ કરી શકે છે. પીટીઆઈના રિપોર્ટ મુજબ, ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું કે સીતારમણ સાથે પ્રી-બજેટ પરામર્શ પહેલા, 18 જૂને મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા સાથે બેઠક થશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો આર્થિક એજન્ડા 2024-25ના બજેટમાં નક્કી કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, આર્થિક એજન્ડામાં નજીકના ભવિષ્યમાં ભારતને 5 ટ્રિલિયન અમેરિકી ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા અને 2047 સુધીમાં દેશને 'વિકસિત ભારતમાં' રૂપાંતરિત કરવા માટે ઝડપી સુધારાનો સમાવેશ કરવામાં આવશે.
ભારતીય રિઝર્વ બેંકના અનુમાન મુજબ, ગ્રામીણ માંગમાં સુધારો અને ફુગાવામાં સાધારણ થવાને કારણે, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 7.2 ટકા રહેવાની ધારણા છે. મોદી સરકારને ત્રીજી વખત મજબૂત અર્થવ્યવસ્થા વારસામાં મળી છે.
તેમાં સૌથી મોટી વાત આરબીઆઈની તરફથી મળેલી મોટી ભેટ છે, જેણે નાણાકીય વર્ષ 2024 માટે અત્યાર સુધીનું સૌથી વધુ 2.11 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની ત્રીજી મુદતની મુખ્ય નીતિગત પ્રાથમિકતાઓમાં કૃષિ ક્ષેત્રમાં તણાવ, રોજગાર સર્જન, મૂડીરોકાણની ગતિ જાળવી રાખવા અને રાજકોષીય એકત્રીકરણના માર્ગ પર રહેવા માટે આવક વૃદ્ધિને વેગ આપવાનો સમાવેશ થશે.