Union Budget 2024: બજેટમાં ખેડૂતોને મળી શકે છે સારા સમાચાર, સરકાર 25% વધારી શકે છે એગ્રી લોનની લિમિટ
Union Budget 2024: નાબાર્ડના પીએલસીપી આકારણીમાં 25 લાખ કરોડ રૂપિયાની સંભવિત ધિરાણની જરૂરિયાત જાહેર થઈ છે. નાબાર્ડે આ મૂલ્યાંકન નાણા મંત્રાલય સાથે શેર કર્યું છે. હવે કૃષિ લોનના લક્ષ્યાંકમાં ફેરફાર કરવાનો નિર્ણય નાણા મંત્રાલય લેશે.
Union Budget 2024: કેન્દ્રીય બજેટમાં 2024-25 માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકમાં 25 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે.
Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ આ મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં ખેડૂતોની 'ખાસ કાળજી' લઈ શકે છે. કેન્દ્રીય બજેટમાં 2024-25 માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકમાં 25 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. જો આમ થશે તો કૃષિ લોનનો લક્ષ્યાંક 25 લાખ કરોડ રૂપિયા થઈ જશે. આ વધારાથી ખેડૂતો સરળતાથી લોન મેળવી શકશે અને વધુ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં આવશે. આ સંભવિત વૃદ્ધિ નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા બ્લોક સ્તરે કરવામાં આવેલા મૂલ્યાંકન પર આધારિત છે.
FY24 માં લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા
સરકારે નાણાકીય વર્ષ 2023-24 માં, કૃષિ લોનનો લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા રાખ્યો હતો. પરંતુ, આ લક્ષ્યાંક કરતાં વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગયા નાણાકીય વર્ષમાં કૃષિ લોનની રકમ 24.84 લાખ કરોડ રૂપિયા હતી. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કોઈપણ બ્લોકમાં વન ડિસ્ટ્રિક્ટ-વન ક્રોપ પહેલ સહિત વિસ્તારની કૃષિ પ્રવૃત્તિઓની ઓળખ કર્યા બાદ ક્રેડિટ ક્ષમતાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. નાબાર્ડ પોટેન્શિયલ લિન્ક્ડ ક્રેડિટ પ્લાન (PLCP) દ્વારા ધિરાણ સંભવિતતાની ખાતરી કરે છે અને પછી તેને નાણાં મંત્રાલય સાથે શેર કરવામાં આવે છે.
નાણા મંત્રાલયે મોકલ્યુ પીએલસીપી આકારણી
આ વખતે, નાબાર્ડના પીએલસીપી આકારણીમાં 25 લાખ કરોડ રૂપિયાની સંભવિત ધિરાણની જરૂરિયાત જાહેર થઈ છે. નાબાર્ડે આ મૂલ્યાંકન નાણા મંત્રાલય સાથે શેર કર્યું છે. હવે કૃષિ લોનના લક્ષ્યાંકમાં ફેરફાર કરવાનો નિર્ણય નાણા મંત્રાલય લેશે. વન ડિસ્ટ્રિક્ટ, વન ક્રોપ પહેલ એ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ઓડીઓપી) યોજનાને પ્રોત્સાહન આપવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય અનન્ય ઉત્પાદનોની ઓળખ અને પ્રચાર દ્વારા પ્રાદેશિક વિકાસને સંતુલિત કરવાનો છે.
દક્ષિણના રાજ્યોને મળ્યુ 50% થી વધારે ધિરાણ
કૃષિ ધિરાણ પ્રવાહમાં પ્રાદેશિક અસમાનતા છે. કેટલાક ક્ષેત્રોમાં વધુ લોન લેવામાં આવી રહી છે અને અન્યમાં ઓછી. નાબાર્ડ અને બેંકો આ પ્રાદેશિક અસમાનતાને દૂર કરવા માટે કામ કરી રહી છે. નાણાકીય વર્ષ 2023-24માં, 50.5 ટકાથી વધુ કૃષિ લોન દક્ષિણના પાંચ રાજ્યો - આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળને આપવામાં આવી હતી. ઉત્તરના પાંચ રાજ્યો - રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશને કુલ કૃષિ ધિરાણના માત્ર 15 ટકા જ મળ્યા છે.
ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સૌથી ઓછુ ધિરાણ
બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ કરતા પૂર્વીય પ્રદેશને કુલ કૃષિ ધિરાણ પ્રવાહના માત્ર 8.5 ટકા પ્રાપ્ત થયા છે, જ્યારે ઉત્તર-પૂર્વના આઠ રાજ્યોએ દેશના કુલ વિતરણના માત્ર 0.66 ટકા જ પ્રાપ્ત કર્યા છે.